
સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને પલટ્યો, જાતીય શોષણ માટે સ્પર્શ જરૂરી નહીં!
મુંબઈ, 18 નવેમ્બર : સર્વોચ્ચ અદાલતે બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને ફગાવી દીધો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે સગીરના જાતીય શોષણના આરોપીને સજા માટે ત્વચાથી ત્વચાનો સંપર્ક જરૂરી છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને પલટાવતા કહ્યું કે, POCSO એક્ટ હેઠળ અપરાધીઓને દોષિત ઠેરવવા માટે સૌથી મહત્વની બાબત એ છે કે તેનો જાતીય શોષણ કરવાનો ઈરાદો છે અને ચામડીથી ચામડીનો સંપર્ક જરૂરી નથી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે કાયદાનો હેતુ ગુનેગારોને કાયદાની જાળમાંથી છટકી જવા દેવાનો હોઈ શકે નહીં. POCSO ની કલમ 7 હેઠળ અભિવ્યક્તિ સ્પર્શ અને શારીરિક સંપર્કના અર્થને ત્વચાથી ત્વચાના સંપર્ક સુધી મર્યાદિત રાખવો એ માત્ર સંકુચિત અર્થઘટન જ નહીં પણ જોગવાઈનું વાહિયાત અર્થઘટન પણ હશે.
બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચે આ વર્ષે જાન્યુઆરીમાં એક બાળકી પરના જાતીય શોષણના કેસમાં એક આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો અને એવું માન્યું હતું કે સ્પર્શ કર્યા વિના POCSO એક્ટ હેઠળ કાર્યવાહી કરી શકાય નહી. જસ્ટિસ પુષ્પા ગણેડીવાલાએ 19 જાન્યુઆરીના રોજ પસાર કરેલા આદેશમાં જણાવ્યું હતું કે, જાતીય હુમલો ગણવા માટે દુષિત ઇરાદા સાથે ત્વચાથી ત્વચાનો સંપર્ક જરૂરી છે.
હાઈકોર્ટના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. એટર્ની જનરલે સુપ્રીમ કોર્ટમાં આ નિર્ણયને રદ કરવા અપીલ કરી હતી. બીજી તરફ રાષ્ટ્રીય મહિલા આયોગ વતી અરજી દાખલ કરીને હાઇકોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. 27 જાન્યુઆરીના રોજ તત્કાલિન ચીફ જસ્ટિસ એસએ બોબડેની અધ્યક્ષતાવાળી બેન્ચે હાઈકોર્ટના આ વિવાદાસ્પદ આદેશના અમલ પર રોક લગાવી દીધી હતી. આ બાદ સુપ્રીમ કોર્ટે 30 સપ્ટેમ્બરે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આજે કોર્ટે ચુકાદો આપ્યો હતો.