સુપ્રીમ કોર્ટે પીએમની પંજાબ મુલાકાતનો સંપૂર્ણ રેકોર્ડ રાખવા આપ્યો
શુક્રવારે સુપ્રીમ કોર્ટે પંજાબમાં પીએમ મોદીની સુરક્ષામાં ખામીને લઈને દાખલ અરજી પર સુનાવણી કરી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને વડાપ્રધાનની પંજાબ મુલાકાતના તમામ રેકોર્ડ સાચવી રાખવાનો આદેશ આપ્યો હતો. તેના આદેશમાં, સુપ્રીમ કોર્ટે પંજાબ સરકાર, પોલીસ અધિકારીઓ, એસપીજી અને કેન્દ્ર સહિત રાજ્યની અન્ય એજન્સીઓને પીએમની મુલાકાતના રેકોર્ડને સીલ કરવામાં મદદ કરવા માટે જરૂરી સહાય પૂરી પાડવાનો પણ નિર્દેશ આપ્યો છે.
આ પહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે આ ઘટનાથી દેશને આંતરરાષ્ટ્રીય સ્તરે શરમ આવી છે. તે જ સમયે પંજાબ સરકારના એડવોકેટ જનરલ, વરિષ્ઠ વકીલ ડીએસ પટવાલિયાએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે રાજ્ય સરકાર આ મુદ્દાને ખૂબ ગંભીરતાથી લઈ રહી છે. ડીએસ પટવાલિયાએ કહ્યું કે પંજાબ સરકારે ઘટનાના દિવસે જ આ મામલાની તપાસ માટે એક સમિતિની રચના કરી હતી.
આ મામલાને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરનાર વરિષ્ઠ વકીલ મનિન્દર સિંહે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે વડા પ્રધાનની સુરક્ષામાં ક્ષતિ એ માત્ર કાયદો અને વ્યવસ્થાની મોટી નિષ્ફળતા નથી, પરંતુ આ બાબત સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG) એક્ટ હેઠળ પણ આવે છે તેમની અરજીમાં, મનિન્દર સિંહે કહ્યું, "એસપીજીના કોઈપણ સભ્યને મદદ કરવા માટે કાર્ય કરવું એ કેન્દ્ર અને રાજ્યની ફરજ છે. વડાપ્રધાનની સુરક્ષાનો મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે અને સંસદીય કાર્યક્ષેત્રમાં આવે છે, તેથી આ ઘટનાની ગંભીર તપાસની જરૂર છે.
તમને જણાવી દઈએ કે ગુરુવારે એનજીઓ લોયર્સ વોઈસ વતી સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં માંગ કરવામાં આવી હતી કે ભવિષ્યમાં આવી ઘટનાઓને રોકવા માટે પીએમ અને પંજાબ સરકારની સુરક્ષામાં ખામી માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવે. યોગ્ય સૂચનાઓ આપવામાં આવે. આ મામલે સુપ્રીમ કોર્ટે અરજદારને કેન્દ્ર અને પંજાબ સરકારને દરેક અરજીની એક-એક કોપી પ્રદાન કરવાનો નિર્દેશ આપતાં શુક્રવારે એટલે કે આજે સુનાવણી કરવાનો નિર્ણય કર્યો.
સીએમને આભાર કહેજો, હુ જીવતો પાછો ફરી રહ્યો છુ
ઉલ્લેખનીય છે કે, બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંજાબના ફિરોઝપુરમાં એક રેલીને સંબોધિત કરવાના હતા. રેલી માટે જતા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો ફ્લાયઓવર પર ફસાઈ ગયો જ્યારે કેટલાક વિરોધીઓએ રસ્તો રોકી દીધો. પીએમ મોદીનો કાફલો લગભગ 15 થી 20 મિનિટ સુધી આ ફ્લાયઓવર પર અટવાયેલો રહ્યો અને ત્યારબાદ વડાપ્રધાન પરત ફર્યા. પરત ફરતી વખતે પીએમ મોદીએ ભટિંડા એરપોર્ટ પર પંજાબ સરકારના અધિકારીઓને કહ્યું કે તમારા મુખ્યમંત્રીનો આભાર કે હું જીવતો પાછો આવી રહ્યો છું.