અલગ તેલંગાણા પર રાજકારણમાં ભૂકંપ, વિરોધમાં રાજીનામાની હરોળ
નવી દિલ્હી, અલગ તેલંગાણા રાજ્યના ગઠનને કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા મંજૂરી મળતા જ રાજકારણમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઇ છે. સરકારના આ નિર્ણયના વિરોધમાં કેન્દ્રીય પ્રવાસન મંત્રી ચિરંજીવીએ રાજીનામુ ધરી દીધું છે.
તેલંગાણાના ગઠનના વિરોધમાં માનવ સંસાધન વિકાસ મંત્રી પલ્લમ રાજૂએ પણ પોતાના રાજીનામાની રજૂઆત કરી છે. એટલું જ નહીં, કોંગ્રેસના 2 સાંસદોના વિરોધ જતાવ્યા બાદ પાર્ટીની સદસ્યતામાંથી પણ રાજીનામું આપી દીધું છે. આ કોંગ્રેસી સાંસદ છે અનંત રેડ્ડી અને વી અરૂણ કુમાર. વિરોધ અને રાજીનામાનો આ સિલસિલો આગળ પણ ચાલુ રહે તેવી વકી છે.
કેન્દ્રીય મંત્રિમંડળે ગુરુવારે જ અલગ તેલંગાણા રાજ્યના ગઠનને મંજૂરી આપી છે. આ નવો પ્રદેશ આધ્ર પ્રદેશને વિભાજિત કરને બનાવવામાં આવશે.
આ પહેલા, કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ મંત્રિમંડળની બેઠક બાદ પત્રકારોને જણાવ્યું કે વડાપ્રધાન મનમોહન સિંહની અધ્યક્ષતામાં મંત્રિમંડળની બેઠક મળી. શિંદેએ જણાવ્યું કે 'મંત્રિમંડળે આંધ્ર પ્રદેશનું વિભાજન કરીને અલગ તેલંગાણા રાજ્ય બનાવવાને મંજૂરી આપી દીધી છે.'શિંદેએ જણાવ્યું કે મંત્રિઓનું એક સમૂહ ભારતીય સંઘમાં 29મું રાજ્ય ગઠન કરવાના સંબંધમાં નીતિ-નિયમો પર અધ્યયન કરશે. તેમણે જણાવ્યું કે હૈદરાબાદ શહેર આવતા દસ વર્ષો સુધી બંને પ્રદેશો આંધ્ર પ્રદેશ અને તેલંગાણાની રાજધાની બની રહેશે.
અત્રે ઉલ્લેખનીય છએ કે કોંગ્રેસ કાર્ય સમિતિએ 30 જુલાઇના રોજ આંધ્ર પ્રદેશને વિભાજિત કરીને અલગ તેલંગાણા રાજ્ય બનાવવાનો નિર્ણય લઇ લીધો હતો. આ નિર્ણયના વિરોધમાં રાયલસીમા અને તટવર્તી આંધ્ર પ્રદેશમાં જોરદાર વિરોધ શરૂ થઇ ગયો. અત્રે સરકારી કર્મચારીઓ 13 ઑગસ્ટથી અમર્યાદિત હડતાલ પર હતા. અને કેન્દ્ર સરકાર પાસે આ નિર્ણયને પરત લેવાની માંગ કરી રહ્યા હતા.