
મેડ ઇન ચાઇના કાર પર સરકાર સખ્ત, એલોન મસ્કને પણ સૂચનો કર્યા!
ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લાની મેડ ઇન ચાઇના કાર ભારતમાં નહીં આવી શકે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના જણાવ્યા અનુસાર ટેસ્લાને આ સંદર્ભમાં સૂચનાઓ પણ આપવામાં આવી છે.
ઈન્ડિયા ટુડે કોન્ક્લેવ 2021 ને સંબોધતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, મેં ટેસ્લાને કહ્યું છે કે ભારતમાં એ ઈલેક્ટ્રિક કાર વેચશો નહીં જે ચીનમાં બને છે. તમારે ભારતમાં ઈલેક્ટ્રિક કાર બનાવવી જોઈએ અને કારની નિકાસ પણ કરવી જોઈએ. ગડકરીએ વધુમાં કહ્યું કે, તમે (ટેસ્લા) જે પણ સપોર્ટ ઈચ્છો છો તે અમારી સરકાર પૂરી પાડશે.
આ સાથે નીતિન ગડકરીએ ટાટા મોટર્સ દ્વારા ઉત્પાદિત ઇલેક્ટ્રિક કારને પણ ટેકો આપ્યો છે. તેમણે કહ્યું કે ટાટા મોટર્સ દ્વારા ઉત્પાદિત ઇલેક્ટ્રિક કાર ટેસ્લા વાહનો કરતા ઉતરતી નથી.
તમને જણાવી દઈએ કે, ટેસ્લા પોતાની ઈલેક્ટ્રિક કાર દ્વારા ભારતના ઓટો ઉદ્યોગમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે. અગાઉ ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે ભારત સરકાર પાસે આયાત ડ્યુટી ઘટાડવાની માંગ કરી હતી. એલોન મસ્કે કહ્યું હતું કે ભારતમાં આયાત ડ્યૂટી ઘણી વધારે છે. આ અંગે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ટેક્સ છૂટ સાથે સંબંધિત માંગ અંગે તે ટેસ્લાના અધિકારીઓ સાથે હજુ પણ વાતચીત કરી રહ્યા છે.
હાલમાં ભારતમાં 40,000 ડોલરથી વધુની કિંમતની આયાતી કાર પર CIF (કિંમત, વીમા અને ભાડા) સાથે 100 ટકા આયાત ડ્યૂટી લાગે છે. આનાથી ઓછી કિંમતની કાર પર આયાત ડ્યૂટી 60 ટકાના દરે લાદવામાં આવે છે. દેશમાં વેચાઈ રહેલી મોટાભાગની કારની કિંમત 20,000 ડોલરથી ઓછી છે. આમાં પણ ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ નજીવું છે. અહીં તમને જણાવી દઈએ કે ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું કાર માર્કેટ છે, જેમાં વાર્ષિક 30 લાખ વાહનોનું વેચાણ થાય છે.