For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકારે સંસદમાં ‘ચર્ચા વગર 15-20 મિનિટમાં’ બિલ પસાર કર્યાં, જાણો એ બિલ વિશે

મોદી સરકારે સંસદમાં ‘ચર્ચા વગર 15-20 મિનિટમાં’ બિલ પસાર કર્યાં, જાણો એ બિલ વિશે

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

જુલાઈ મહિનાથી સંસદનું ચોમાસુસત્ર શરૂ થયું છે, ત્યારથી વારંવાર ગૃહમાં ધાંધલને પગલે સંસદનાં બંને ગૃહોની કામગીરીને મોકૂફ રાખવી પડી રહી છે.

વિપક્ષ શાસક પક્ષ અને સરકારને વિવિધ મુદ્દે ઘેરવા માટે તેના પર સંસદમાં ચર્ચા કરવા માગે છે, પરંતુ સામે પક્ષે સરકાર ઝૂકવા તૈયાર નથી.

દરમિયાન અત્યાર સુધી લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી કુલ દસથી વધુ વખત સ્થગિત કરી દેવાઈ છે. જોકે બીજી તરફ સરકારે ગૃહમાં ધ્વનિમતે કેટલાંક બિલ પણ પાસ કરી દીધાં છે.

મોટાભાગનાં બિલ ગૃહમાં ચર્ચા વગર જ પસાર થયાં છે. જેમાં કેટલાંક બિલ સામે વિપક્ષે વાંધો ઉઠાવ્યો છે.

આ સંસદસત્રમાં સરકાર અનુસાર અત્યાર સુધી 13 બિલ પાસ થયાં છે. જેમાં ફાઇનાન્સ, કૉર્પોરેટ અફેર્સ, ડિફેન્સ, પર્યાવરણ અને કૃષિ મંત્રાલયો સંબંધિત બિલનો સમાવેશ થાય છે.

જેટલાં બિલ પસાર થયાં છે તેમાં નાણા મંત્રાલય સંબંધિત બિલોનું પ્રમાણ વધારે છે.


ચર્ચા વગર પસાર થયેલાં બિલ

અત્રે નોંધવું કે મોદી સરકાર સંસદના આ સત્રમાં કુલ 31 બિલ રજૂ કરવાનું આયોજન ધરાવતી હતી. જેમાંથી 13 બિલ રજૂ કરી દીધાં છે અને તેને લોકસભા કે રાજ્યસભામાં પસાર પણ કરી દીધાં છે.

આથી અહીં એ જાણવું જરૂરી છે કે સરકારે સંસદમાં મોકૂફી અને ધાંધલ વચ્ચે કયાં બિલો ચર્ચા વગર પસાર કરી દીધાં છે.

1. જુવેનાઇલ જસ્ટિસ (કૅર ઍન્ડ પ્રૉટેક્શન ઑફ ચિલ્ડ્રન) ઍમેન્ડમૅન્ટ બિલ, 2021 : આ બિલને માર્ચ મહિનામાં લોકસભામાં બજેટ સત્રમાં પાસ કરાયું હતું અને 28 જુલાઈના રોજ તેને રાજ્યસભામાં પાસ કરી દેવાયું હતું. બિલ જિલ્લા અને અધિક જિલ્લા મૅજિસ્ટ્રેટને બાળકો દત્તક લેવા મામલેના આદેશ જારી કરવાની સત્તા આપે છે તથા વિવિધ બાળકલ્યાણ ઑથૉરિટીની કામગીરીની સમીક્ષા કરવાની પણ તેમને સત્તા આપે છે. તેમાં બાળકલ્યાણ સમિતિ અને જિલ્લા બાળસુરક્ષા યુનિટની કામગીરીનો પણ સમાવેશ થાય છે. તેમાં કેટલાક બિનવ્યાખ્યાયિત ગુનાઓનું વર્ગીકરણ પણ કરાયું છે જેમાં ન્યૂનતમ સજાનું વર્ણન નથી થયું.

2. ફૅક્ટરિંગ ઍમેન્ડમૅન્ટ બિલ, 2021 : આ બિલ સંસદમાં માત્ર 15 મિનિટમાં પાસ કરી દેવાયું હતું. તેને રાજ્યસભામાં 28મી જુલાઈએ રજૂ કરાયું હતું. બિલ માઇક્રો, સ્મૉલ અને મીડિયમ ઍન્ટરપ્રાઇઝીસ ક્ષેત્રને સહાય માટેનું લક્ષ્ય ધરાવે છે. તેને સપ્તાહ પહેલાં જ રજૂ કરવાનું હતું પરંતુ વિપક્ષે પેગાસસ મામલે ચર્ચાની માગણી કરતાં સંસદમાં હંગામો થયો જેથી એ સમયે રજૂ નહોતું થઈ શક્યું.

3. ધ જનરલ ઇન્સ્યૉરન્સ બિઝનેસ (નેશનલાઝેશન) ઍમેન્ડમૅન્ડ બિલ, 2021 : 30 જુલાઈના રોજ તે લોકસભામાં અને બીજી ઑગસ્ટના રોજ તે રાજ્યસભામાં પસાર થઈ ગયું છે. આ બિલ સરકારને જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓમાં પોતાનો હિસ્સો ઓછો કરવાની છૂટ આપે છે. એનો અર્થ કે સરકારને ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાની છૂટ મળશે. સરકારને આનાથી તેનો ડિસઇન્વેસ્ટમેન્ટનો ટાર્ગેટ પૂરો કરવામાં મદદ મળશે. જાહેરક્ષેત્રની કંપનીઓમાં માલિકીનો હિસ્સો વેચવામાં સરકારને મદદ થશે.

જોકે સરકારનું એવું કહેવું છે કે આનાથી આવક ઊભી થશે પરંતુ વિપક્ષનો આના વિરોધમાં છે. વિપક્ષનું કહેવું છે કે આ બિલ જનતાના પક્ષમાં નથી.

4. ટ્રિબ્યૂનલ રિફૉર્મ્સ બિલ, 2021 : વિપક્ષે આ બિલ પર ચર્ચા માટે સરકારને આગ્રહ કર્યો છતાં આ બિલ લોકસભામાં બીજી ઑગસ્ટે ચર્ચા વગર જ પાસ કરી દેવાયું હતું. આ બિલ ન્યાય આપવાની સિસ્ટમને વધુ એકસૂત્રી બનાવવા માટે વિવિધ કાયદામાં સુધારા દ્વારા વિવિધ કાયદા હેઠળની ટ્રિબ્યૂનલ અથવા ઑથૉરિટીઝને નાબૂદ કરવાનું લક્ષ્ય ધરાવે છે. જેમાં સિનેમેટોગ્રાફી ઍક્ટ, કૉપીરાઇટ ઍક્ટ, કસ્ટમ્સ ઍક્ટ, પેટન્ટ્સ ઍક્ટ, ઍરપૉર્ટ ઑથૉરિટી ઑફ ઇન્ડિયા ઍક્ટ, ટ્રેડમાર્ક ઍક્ટ, અને જીયૉગ્રાફિકલ ઇન્ડિકેશન ઑફ ગુડ્સ (રજિસ્ટ્રેશન ઍન્ડ પ્રૉટેક્શન) ઍક્ટનો સમાવેશ થાય છે.

સરકારનું કહેવું છે કે ઘણી ટ્રિબ્યૂનલ્સ હોવાથી માત્ર લિટિગેશનનું એક વધારાનું સ્તર ઉમેરે છે.

5. ધ ઇનસોલ્વન્સી ઍન્ડ બૅન્કરપ્સી કોડ (ઍમેન્ડમૅન્ટ) બિલ, 2021 : ગત રોજ આ બિલ રાજ્યસભામાં પસાર થઈ ગયું હતું. તેને જુલાઈમાં લોકસભામાં પાસ કરાયું હતું. તેમાં સત્તાવાર કાર્યવાહી શરૂ થાય તે પહેલા જ લેણદાર અને દેણદાર વચ્ચે એક વાટાઘાટ-સમાધાનથી ઉકેલ લાવવાની યોજના સામેલ કરાઈ છે. સરકારનું કહેવું છે કે તેનાથી સત્તાવાર કાર્યવાહી વધુ સક્ષમ, ઝડપી અને કિફાયતી તથા અસરકારક બનશે.

તેમાં સત્તાવાર નાદારીના ઉકેલ માટેની બિન-ઔપચારિક પ્રક્રિયા માટે ઓછામાં ઓછી રૂ. 10 લાખની ડિફૉલ્ટની મર્યાદા રાખવામાં આવી છે. એટલે કે દેવાની મર્યાદા 10 લાખ રૂપિયા રાખવામાં આવી છે.

તેને બિનસંબંધિત નાણાકીય લેણદારો (અનરિલેટેડ ફાઇનાન્શિયલ ક્રૅડિટર્સ) અને બહુમતી શેરધારકોની 66 ટકા સંમતિ સાથે હાથ ધરવામાં આવશે.

તથા સમગ્ર પ્રક્રિયા 120 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે.

6. ઇનલૅન્ડ વેસલ્સ બિલ, 2021 : આ બિલ લોકસભા અને રાજ્યસભા બંનેમાં પસાર થઈ ગયું છે. કેન્દ્રીય બંદરો, વહાણવટા અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે આ બિલ રજૂ કર્યું હતું.

તેમાં દેશમાં ઇનલૅન્ડ વૉટરવેઝ સંબંધિત કાયદાના અમલીકરણ તથા નેવિગેશન મામલે એકસૂત્રતા લાવવાનું લક્ષ્ય છે. જોકે તેમાં પણ વિપક્ષે વિરોધનો સૂર છેડ્યો હતો છતાં તેને ધ્વનિમતથી પસાર કરાયું હતું.

7. ડિપૉઝિટ ઇન્સ્યૉરન્સ ઍન્ડ ક્રૅડિટ ગૅરંટી કૉર્પોરેશન (અમૅન્ડમેન્ટ) બિલ, 2021 : તેને સંસદમાં 30 જુલાઈએ રજૂ કરાયું હતું. કેન્દ્રીય કૅબિનેટે DICGC ઍક્ટ, 1961માં સુધારાને મંજૂરી આપી હતી જે આ કાયદામાં સુધારા માટે બિલ તરીકે રજૂ કરાયું હતું. સરકારનું કહેવું છે કે હવે જો બૅન્કો ફડચામાં જશે તો તેમાં નાણાં જમા કરાવનાર ખાતાધારકોને ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડશે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ફેબ્રુઆરી-2021માં બજેટ રજૂ કરતી વખતે આપેલા ભાષણમાં જાહેરાત કરી હતી કે બૅન્કોમાં રહેલી ડિપૉઝિટનું કવચ એક લાખથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવશે. કોરોનાને કારણે સત્ર ટૂંકાવી દેવાતાં ગત સત્રમાં તે રજૂ નહોતું થઈ શક્યું.

તાજેતરમાં યસ બૅન્ક અને લક્ષ્મીવિલાસ બૅન્ક જેવી ખાનગી બૅન્ક તથા પંજાબ ઍન્ડ મહારાષ્ટ્ર કૉ-ઑપરેટિવ બૅન્ક (પીએમસી બૅન્ક) જેવી નાણાકીય સંસ્થાઓ દબાણ હેઠળ આવી હતી, જેના કારણે ગ્રાહકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

અત્રે નોંધવું કે (ડીઆઈસીજીસી) કૉર્પોરેશન સંપૂર્ણપણે દેશની મધ્યસ્થ બૅન્ક રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઈ)ને આધીન કામ કરે છે.

જેના દ્વારા દેશની તમામ કૉમર્શિયલ બૅન્ક તથા ભારતમાં વિદેશી બૅન્કની શાખાઓનાં બચતખાતાં, ચાલુ ખાતાં કે રિકરિંગ ખાતામાં જમા કરાવવામાં આવેલી રકમ પર વીમાકવચ આપવામાં આવે છે.

જમા કરાવવામાં આવેલા દર રૂ. 100 પર બૅન્કો દ્વારા 10 પૈસાનું પ્રીમિયમ આ કૉર્પોરેશનને ચૂકવવામાં આવે છે. જેને વધારીને 12 પૈસાની જોગવાઈ કરવામાં આવી છે, જેને મહત્તમ 15 પૈસા સુધી લઈ જઈ શકાશે.

નવી જોગવાઈ પ્રમાણે, ખાતાધારકને 90 દિવસની અંદર રૂપિયા પાંચ લાખ સુધીની રકમ પરત મળી જશે. જૂની વ્યવસ્થા હેઠળ આ પ્રક્રિયામાં આઠથી 10 વર્ષ લાગતા હતા.

જોકે આ સમગ્ર બિલ અને કામગીરી મામલે કૉંગ્રેસના નેતા અધિરરંજન ચૌધરીએ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, “સરકારે એક પછી એક ખરડાઓ પર બુલડોઝર ચલાવી દીધા. અમે ચર્ચા કરવા માગતા હતા, પણ માત્ર પેગાસસ પર પહેલા ચર્ચા કરવા માગ કરી હતી.”

આ સિવાય સરકારે ધ કૉન્સ્ટિટ્યૂશન (શિડ્યૂલ ટ્રાઇબ્સ) ઑર્ડર (ઍમેન્ડમૅન્ટ) બિલ, 2021, ધ લિમિટેડ લાયબલિટી પાર્ટનરશિપ (ઍમેન્ડમૅન્ટ) બિલ, 2021, ધ કૉમન ઍર ક્વૉલિટી મૅનેજમૅન્ટ ઇન નેશનલ કૅપિટલ રિજન ઍન્ડ ઍડ્જોઇનિંગ એરિયાઝ બિલ, 2021, ધ કૉકૉનટ ડેવલપમૅન્ટ બોર્ડ (ઍમેન્ડમૅન્ટ) બિલ, 2021, ધ એસેન્શિયલ ડિફેન્સ સર્વિસ બિલ, 2021, ધ અપ્રોપ્રિએશન (નં. 4) બિલ, 2021, ધ અપ્રોપ્રિએશન (નં. 3) બિલ, 2021 પણ સંસદગૃહમાં રજૂ કરી પાસ કર્યાં છે.


કોરોના વાઇરસ ફર્નિચર

https://youtu.be/_rDMrCNJHGs

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
The Modi government passed the bill in Parliament in 15-20 minutes without discussion, find out about the bill
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X