છેલ્લાં પાંચ વર્ષમાં છ વાર ક્રેશ થયું MI-17 હેલિકોપ્ટર, જાણો દરેક દુર્ઘટના વિશે
તામિલનાડુના નીલગિરિમાં બુધવારે ભારતીય વાયુ સેનાનું MI-17 હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ હેલિકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) બિપિન રાવત અને તેમનાં પત્ની મધુલિતા રાવત સહિત કુલ 14 લોકો મુસાફરી કરતાં હતાં. તેવામાં ઈન્ડિયન એરફોર્સે CDS બિપિન જનરલ રાવતના મોતની પુષ્ટી કરી દીધી છે. ઈન્ડિયન એરફોર્સે ટ્વિટ કરીને કહ્યું છે કે, આ દુર્ઘટનામાં બિપિન રાવત સહિત 13 લોકોના મોત થયા છે. આ ઘટનામાં ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જોકે તેમની સ્થિતિ પણ ઘણી ગંભીર જણાવવામાં આવી છે.
MI-17V5 હેલિકોપ્ટરને ભારતીય વાયુ સેનાનું સૌથી સુરક્ષિત હેલિકોપ્ટર માનવામાં આવે છે. ભારતે રશિયા પાસેથી MI-17 હેલિકોપ્ટર ખરીદ્યાં છે. આ પહેલાં પણ MIનાં ઘણાં હેલિકોપ્ટર ક્રેશ થયા હોવાની દુર્ઘટના બની છે.

અરુણાચલ પ્રદેશ, 2017
છ મે 2017ના રોજ અરુણાચલ પ્રદેશના તવાંગ પાસે વાયુસેનાના એક MI-17 હેલિકોપ્ટર ઉડાન ભર્યાના થોડા સમય પછી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં પાંચ જવાન શહીદ થયા હતા. વાયુસેનાના જણાવ્યા પ્રમાણે, આ હેલિકોપ્ટરે સવારે 6 વાગે ઉડાન ભરી હતી અને એના થોડા સમય પછી જ એ ક્રેશ થયું હતું.

કેદારનાથધામ, 2018
ત્રણ એપ્રિલ 2018માં ઉત્તરાખંડના કેદારનાથધામમાં વાયુસેનાનું એક MI-17 હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ગુપ્તકાશીથી પુનર્નિર્માણ સામગ્રી લઈને આવતું આ હેલિકોપ્ટર હેલિપેડથી અંદાજે 60 મીટર પહેલાં જ દુર્ઘટના થયું હતું. આ હેલિકોપ્ટરમાં છ લોકો હતા, તેમાંથી એકને સામાન્ય ઈજા થઈ હતી, જ્યારે બાકીના લોકો સુરક્ષિત હતા.

જમ્મુ-કાશ્મીર, 2019
27 ફેબ્રુઆરી 2019ની સવારે અંદાજે 10 વાગે જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં વાયુ સેનાનું MI-17 ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં વાયુસેનાના છ અધિકારી સહિત 1 નાગરિકનું પણ મોત થયું હતું. તપાસમાં જાણવા મળ્યું કે આ હેલિકોપ્ટર બેદરકારીને કારણે પોતાની જ મિસાઈલનો શિકાર થયું હતું. આ દુર્ઘટનામાં ઘણા અધિકારીઓના સામે કાર્યવાહી થઈ હતી.

કેદારનાથ ધામ, 2019
2018માં પણ કેદારનાથધામમાં દુર્ઘટનાનો શિકાર થયેલું MI-17 હેલિકોપ્ટર 2019માં અહીં ફરી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. 23 સપ્ટેમ્બર 2019ની સવારે ટેક-ઓફ થતી વખતે જ આ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં પાયલટ સહિત 6 લોકો સુરક્ષિત બચી ગયા હતા. આ હેલિકોપ્ટરે કેદારનાથથી ગુપ્તકાશી જવા માટે ઉડાન ભરી હતી.

અરૂણાચલ પ્રદેશ, 2021
ગઈ 18 નવેમ્બરે વાયુ સેનાનું આ હેલિકોપ્ટરમાં અરુણાચલ પ્રદેશમાં લેન્ડિંગ દરમિયાન દુર્ઘટના ઘટી હતી, જોકે એમાં પાંચેય ક્રૂ-મેમ્બર્સ સુરક્ષિત રીતે બચી ગયા હતા અને તેમને સામાન્ય ઈજા થઈ હતી. આ ઘટના એ સમયની છે, જ્યારે હેલિકોપ્ટર એર મેઇન્ટેનન્સ ચાર્જ કરી રહ્યું હતું. દુર્ઘટનાનાં કારણોની તપાસ માટે એક કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ પણ કરવામાં આવ્યો હતો.