
ટ્વિટર પર સુપરસ્ટાર રજનીકાંત સુપરહિટ; 88000 ફોલોઅર્સ
નવી દિલ્હી, 5 મે : તમિલ સુપરસ્ટાર રજનીકાંત એ પોતાનું ટ્વિટર એકાઉન્ટ ખોલ્યું છે. આજે પહેલા જ દિવસે રજનીકાંતના 88,000 ફોલોઅર્સ બની ચૂક્યા છે. રજનીકાંતના પત્ની લથા, પુત્રીઓ સૌંદર્યા અને ઐશ્વર્યા તથા જમાઇ ધનુષ પહેલાથી જ ટ્વિટર પર છે.
નોંધનીય છે કે દક્ષિણના સુપર સ્ટાર રજનીકાંત ટ્વિટર પર આવતાની સાથે જ હજારો પ્રશંસકો તેમને ફોલો કરી રહ્યા છે. ફિલ્મ કોચડિયાંની રિલીઝ પૂર્વે ટ્વિટર પર એકાઉન્ટ શરૂ કરતાની સાથે જ તેઓ ડિજીટલ જગતમાં સુપરહિટ સાબિત થયા છે.
રજનીકાંતે આ અંગે એક નિવેદનમાં જણાવ્યું કે તેઓ હવેથી ટ્વિટર પર ઉપલબ્ધ બનશે. 63 વર્ષના એક્ટર રજનીકાંતે કહ્યું કે મને લાગે છે કે આ મંચ તમામ સમાચારો અને દુનિયાભરના ચલણ વિશે માહિતીગાર રહેવા માટે યોગ્ય છે. મને એવું પણ કહેવાયું છે કે રજનીકાંતના બધા જ શ્રેષ્ઠ જોક પણ ટ્વિટર પર ઉપલબ્ધ છે.
સામાન્ય રીતે ઓછુ બોલનારા રજનીકાંત હવે ટ્વિટર દ્વારા તેમની સોશિયલ અને પર્સનલ લાઇફ વિશે પ્રશંસકો સાથે વાત કરશે. તેમણે કહ્યું કે મારો કરિઅર ગ્રાફ એક ચમત્કાર છે, જે માટે હું મારા પ્રશંસકોનો આભારી છું. ટ્વિટરના ભારતીય બજારના ડિરેક્ટર ઋષિ જેટલીએ પણ ટ્વિટર પર રજનીકાંતનું સ્વાગત કર્યું છે.
ટ્વિટર પર તેમનું ઓફિશિયલ હેન્ડલ @SuperStarRajini છે. પહેલા દિવસે સાંજ સુધીમાં જ તેમણે સુપર સ્ટાઇલથી 5459 ટ્વિટ કરી હતી.