સુશીલ મોદીનો ટ્વીટ બોંબ : નીતિશ પણ ચારા કૌભાંડમાં સામેલ
નવી દિલ્હી, 6 ઓક્ટોબર : નરેન્દ્ર મોદી સાથે દુશ્મની વહોર્યા બાદ ભાજપ સાથે છેડો ફાડનાર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને પાઠ ભણાવવા માટે ભાજપે પૂરેપૂરી તૈયારી કરી લીધી છે. રવિવાર 6 ઓક્ટોબરે બિહાર ભાજપના નેતા સુશીલ કુમાર મોદીએ એક પછી એક ચાર ટ્વીટ કર્યા અને એ જણાવવાનો પ્રયાસ કર્યો કે બિહારના અતિચર્ચિત ચારા કૌભાંડમાં માત્ર પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ જ નહીં પરંતુ વર્તમાન મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ સામેલ છે. તેમણે આ કૌભાંડમાં જેડીયુના જ એક અન્ય નેતા શિવાનંદ તિવારી પણ સામેલ હોવાની વાત ભારપૂર્વક જણાવી છે.

એક કરોડનો ચારો ખાધો નીતિશ કુમારે
રવિવારે ભાજપના નેતા અને બિહારના પૂર્વ ઉપ મુખ્યમંત્રી સુશીલ મોદીએ ચાર પાના શેર કરીને જણાવ્યું કે આ દાવો હું નહીં પણ ચારા કૌભાંડના કિંગપિન ગણાતા શ્યામ બિહારી સિંહા એટલે કે એસ બી સિંહાનો છે. જે સ્પષ્ટ દર્શાવે છે કે નીતિશ કુમારે પણ રૂપિયા એક કરોડનો ચારો ખાધો છે. નોંધનીય છે કે એસ બી સિંહાનું નિધન થઇ ચૂક્યું છે.

પુરાવા તરીકે ચારા કૌભાંડના કિંગપિનનું નિવેદન
પોતાની વાતને સમર્થન આપવા માટે સુશીલ મોદીએ જે દસ્તાવેજો શેર કર્યા છે તે અનુસાર એસ બી સિંહાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ઉમેશકુમારે દિલ્હીમાં મારો સંપર્ક કર્યો અને જણાવ્યું કે માર્ચ 1995માં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે નીતિશ કુમાર કેટલાક નાણા માંગી રહ્યા છે. આ માટે એક કરોડની માંગણી આવી છે. નવેમ્બર કે ડિસેમ્બરમાં નીતિશને આપવા માટે વિજય મલિકે ઉમેશ સિંહને એક કરોડ રૂપિયા આપ્યા હતા. જ્યારે હું દિલ્હીમાં મારી ત્રીજી ટ્રિપ પર હતો ત્યારે નીતિશનો ફોન આવ્યો હતો કે ઉમેશ સિંહ આવ્યા હતા અને મળ્યા હતા...

શિવાનંદ તિવારી પણ ફોકસમાં આવ્યા
આ જ નિવેદનમાં નીતિશની સાથે વર્તમાન જેડીયુ નેતા શિવાનંદ તિવારીનો ઉલ્લેખ પણ થયો છે. સિંહાએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે નવેમ્બર 1994માં હું જ્યારે દિલ્હીમાં હતો ત્યારે ઉમેશ સિંહ મારી પાસે આવ્યા હતા અને મને શિવાનંદ તિવારી પાસે લઇ ગયા હતા. તેઓ કારોલબાગની હોટલ ખીલા હાઉસમાં ઉતર્યા હતા. ત્યાં શિવાનંદ તિવારીએ રૂપિયા 50 લાખની માંગણી કરી હતી.

શિવાનંદે ખાધા 40 લાખ
ત્યાર બાદ નક્કી કરવામાં આવ્યું કે તિવારીને રૂપિયા 40 લાખ આપવામાં આવશે. નિવેદનમાં જણાવાયું છે કે ત્રિપુરારી મોહન પ્રસાદે મને 40 લાખ રૂપિયા શિવાનંદ તિવારીને આપવાનું કહ્યું હતું. નવેમ્બર 1994માં આ રકમ આપવામાં આવી હતી. ત્રિપુરારી મોહન પ્રસાદે પાછળથી કન્ફર્મ કર્યું હતું કે 30થી 35 લાખ રૂપિયા શિવાનંદ સુધી પહોંચાડવા માટે ઉમેશ સિંહને આપવામાં આવ્યા છે...

ઉમેશ સિંહનું નિવેદન પણ છે
આ જ દસ્તાવેજમાં ઉમેશ સિંહનું નિવેદન પણ છે. તેમના નિવેદન અનુસાર શિવાનંદ પોતાની માંગણીથી ટસના મસ ના થયા અને ચાલ્યા ગયા. ત્યાર બાદ તે જ દિવસે એસ બી સિંહાના કહેવાથી વિજય મલિકના ભાઇએ ચાર લાખ રૂપિયા શિવાનંદ તિવારીને આપવા માટે મરીન હોટલમાં મને સોંપ્યા હતા. હું પટના ગયો અને શિવાનંદ તિવારીના ઘરે જઇને તે આપી આવ્યો.