
આગ્રામાં મુગલ રોડનું નામ બદલીને કરાયુ મહારાજા અગ્રસેન રોડ
તાજનગરી આગ્રા શહેરના મુગલ રોડનું નામ બદલીને 'મહારાજા અગ્રસેન રોડ' કરવામાં આવ્યું છે. આ અંગે માહિતી આપતાં આગ્રાના મેયર નવીન જૈને જણાવ્યું કે, બાજુના વિસ્તાર 'કમલા નગર'માં રહેતા મહારાજ અગ્રસેનના અનુયાયીઓની માંગણી પર રોડનું નામ બદલવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ગુરુવારે જ 'સુલતાનગંજ કી પુલિયા'નું નામ બદલીને 'વિકલ ચોક' કરવામાં આવ્યું છે. મુગલ રોડના નામ બદલવાની જાહેરાત મહારાજા અગ્રસેનના અનુયાયીઓ અને સ્થાનિક લોકોની હાજરીમાં કરવામાં આવી હતી.
નવીન જૈને માહિતી આપતા કહ્યું કે, 'સડકનું નામ બદલવાની માંગ પર 27 સપ્ટેમ્બરે આગ્રા મ્યુનિસિપલ કોર્પોરેશનની એક્ઝિક્યુટિવ કમિટીમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, જેને બાદમાં બોડીના ગૃહમાં મંજૂરી આપવામાં આવી હતી. વિકાસ ચોકથી કમલા નગર સુધીના રસ્તાનું નામ મુગલ રોડ કેવી રીતે પડ્યું તે આપણે જાણતા નથી, પરંતુ આ રોડ મહારાજ અગ્રસેન સાથે સંબંધિત હશે તો આવનારી પેઢીને પ્રેરણા મળશે. આગ્રા મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નંબર 75ના સભ્ય સુષ્મા જૈને કહ્યું કે મહારાજ અગ્રસેનના અનુયાયીઓ માટે આ સન્માનની વાત છે.
તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યમાં ઘણા મોટા શહેરોના નામ પણ બદલવામાં આવ્યા છે. ફૈઝાબાદને તેનું જૂનું નામ અયોધ્યા અને અલ્હાબાદને તેનું પ્રાચીન નામ પ્રયાગરાજ આપવામાં આવ્યું છે. આ સિવાય ગોરખપુરમાં અનેક વિસ્તારોના નામ પણ બદલવામાં આવ્યા છે. સભ્ય સુષ્મા જૈને વધુમાં જણાવ્યું હતું કે મુગલ રોડ ગુલામીનું પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ મહારાજા અગ્રસેનનું નામ આવનારી પેઢીઓને પ્રેરણા આપશે.