નવા સંસદ ભવનનું ઉદઘાટન પીએમ મોદીએ નહીં રાષ્ટ્રપતિએ કરવુ જોઈએ, રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને માંગ કરી
નવુ સંસદ ભવન બનીને તૈયાર થઈ ગયુ છે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલુ સંસદ ભવન ઉદઘાટન માટે તૈયાર છે અને પીએમ મોદી 28 મેંના રોજ સંસદ ભવનનું ઉદઘાટન કરવા જઈ રહ્યા છે ત્યારે રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને નિશાન સાધ્યુ છે.
કોંગ્રેસ નેતા અને પુર્વ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારતના નવા સંસદ ભવનનું ઉદઘાટન વડાપ્રધાને નહીં પરંતુ રાષ્ટ્રપતિએ કરવુ જોઈએ. પીએમ મોદી 28 તારીખે સંસદ ભવનનું ઉદઘાટન કરવાના છે ત્યારે હવે રાજનીતિ ગરમાઈ છે.

18 મેંના રોજ લોકસભા સચિવાલયે જાહેરાત કરી હતી કે સ્પીકર ઓમ બિરલાએ પીએમ મોદીને મળીને નવા સંસદ ભવનના ઉદઘાટન માટે આમંત્રણ આપ્યુ છે. હવે તમામ વિપક્ષી નેતાઓ એક સુરમાં આ પગલાની આલોચના કરી રહ્યા છે.
રાહુલ ગાંધી આજકાલ પીએમ મોદીની લોકશાહી વિરોધી નીતિઓની ખુલ્લીને આલોચના કરી રહ્યા છે ત્યારે તેમણે કહ્યું કે, નવા સંસદ ભવનનું ઉદઘાટન રાષ્ટ્રપતિએ જ કરવુ જોઈએ, પ્રધાનમંત્રીએ નહીં હવે તેમનું આ ટ્વિટ વાયરલ થઈ રહ્યું છે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, આ પહેલા ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન એટલે કે AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસીએ સવાલ કર્યો હતો કે આ મહત્વપૂર્ણ કાર્ય માટે લોકસભાના સ્પીકર અને રાજ્યસભાના અધ્યક્ષની પસંદગી કેમ ન કરાઈ?
અસદુદ્દીન ઓવૈસીએ ટ્વિટર પર લખ્યું કે, પીએમએ સંસદનું ઉદ્ઘાટન શા માટે કરવું જોઈએ? તે કારોબારીના વડા છે, વિધાયિકાના નહીં. આપણી પાસે સત્તાનું વિભાજન છે. તેનું ઉદ્ઘાટન લોકસભાના સ્પીકર અને રાજ્યસભા અધ્યક્ષ દ્વારા થઈ શક્યું હોત. પીએમ એવું વર્તન કરી રહ્યા છે કે જાણે તેમના મિત્રોએ પોતાના ભંડોળથી બનાવ્યું હોય.
તમને જણાવી દઈએ કે, મોદી સરકારે વિવાદીત ક્રાંતિકારી વિનાયક દામોદર સાવરકરની જન્મજયંતિ 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયની ઘણી ટીકા થઈ રહી છે.
BJP આઈટી સેલના વડા અમિત માલવિયાએ ટ્વિટ કર્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મે 2023ના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. આ દિવસે ભારતના મહાન સપૂત વિનાયક દામોદર સાવરકરની 140મી જન્મજયંતિ પણ છે.












Click it and Unblock the Notifications
