
નેપાળ ભાગી ગઇ છે હનીપ્રીત, પોલીસને મળ્યા છે મહત્વપૂર્ણ ઇનપુટ
ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહ હાલ જેલમાં કફોડી સ્થિતિમાં છે, ત્યારે તેની કથિત પુત્રી હનીપ્રીત ઇંસાના ઠેકાણાની પણ ભાળ મળી ગઇ છે. નોંધનીય છે કે, રામ રહીમ જેલમાં બંધ થતાં જ હનીપ્રીત નાસી છૂટી હતી. રામ રહીમના દરેક કાળા કામમાં તેનો સાથ આપનાર હનીપ્રીત પર દેશદ્રોહ સહિત અનેક આરોપો છે અને પોલીસે તેની વિરુદ્ધ લુકઆઉટ નેટિસ પણ બહાર પાડી હતી. ડેરા સચ્ચા સૌદાના ઉદયપુરના પ્રમુખ પ્રદીપે જાણકારી આપી હતી કે, હનીપ્રીત નેપાળમાં છે. શનિવારે મોડી રાત્રે હરિયાણા પોલીસે પ્રદીપની ધરપકડ કરી હતી.
પ્રદીપે હનીપ્રીત અંગે કર્યો ખુલાસો
સૂત્રો અનુસાર, હનીપ્રીત બિહારના રસ્તે વિરાટ નગર થઇ નેપાળ પહોંચી છે. નેપાળ પહોંચ્યા બાદ તે સતત પોતાનું લોકેશન બદલી રહી છે. પ્રદીપે ધરપકડ બાદ પોલીસની પૂછપરછમાં ઉપરોક્ત માહિતી આપી હતી. ખબરો અનુસાર, નેપાળ પોલીસ કાઠમાંડૂ, પોખરા, બુટવલ અને વિરાટનગરમાં હનીપ્રીતને શોધી રહી છે. પોલીસે પ્રદીપનો મોબાઇલ ફોન પણ જપ્ત કરી લીધો છે અને પોલીસને આ મોબાઇલમાંથી હનીપ્રીત અંગેના મહત્વપૂર્ણ ઇનપુટ મળ્યા છે. પોલીસનું કહેવું છે કે, તેઓ ટૂંક સમયમાં જ હનીપ્રીત સુધી પહોંચવામાં સફળ થશે.
પંચકૂલામાં ભડકાવી હતી હિંસા
સીબીઆઇની પંચકૂલા કોર્ટ દ્વારા બે સાધ્વીઓના બળાત્કારના મામલે રામ રહીમને દોષીત ઠેરવ્યા બાદ પંચકૂલામાં હિંસા ફાટી નીકળી હતી. પ્રદીપ પર આ હિંસા ભડકાવવાનો આરોપ છે. પૂછપરછમાં પ્રદીપે પોલીસ સમક્ષ કબૂલ્યું કે, સિરસા સ્થિત ડેરાના મુખ્યાલયથી તેને પંચકૂલામાં ભીડ એકઠી કરવાનો ટાર્ગેટ મળ્યો હતો. ભીડ એકઠી કરવા માટે પ્રદીપે લોકોને 25-25 હજાર રૂપિયાની લાલચ આપી હતી અને તેમને બસમાં બેસાડી ઉદયપુરથી પંચકૂલા લાવ્યો હતો. પંચકૂલામાં ભડકેલી હિંસામાં 30થી વધુ લોકોનું મૃત્યુ થયું હતું.