
કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત? શ્રી માતા વૈષ્ણોદેવી યુનિવર્સિટીમાં 13 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ
જમ્મુ : દેશમાં કોરોના વાયરસના સંક્રમણ અને નવા પ્રકાર ઓમિક્રોનની ઝડપ ફરી એકવાર વધવા લાગી છે. ત્યારથી તમામ રાજ્યો એલર્ટ મોડ પર છે. આ દરમિયાન શ્રી માતા વૈષ્ણોદેવી યુનિવર્સિટી કટરામાં 13 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.
13 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા બાદ, રિયાસીના જિલ્લા મેજિસ્ટ્રેટ ચરણદીપ સિંહે આગામી આદેશો સુધી શ્રી માતા વૈષ્ણો દેવી યુનિવર્સિટીને તાત્કાલિક અસરથી બંધ કરવાની સૂચના આપી છે.
ઉલ્લેખનીય છે કે, 31 ડિસેમ્બર, 2021ના રોજ શ્રી માતા વૈષ્ણોદેવી યુનિવર્સિટી કટરામાં તમામ વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ તપાસ દરમિયાન કેમ્પસના 13 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.
વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ રિયાસીના ડીએમએ મેનેજમેન્ટને તાત્કાલિક અસરથી યુનિવર્સિટી બંધ કરવા જણાવ્યું છે. વિદ્યાર્થીઓની સલામતીને ટાંકીને ડીએમએ કેમ્પસને આગામી આદેશ સુધી બંધ રાખવા જણાવ્યું હતું.
નોંધનીય છે કે, સોમવારના રોજ (03 જાન્યુઆરી, 2022) શ્રી માતા વૈષ્ણોદેવી યુનિવર્સિટીમાં વિવિધ વર્ગોની પરીક્ષાઓ છે, પરંતુ હવે યુનિવર્સિટી બંધ હોવાને કારણે, મેનેજમેન્ટ દ્વારા આગામી સપ્તાહે પરીક્ષાઓની નવી તારીખ જાહેર કરવામાં આવશે. પરિસ્થિતિની ફરીથી સમીક્ષા કર્યા બાદ તે કરવામાં આવશે.
જે દરમિયાન શનિવારના રોજ જમ્મુ કાશ્મીરમાં કોરોના સંક્રમણના 169 નવા કેસ નોંધાયા છે. આ સહિત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,41,459 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.