
બેંગલુરુમાં 16 મહિના બાદ કોરોના પીડિતોના મૃતદેહો મળ્યા - આવું કેમ થયું?
"કેવું લાગે જ્યારે કોઈ કહે કે 16 મહિના પહેલાં ગુજરી ગયેલા પિતાનો મૃતદેહો મળ્યો છે. અમે લોકો તેમના અંતિમસંસ્કાર ગત વર્ષે કરી ચૂક્યા છીએ, એવું લાગ્યું કે માથે પહાડ પડ્યો હોય."
આ દુ:ખ ચેતના સતીશનું છે, જેમને સ્થાનિક પોલીસ પાસેથી જાણવા મળ્યું કે તેમના પિતાનો મૃતદેહ રાજાજીનગરસ્થિત કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત ઍમ્પોઇઝ સ્ટેટ ઇન્સ્યૉરન્સ (ઈએસઆઈ) હૉસ્પિટલના શબગૃહમાં બે જુલાઈ, 2020થી રાખવામાં આવ્યો છે.
પોલીસે 15 વર્ષીય કીર્તનાને પણ ફોન કર્યો અને તેમને જણાવ્યું કે તેમનાં માતા દુર્ગા સુમિત્રાનો મૃતદેહ પણ બે જુલાઈ, 2020થી આ શબગૃહમાં રાખવામાં આવ્યો છે.
આ બાળકોનાં માસી જીબી સુજાતા કહે છે, "કીર્તના અને તેની 10 વર્ષની નાની બહેન પોલીસના ફોન બાદ આઘાતમાં છે. હું તેમને મારી સાથે લાવી છું, કેમ કે દુર્ગા મારી નાની બહેન હતી. બાળકોના પિતાનું મૃત્યુ પણ સ્વાસ્થ્ય સંબંધી કારણોને લીધે 2019માં થયું હતું."
હૉસ્પિટલે અંતિમસંસ્કાર કર્યાનો દાવો કર્યો હતો
આ બંને પરિવારોને જ્યારે ગત વર્ષે પોતાના સ્વજનોનાં મૃત્યુની જાણકારી મળી ત્યારે તેમના અંતિમસંસ્કાર કરી દેવાયા હતા. હૉસ્પિટલ સંચાલકોએ ચેતનાના પિતા મુનિરાજુ અને કીર્તનાનાં માતા દુર્ગા સુમિત્રાનું કોવિડથી મૃત્યુ થયાની જાણકારી પરિવારને આપી હતી.
ચેતનાએ કહ્યું, "એ સમયે કોવિડ સંક્રમિત દર્દીઓના મૃતદેહને ઘરે લાવવાની મંજૂરી નહોતી. અમને કહેવામાં આવ્યું કે બૃહદ બેંગલુરુ મહાનગરપાલિકાના કર્મચારી તેમના અંતિમસંસ્કાર કરશે. અમે ત્યાં ગયા પણ નહોતા, કેમ કે અમારા પડોશીઓ કોવિડ સંક્રમણને લઈને ઘણા ભયમાં હતા."
જીબી સુજાતાએ કહ્યું કે "નગરપાલિકાના અધિકારીઓએ અમને ફોન કરીને કહ્યું કે અંતિમસંસ્કાર થઈ ગયા છે. અમને મૃત્યુનું પ્રમાણપત્ર પણ મળી ગયું હતું."
જ્યારથી પોલીસે આ પરિવારોને સ્વજનોના અંતિમસંસ્કાર ન થવાની જાણકારી આપી ત્યારથી તેઓ આઘાતમાં છે. ચેતના અને કીર્તનાને પોલીસે ત્યારે ફોન કર્યા જ્યારે ઈએસઆઈ હૉસ્પિટલના સફાઈકર્મીને બે શબગૃહમાંથી એકમાં દુર્ગંધ આવી.
રવિવારે ઈએસઆઈ હૉસ્પિટલના કર્મચારીઓએ પોલીસને જાણકારી આપી અને પોલીસને બાંધેલા મૃતદેહો પર બંને પરિવારના સંપર્કનો ટૅગ મળ્યો. પોલીસે અકુદરતી મૃત્યુનો કેસ દાખલ કરીને મૃતદેહોને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યા.
'કોઈ પાસે કોઈ જવાબ નથી'
જીબી સુજાતાએ જણાવ્યું કે "પોલીસે અમને નિવેદન આપવા માટે બોલાવ્યા છે. અમને કોઈ જણાવતું નથી કે મૃતદેહને આટલા લાંબા સમય સુધી શબગૃહમાં કેમ રાખવામાં આવ્યા?"
રાજાજીનગરના ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી સુરેશકુમારે શ્રમમંત્રી શિવારામ હેબ્બારને લખેલા ખુલ્લા પત્રમાં કહ્યું કે "આ અમાનવીય છે."
અધિકારીઓના જણાવ્યા અનુસાર, મુનિરાજુ અને દુર્ગાનાં કોવિડથી મૃત્યુ થયાં એના એક મહિના પછી એક નવું શબગૃહ બન્યું હતું અને એ પહેલાં જૂના શબગૃહને ખાલી કરવાનું હતું.
નવા શબગૃહમાં બાર મૃતદેહોને એકસાથે રાખવાની વ્યવસ્થા છે, જ્યારે જૂના શબગૃહમાં છ મૃતદેહ રાખી શકાતા હતા.
આ બંને મૃતદેહોને જૂના શબગૃહમાંથી નહીં કાઢવાના અને બૃહત બેંગલુરુ મહાનગરપાલિકાના કર્મચારીઓને નહીં સોંપવાના મામલામાં કોની બેદરકારી છે, તેની હજુ સુધી જાણકારી મળી નથી.
હૉસ્પિટલના ફૉરેન્સિક વિભાગના એક પ્રોફેસરે બીબીસીને કહ્યું, "કોવિડ સંક્રમણના સમયે શબગૃહની દેખરેખની જવાબદારી કૅઝુઅલ્ટી વિભાગ પાસે હતી."
સતત ફોન અને મૅસેજ મોકલ્યા બાદ પણ હૉસ્પિટલ પ્રબંધક એટલે કે મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ કે નિદેશક સાથે સંપર્ક થઈ શક્યો નહોતો.
હૉસ્પિટલના એક કર્મચારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે નવા શબગૃહનો હવાલો ફૉરેન્સિક વિભાગ પાસે છે, જ્યારે જૂના શબગૃહનો હવાલો કૅઝુઅલ્ટી વિભાગ પાસે જ છે.
બેંગલુરુમાં કામ કરતા એક ફૉરેન્સિક પ્રોફેસરે નામ ન આપવાની શરતે બીબીસીને કહ્યું, "જો શબગૃહનું ફ્રીઝર યોગ્ય રીતે કામ કરતું રહ્યું હતું તો દુર્ગંધ બહાર ન આવવી જોઈએ. જો ફ્રીઝરનો ઉપયોગ ન થયો હોય તો જ આવું થઈ શકે."
તેમણે એમ પણ કહ્યું, "આપણે અન્ય દેશનાં ઉદાહરણોથી જાણીએ છીએ કે શબગૃહમાં લાંબા સુધી મૃતદેહ રાખી શકાય છે. એક સવાલ તો એ છે કે દુર્ગંધ કેવી રીતે આવી. મૃતદેહને નષ્ટ કરવાની રીત હૉસ્પિટલ જાણે છે અને સરકારી હૉસ્પિટલ પણ તેમાં અપવાદ નથી."
સ્થાનિક ભાજપના ધારાસભ્ય સુરેશકુમારે બીબીસી કહ્યું, "આ સંપૂર્ણ બેદરકારીનો મામલો છે. આ હૉસ્પિટલ સંચાલન અને નગરપાલિકા વચ્ચે તાલમેલના અભાવનો પણ મામલો છે. બંનેની બેદરકારી છે."
શરૂઆતમાં કર્ણાટકના શ્રમવિભાગે આ મામલે પોતાના હાથ અધ્ધર કરી લીધા હતા.
હકીકતમાં ઈએસઆઈ હૉસ્પિટલ શ્રમવિભાગ અધીન સંચાલિત છે, પરંતુ રાજાજીનગરવાળી હૉસ્પિટલ નવી દિલ્હીથી સંચાલિત છે.
કર્ણાટકના શ્રમમંત્રી શિવારામ હેબ્બારેએ કહ્યું, "જયાનગર, રાજાજીનગર અને કુલબર્ગીની હૉસ્પિટલનું સંચાલન દિલ્હીથી થાય છે. પણ બંને લોકોનાં મૃત્યુ કેવી રીતે થયાં અને તેમના મૃતદેહો હવે કેવી રીતે મળ્યા એના માટે મેં ઈએસઆઈ મેડિકલ સેવા બેંગલુરુને તપાસના નિર્દેશ આપ્યા છે."
રાજ્ય સરકારની જવાબદારી છે કે નહીં?

કર્ણાટકના સ્વાસ્થ્યમંત્રી ડૉ. કે. સુધાકર અનુસાર, આ મામલે રાજ્ય સરકારની જવાબદારી નથી.
તેમણે બીબીસીને કહ્યું, "મૂળ રૂપે ઈએસઆઈ હૉસ્પિટલ શ્રમવિભાગ અધીન કામ કરે છે. તપાસની વાત કરીએ તો એ હૉસ્પિટલ સીધી દિલ્હી મુખ્યાલયથી સંચાલિત છે. બધા લોકો વિચારે છે કે રાજ્ય સરકારનો સ્વાસ્થ્ય વિભાગ જવાબદાર છે, પરંતુ એવું નથી. તેમ છતાં હું એ સ્વીકારું છે કે આ ભૂલ થઈ છે."
કે. સુધાકરે કહ્યું, "સરકારના પ્રતિનિધિ તરીકે હું જવાબદારી લઉં છું. અધિકારીઓએ પરિવાર પાસે જઈને માફી માગવી જોઈએ. કોઈ પણ રીતે આવી ભૂલ બીજી વાર ન થવી જોઈએ."
જોકે સુજાતા અને ચેતનાની સમસ્યા માત્ર માફી માગવાથી દૂર નહીં થાય. લોકસ્વાસ્થ્ય મામલાનાં વિશ્લેષક અને સામાજિક કાર્યકર ડૉ. સેલ્વિયા કરપાગમ કહે છે, "પરિવારને આવી સ્થિતિનો સામનો કરવા માટે મદદની જરૂર હોય છે."
ચેતનાએ કહ્યું, "જ્યારે અમે મેડિકલ રિપોર્ટ માગવા ગયાં ત્યારે સારી રીતે વાત કરાઈ નહોતી. અમે બીયુ નંબર (બેંગલુરુ શહેરમાં કોવિડ સંક્રમિત બધા લોકોને મળેલો નંબર) માગ્યો હતો, પણ એ નંબર મળ્યો નહોતો."
એ નંબરની જરૂર શું છે એ અંગે પૂછતાં ચેતનાએ કહ્યું, "જો અમારી પાસે એ નંબર હોત તો અમે સરકાર તરફથી કોવિડથી થયેલા મૃત્ય પર મળતી એક લાખની મદદ માટે અરજી કરી શકત."
જીબી સુજાતા કહે છે, "અમને અંતિમસંસ્કાર બાદ કાલે રાતે બીયુ નંબર મળ્યો છે. આશા છે કે અમને સહાયતા મળશે. પણ હું ઇચ્છું છું કે સરકારે દુર્ગાનાં બાળકોના અભ્યાસનો ખર્ચ ઉઠાવવો જોઈએ."
"મારી બહેને બંનેના પ્રવેશ માટે પ્રાઇવેટ સ્કૂલમાં નામ નોંધાવ્યાં હતાં. હું તેમને ત્યાંથી કાઢવા માગતી નથી. મારા પતિનું મૃત્યુ પણ દુર્ગાના પતિના મૃત્યુ પહેલાં એક વર્ષ અગાઉ થયું હતું. મારો પણ એક પુત્ર છે, જે ભણે છે."
ડૉ. સેલ્વિયા કહે છે, "આ એક-બે ડૉક્ટર કે અધિકારી પર દોષ ઢોળવાનો મામલો નથી. આ સમસ્યા લોકસ્વાસ્થ્ય સુવિધાઓની ઉપેક્ષાને લીધે અંદર સુધી ફેલાયેલી છે. કોરોના મહામારી બાદ બધી રાજ્ય સરકારોએ લોકસ્વાસ્થ્ય સુવિધાઓની કમીઓને દૂર કરવાની ગંભીર કોશિશ કરવી જોઈએ."
"મોટા ભાગે એક-બે લોકોને દોષી ઠેરવવામાં આવે છે, જે નીચલા સ્તરે કામ કરે છે. કોઈ પણ નિર્ણય લેવાની પ્રક્રિયામાં તેમનું કોઈ યોગદાન હોતું નથી."
જીબી સુજાતા કહે છે, "અંતિમસંસ્કાર થઈ ગયા છે, પરંતુ પરિવારના બધા લોકો આઘાતમાં છે."
તો ચેતના કહે છે, "હવે અમારે નવું મૃત્યુનું પ્રમાણપત્ર મેળવવું પડશે, તમે સ્થિતિની કલ્પના કરી શકો છો."
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=CZRuslESZUI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો