અયોધ્યા રામ મંદિરની આસપાસ નહિ કરી શકાય કોઈ પણ બાંધકામ!
અયોધ્યામાં ભગવાન રામના મંદિર આસપાસ બહુમાળી ઇમારતો બનાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મંદિરની આસપાસના 300 મીટર સુધીના વિસ્તારમાં ઇમારતના બાંધકામ માટે જિલ્લા અધિકારી પાસેથી NOC લેવી પડશે. રામ મંદિરની સુરક્ષાને લઈને સુરક્ષા સમિતિની વિનંતી પર આ યોજનાનો અમલ કરાશે. તેના અમલ માટે એક સમિતિની પણ રચના કરી છે.
મંદિર વિકાસ ઑથૉરિટીના સેક્રેટરી આર.પી.સિંહે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, રામ મંદિર સંકુલને સુરક્ષિત રાખવા વહીવટી તંત્ર દ્વારા રામ જન્મભૂમિ આજુબાજુના વિસ્તાર માટે કેટલાક પ્રતિબંધિત આદેશો લાગુ કરવાની વિનંતી કરાઈ છે. સમિતિમાં સુરક્ષા વિભાગ, ફરિયાદી વિભાગ અને શહેરની કચેરીના એક અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રામ જન્મભૂમિ સંકુલથી 100 મીટરના અંતર સુધીના ધોરણ મુજબ કોઈ નવું બાંધકામ થઈ શકશે નહીં. નિર્માણ થઈ ચૂકેલા મકાનોના બ્યુટિફિકેશનનું કામ થઈ શકશે. પરંતુ ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટની મંજુરી લેવી પડશે. 300 મીટરના ક્ષેત્રમાં સાડાબાર મીટરથી વધુ ઊંચી ઇમારત બાંધી શકાશે નહિ. મકાન બનાવતાં પહેલાં નકશો વિકાસ અધિકારી પાસેથી પાસ કરાવવો પડશે અને NOC મેળવવી પડશે. લાંબા વિવાદ બાદ રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યુ છે ત્યારે સુરક્ષાને લઈને તંત્ર ખુબજ કાળજી લે તે સ્વભાવિક છે.