શ્રીનગરમાં આતંકીઓએ પોલિસકર્મીને મારી ગોળી, સ્થિતિ ગંભીર
જમ્મુઃ કાશ્મીર ઘાટીમાં આતંકવાદીઓ સામે સુરક્ષાબળોનુ ઑપરેશન ચાલુ છે. જેમાં ઘણા મોટા આતંકી કમાંડર માર્યા ગયા છે. જેના કારણે આતંકી સંગઠન હવે અકળાયા છે. એવામાં હવે તે છૂપાઈને સુરક્ષાબળો પર હુમલા કરી રહ્યા છે. શનિવારે શ્રીનગરમાં આતંકીઓએ એક પોલિસકર્મીને ગોળી મારી દીધી જેમાં તે ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. ઘટના બાદ આખા વિસ્તારમાં સર્ચ ઑપરેશન ચલાવવામાં આવ્યુ.
માહિતી મુજબ શ્રીનગરના અલી જાન રોડ સ્થિત એવી બ્રીજ પર જવાનોની તૈનાતી કરવામાં આવી હતી. આ દરમિયાન અમુક આતંકી ત્યાં પહોંચ્યા અને ફાયરિંગ કરી દીધુ. જેમાં એક જવાન ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. તાત્કાલિક તેમને નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા જ્યાં તેમની હાલત ગંભીર છે. વળી, ઘટના બાદ તરત આતંકી ઘટના સ્થળેથી ભાગી ગયો. જેના કારણે સમગ્ર વિસ્તારને ઘેરીને સર્ચ ઑપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે. વળી, ઘાયલ પોલિસકર્મીના ભાઈએ કહ્યુ કે તે સવારે 7 વાગે ડ્યુટી પર નીકળ્યો હતો. 10 મિનિટ પછી તેને ફોન આવ્યો કે ભાઈને કોઈએ ગોળી મારી દીધી. તે માત્ર અધિકારીના ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. તેણે પૂછ્યુ કે શું તેણે કોઈને નુકશાન પહોંચાડ્યુ છે? તેણે કંઈ નથી કર્યુ. અમારી ઘાટીમાં આ પ્રકારની હરકતો ખોટી છે.
અનંતનાગમાં 3 આતંકી ઠાર
વળી, બીજી તરફ શુક્રવારે અનંતનાગ જિલ્લાના પહેલગામમાં આતંકીઓ સાથે સુરક્ષાબળોની અથડામણ થઈ. આમાં 3 આતંકી ઠાર મરાયા. સૈન્ય અધિકારીઓના જણાવ્યા મુજબ શ્રીચંદ વન ક્ષેત્રમાં અમુક આતંકવાદીઓના છૂપાયા હોવાના સમાચાર મળ્યા હતા. જેના પર તેમણે સર્ચ ઑપરેશન શરુ કર્યુ હતુ. જવાનોને પાસે આવતા જોઈને આતંકીઓએ તેમના પર ફાયરિંગ શરુ કરી દીધુ. જેનો સુરક્ષાબળોએ જડબાતોડ જવાબ આપ્યો અને ત્રણ આતંકીઓને ઠાર માર્યા. સૂત્રો મુજબ પીઓકેમાં 200થી વધુ આંતકી કેમ્પ હજુ પણ સક્રિય છે. ત્યાંથી મોટી સંખ્યામાં આતંકી જમ્મુ-કાશ્મીરમાં ઘૂસવાની ફિરાકમાં છે. આના કારણે એલઓસી પર સેનાને હાઈએલર્ટ પર રાખવામાં આવી છે.