
સુરતમાં અપહરણ કરાયેલા ધારાસભ્યને માર્યા, હ્રદયરોગનો હુમલો આવ્યોઃ સંજય રાઉત
મુંબઈઃ ભાજપ પર નિશાન સાધીને શિવસેના સાંસદ સંજય રાઉતે મંગળવારે દાવો કર્યો કે એકનાથ શિંદે પર ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના સામે બળવો કરવાનુ દબાણ હતુ. રાઉતે આરોપ લગાવ્યો કે મંત્રી શિંદ સાથે સુરત ગયેલા ઓછામાં ઓછા બે ધારાસભ્યોને 'ઑપરેશન કમલ'ના ભાગરૂપે ગુંડાઓ અને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો. શિંદેના ગુજરાતમાં ધામા નાખવા અને બધા સાથે સંપર્ક તોડવાના કારણે મચેલી રાજકીય ઉથલપાથલના સવાલ પર રાઉતે કેન્દ્રીય એજન્સીઓના દબાણ તરફ સંકેત કર્યો.
રાઉતે કહ્યુ કે તેઓ શિંદેની એ મજબૂરીથી વાકેફ છે જેના કારણે તેઓ પાર્ટી સામે બળવો કરવા પ્રેરાયા. રાઉતે એવો પણ દાવો કર્યો હતો કે કેટલાક ધારાસભ્યોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા અને 'અપહરણ' કરીને ગુજરાતમાં લઈ જવામાં આવ્યા હતા. રાઉતે દાવો કર્યો હતો કે, 'દેશમુખની સાથે આવેલા નીતિન દેશમુખ સહિત બે ધારાસભ્યોને ગઈકાલે રાત્રે માર મારવામાં આવ્યો હતો. દેશમુખે ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ 'ઑપરેશન કમલ'ના ભાગરૂપે તેમને પોલીસ અને ગુંડાઓએ માર માર્યો અને તેમને હાર્ટ એટેક આવ્યો. કેટલાક ધારાસભ્યોએ અમને કહ્યુ છે કે તેમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા અને ગુજરાત લઈ જવામાં આવ્યા હતા.
રાઉતે આક્ષેપ કર્યો હતો કે શિવસેનાના ધારાસભ્યોને તેમના સાથીદારોના ઓછામાં ઓછા ચારથી પાંચ ફોન કૉલ આવ્યા હતા, જેમણે ફોન પર બચાવવાની વિનંતી કરી હતી અને કહ્યુ હતુ કે તેઓને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે. રાઉતના જણાવ્યા મુજબ ગુજરાતમાંથી ફોન કરનારા ધારાસભ્યોએ કહ્યુ કે તેમને ગેરમાર્ગે દોરવા સહિત તેમનુ અપહરણ કરવામાં આવી રહ્યુ છે. તેમણે કહ્યુ કે તેમને થાણે (સોમવારે) ડિનર માટે બોલાવવામાં આવ્યા હતા અને પછી લઈ જવામાં આવ્યા હતા. તેમણે કહ્યુ કે તેમના પરિવારના સભ્યોએ પોતાના પતિ અને પિતાના ગુમ થવા અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
શિવસેનાના સાંસદે કહ્યુ કે તેમને પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) તરફથી નોટિસ મળી હતી પરંતુ તેઓ ક્યારેય દબાણમાં આવ્યા નથી. હું શિવસેનાને ક્યારેય નહિ છોડુ જે મારી માતા જેવી છે. હું શિંદેની મજબૂરીથી વાકેફ છુ.
તેમણે દાવો કર્યો હતો કે શિંદે સાથે શિવસેનાના 14 થી 15 ધારાસભ્યો છે, જ્યારે મંગળવારે મુંબઈમાં મુખ્યમંત્રી ઠાકરે સાથેની બેઠકમાં ઓછામાં ઓછા 30 ધારાસભ્યોએ હાજરી આપી હતી. શિવસેના પાસે ગૃહમાં 55 ધારાસભ્યો છે. રાઉતે શિંદેને વિધાનસભામાં શિવસેના વિધાનમંડળ પક્ષના નેતા તરીકે હટાવવાને પણ યોગ્ય ઠેરવ્યુ હતુ અને કહ્યુ હતુ કે શિસ્તભંગની કાર્યવાહી જરૂરી છે. અગાઉ રાઉતે કહ્યુ હતુ કે શિંદે સાથે સંપર્ક સ્થાપિત થયો છે, જે મુંબઈમાં નથી.