બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ, ભારતીય નૌકાદળની તાકાત વધશે!
નવી દિલ્હી, 11 જાન્યુઆરી : ભારતે મંગળવારે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું. ભારતીય નૌકાદળના સૂત્રોએ જણાવ્યું છે કે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું પશ્ચિમ કિનારે ભારતીય નૌકાદળના INS વિશાખાપટ્ટનમથી પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે સંપૂર્ણ રીતે સફળ રહ્યું હતું. મિસાઈલે સંપૂર્ણ સફળતા સાથે પોતાના લક્ષ્યાંક પર નિશાન સાધ્યું.
મિસાઈલના સી ટુ સી વેરિઅન્ટનું પરિક્ષણ મહત્તમ રેન્જમાં કરવામાં આવ્યું હતું, તે એ જહાજને માર કરવામાં સફળ થઈ હતી જેને લક્ષ્ય બનાવવાનું હતું. આમ ટેસ્ટ સફળ રહ્યો હતો. આ મિસાઈલના સફળ પરીક્ષણથી ભારતીય નૌકાદળની તાકાતમાં વધારો થશે.
બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલ ડીઆરડીઓ દ્વારા વિકસાવવામાં આવી છે. તે રશિયાની પી-800 ઓન્કિસ ક્રૂઝ મિસાઈલની ટેક્નોલોજી પર આધારિત છે. સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ ખૂબ જ ઝડપથી પ્રહાર કરે છે. તેને સબમરીન, વોટર શિપ અથવા એરક્રાફ્ટથી લોન્ચ કરી શકાય છે.
ભારતે રશિયન ટેક્નોલોજીની મદદથી બ્રહ્મોસ મિસાઈલ વિકસાવી છે. બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલની ગણતરી 21મી સદીની સૌથી ખતરનાક મિસાઈલોમાં થાય છે. બ્રહ્મોસ રેમજેટ એન્જિન દ્વારા સંચાલિત છે, જે તેની ઝડપ વધારે છે અને ચોકસાઈને વધુ ઘાતક બનાવે છે. બ્રહ્મોસ મિસાઈલ મહત્તમ 4,300 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે.