મુલાયમ સિંહનું બનશે મંદિર, સવાર-સાંજ આરતી થશે
મળતી માહિતી મુજબ સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા રાજેશ સૈની અલીગઢમાં મુલાયમ સિંહ યાદવનું મંદિર બનાવી રહ્યાં છે. રાજેશ સૈનીનું કહેવું છે કે પછાત અને દલિતો માટે મુલાયમ સિંહ યાદવે જેટલું કર્યું છે તેને જોતાં તેમનું મંદિર બનાવવાનો વિચાર આવ્યો છે. રાજેશ સૈનીનું કહેવું છે કે આ તેમનો વ્યક્તિગત નિર્ણય છે. મળતી માહિતી મુજબ મુલાયમ સિંહ યાદવનું મંદિર 10 બાય 12 ફૂટનું હશે. આ મંદિરમાં 5 ફૂટ ઉંચી મૂર્તિ રાખવામાં આવશે. એક વર્ષની અંદર આ મંદિર બની જશે જેની પાછળ 10 લાખ રૂપિયાનો ખર્ચ થશે એવો અંદાઝો લગાવવામાં આવે છે.
મુલાયમ સિંહના મંદિર બનાવવાને લઇને રાજકીય ગરમાવો આવી ગયો છે. સમાજવાદી પાર્ટીમાં જ તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સમાજવાદી પાર્ટીના કેટલાક નેતાઓનું કહેવું છે કે જીવતા લોકોની મૂર્તિ સ્થાપવી અથવા તેમના નામનું મંદિર બનાવવું તે સમાજવાદની વિચારધારાની વિરૂદ્ધ છે. જો કે સમાજવાદી પાર્ટી તરફથી આ અંગે કોઇ પ્રતિક્રિયા આવી નથી, અત્રે ઉલ્લેખનીય છે કે દક્ષિણ ભારતમાં રાજનેતાઓ અને ફિલ્મ સ્ટારનું મંદિર બનાવવાનું ચલણ છે. જો મુલાયમ સિંહ યાદવનું મંદિર અલીગઢમાં બનાવવામાં આવશે તો ઉત્તર ભારતમાં આ પ્રથમ મંદિર હશે.