• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બિહાર, ઉત્તર પ્રદેશની ઓર્કેસ્ટ્રા ડાન્સરોની કથાઃ પાંજરામાં પુરાયેલી છોકરીઓ અને બહાર શિકાર માટે તાકી રહેલું ટોળું

By BBC News ગુજરાતી
|
Google Oneindia Gujarati News

રેકૉર્ડિંગ રૂમ નાનો છે. કેટલીક સ્ત્રીઓ રાહ જોતાં ઊભી છે. તેમને તેમની કથા રેકૉર્ડ કરાવવી છે. એ મદદરૂપ સાબિત થઈ શકે છે એવું તેમને જણાવવામાં આવ્યું છે. તેમની કહાણી વાંચીને કે સાંભળીને કોઈ તેમને બચાવવા આગળ આવી શકે છે. તેમના માટે આ વાત આશાનાં આછેરાં કિરણ જેવી છે.

લગભગ ત્રીસેક વર્ષની એક મહિલા આ છોકરીઓનો પરિચય કરાવે છે. એ છોકરીઓ બિહારના કેટલાક વિસ્તારોમાં લગ્નો તથા પાર્ટીઓમાં મનોરંજન માટે બોલાવવામાં આવતા ઓર્કેસ્ટ્રા બૅન્ડમાં નાચવા-ગાવાનું કામ કરે છે, પરંતુ તેઓ કળાનું પ્રદર્શન કરતી હોય છે ત્યારે તેમની સાથે મોટા ભાગે બળજબરી કરવામાં આવે છે.

લોકો તેમને પરાણે સ્પર્શે છે, તેમની છાતી પકડી લે છે અને ઘણી વાર તો તેમની પર બળાત્કાર પણ કરવામાં આવે છે.

લગ્નપ્રસંગે થતા આવા જમાવડામાં ગોળીબાર તો સામાન્ય વાત છે. એવા ગોળીબારમાં આવી છોકરીઓના મોતના સમાચાર ઘણી વાર આવતા રહે છે.

બિહારના નાલંદામાં 24 જૂને યોજાયેલા એક લગ્ન સમારંભમાં કરવામાં આવેલા ફાયરિંગમાં સ્વાતિ નામની છોકરીનું મોત થયું હતું. ગોળી સ્વાતિના મસ્તકમાં ઘૂસી ગઈ હતી. એક પુરુષ ડાન્સરને પણ ગોળી વાગી હતી.


કોરોનાને કારણે મહિલા ડાન્સરોની સ્થિતિ દયનીય

આ છોકરીઓનું કહેવું છે કે કોરોના મહામારીએ તેમને વધારે નિર્બળ બનાવી દીધી છે. લૉકડાઉનને કારણે કામ મળવાનું મુશ્કેલ થઈ ગયું છે. મકાનનું ભાડું કઈ રીતે ચૂકવવું અને પરિવારનું પાલનપોષણ કઈ રીતે કરવું? ઓર્કેસ્ટ્રા બૅન્ડમાં ગાવાનું કામ કરતી રેખા વર્મા જણાવે છે કે કેટલીક છોકરીઓએ તો દેહ વ્યવસાય અપનાવવો પડ્યો છે.

રેખા વર્મા રાષ્ટ્રીય કલાકાર મહાસંઘનાં અધ્યક્ષ છે. ઓર્કેસ્ટ્રામાં કામ કરતાં પુરુષ તથા મહિલા કળાકારોના અધિકારની લડાઈ લડવા માટે રેખાએ 2018માં આ સંગઠનની રચના કરી હતી.

આ મહિલાઓ પૈકીની એક મહિલા તેની કહાણી સંભળાવતાં રડી પડે છે. તેનો ચહેરો આંસુથી ભીંજાઈ જાય છે અને કાજળ ગાલ સુધી ઊતરી આવે છે. તેના વાળમાં ભૂરો શેડ છે. લાઇક્રાનો બ્લ્યૂ રંગનો કુર્તા અને આભલાંવાળી સલવારમાં સજ્જ એ મહિલાના હાથમાં ગોલ્ડન પર્સ છે.

તેની આંખો મોટી છે અને ડાબા હાથમાં પતંગિયાનું ટેટૂ છે. નામ દિવ્યા છે, પણ એ નામ અસલી નથી. મહિલાનું કહેવું છે કે તેને દિવંગત અભિનેત્રી દિવ્યા ભારતી બહુ સારી લાગતી હતી. એ દિવ્યા ભારતી જેવી બનવા ઇચ્છતી હતી. તેથી તેણે પોતાનું નામ દિવ્યા રાખી લીધું હતું, પણ જિંદગી આટલી સરળ હોતી નથી.

દિવ્યા કાર્યક્રમ માટે બનાવવામાં આવેલી જગ્યામાં કે સ્ટેજ પર ડાન્સનું કામ કરે છે. તેણે શરાબના નશામાં ચકચૂર પુરુષો વચ્ચે નાચવું પડે છે. એ પુરુષો મહિલા ડાન્સરોનાં છાતી પકડી લેતા હોય છે. તેમના પર પથ્થરો ફેંકતા હોય છે અને તેમના લમણે બંદૂક પણ તાકી દેતા હોય છે. દિવ્યા ઓર્કેસ્ટ્રા તરીકે ઓળખાતા જમાવડાનો એક હિસ્સો છે.


પતિ દ્વારા મારપીટથી સ્ટેજ સુધીની સફર

દિવ્યાનો જન્મ બિહારના પૂર્ણિયામાં થયો હતો. તે કિશોરી હતી ત્યારે તેનો પરિવાર કામની શોધમાં પંજાબ ગયો હતો. 13 વર્ષની વયે તો દિવ્યાનાં લગ્ન કરી નાખવામાં આવ્યાં હતાં. લગ્ન પછી એ તેના પતિ સાથે રહેવા ચાલી ગઈ હતી.

તેનો પતિ ડ્રાઈવર હતો. તે વારંવાર દિવ્યાની મારપીટ કરતો અને તેની સાથે ગાળાગાળી કરતો હતો. એક દિવસ પતિએ દિવ્યાને ઘરની બહાર કાઢી મૂકી ત્યારે દિવ્યા તેની દીકરીઓને લઈને પટના જતી ટ્રેનમાં બેસી ગઈ હતી. એક ઑનલાઇન મુલાકાતમાં એક પુરુષે તેને 'શૂટિંગ'નું કામ અપાવવાની ખાતરી આપી હતી.

એ પુરુષે તેની ગર્લફ્રેન્ડ સાથે દિવ્યાને મીઠાપુરના એક ફ્લેટમાં આશરો આપ્યો હતો અને તેને જણાવ્યું હતું કે તે સ્ટેજ શોમાં ડાન્સ કરીને પણ પૈસા કમાઈ શકે છે. દિવ્યા કહે છે, "હું 17 વર્ષ સુધી મારા પતિનો ત્રાસ સહન કરતી રહી હતી."

આખરે આ વર્ષે ફેબ્રુઆરીમાં દિવ્યાએ 'ડાન્સ લાઇન' જોઈન કરી લીધી હતી. તેની ઉંમર 28 વર્ષ છે અને જાણે છે કે આ લાઈન એ જગ્યા નથી, જ્યાં પહોંચવાની તેની તમન્ના હતી, પરંતુ મહામારી અને પરિસ્થિતિને લીધે દિવ્યા મજબૂર છે.

બિહાર અને ઉત્તર પ્રદેશમાં લગ્ન સમારંભો કે બર્થડે પાર્ટીઓમાં સુદ્ધાં ઓછાં કે નાનાં કપડાં પહેરીને મહિલા ડાન્સરો દ્વારા કરવામાં આવતા ડાન્સ બહુ સામાન્ય બાબત છે, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોમાં આવી મહિલાઓ સાથે સ્ટેજ પર કરવામાં આવતી બળજબરીમાં વધારો થયો છે. ડાન્સ જોવા આવતા લોકો આવી મહિલાઓને ડાન્સ ફ્લોર પર બળજબરીથી પકડી લે છે અને ઘણીવાર તો તેમના પર બળાત્કાર પણ કરે છે.

આ સંજોગોનું વર્ણન કરતાં દિવ્યા રડી પડે છે. દિવ્યા કહે છે, "કોઈ ઈજ્જત નથી. હું બીજું કંઈક બનવા ઈચ્છતી હતી, પણ અહીં પહોંચી ગઈ અને હવે ફસાઈ ગઈ છું."

દિવ્યા ઉમેરે છે, "તમને ખબર છે, મને કઈ ચીજથી નફરત છે? મારે પિંજરામાં ડાન્સ કરવો પડે છે. પિંજરાને સરઘસ સ્વરૂપે આખા ગામમાં ફેરવવામાં આવે છે. લોકો અમારા વીડિયો બનાવે છે. અમને ટોણા મારે છે. ગાળો આપે છે."


પાંજરામાં ડાન્સ અને ગીધડાનો જમાવડો

આ છોકરીઓ પાસે પિંજરામાં ડાન્સ કરાવવામાં આવે છે. પિંજરું એક પ્રકારની પૈડાંવાળી ટ્રોલી હોય છે. કોઈ મહિલા ડાન્સરોને સ્પર્શી ન શકે એટલા માટે પિંજરાની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. ઓર્કસ્ટ્રા બેન્ડના આયોજકોનું કહેવું છે કે પિંજરું મહિલા ડાન્સરોની સલામતી માટે છે, પરંતુ આ પ્રકારે પિંજરામાં ડાન્સ કરવો એ ડાન્સર મહિલાઓને તેમની પ્રાઈવસીમાં દખલ સમાન લાગે છે. દિવ્યા કહે છે, "પિંજરું આખરે તો પિંજરું જ છે."

સ્ટેજ દિવ્યાને કમસેકમ એવી થોડી અનુભૂતિ જરૂર કરાવે છે કે તે સ્ટેજની દુનિયામાં જ જવા ઈચ્છતી હતી. સંપૂર્ણ નહીં, પણ થોડીઘણી સમાનતા જરૂર છે, પરંતુ તે પિંજરાને પિંજરું જ ગણે છે.

જૂન મહિનાની એક રાતે ચમકતા ડ્રેસ પહેરીને ત્રણ છોકરીઓ આવા જ એક પિંજરામાં ડાન્સ કરી રહી હતી. કેટલાક પુરુષો પિંજરાને ઘેરીને પોતપોતાના મોબાઈલ પર તેનો વીડિયો શૂટ કરતા હતા. ટ્રોલી પૈડાં પર સરકતી લગ્નના સ્થળ તરફ આગળ વધી રહી હતી.

લગ્નસ્થળે પહોંચતાં પહેલાં ટ્રોલી અનેકવાર રોકવાં આવી હતી. લાઉડસ્પીકર પર કોઈ ભોજપુરી ગીત ફૂલ વોલ્યૂમમાં વાગી રહ્યું હતું. પિંજરામાં પૂરાયેલી છોકરીઓ ચાંદીની પાંખોવાલી ચકલીઓ જેવી લાગતી હતી. ઓર્કેસ્ટ્રા બેન્ડમાં જે પ્રકારનો ડાન્સ થતો હોય છે એ પ્રકારનો ડાન્સ કરતાં આ છોકરીઓ પોતાના કૂલાને ઝટકાવી અને છાતીને થડકાવી રહી હતી.

ભૂતપૂર્વ ફોટો જર્નલિસ્ટ નીરજ પ્રિયદર્શી બિહારના કોઈલવરમાંના પોતાના ઘરમાંથી એ સરઘસને જોઈ રહ્યા હતા. તેમણે સમગ્ર ઘટના તેમના ટ્વિટર અકાઉન્ટ પર શેર કરી હતી. તેમણે શેર કરેલો વીડિયો જોતજોતામાં વાયરલ થઈ ગયો હતો. ઘણા લોકોએ વીડિયોમાંના દૃશ્યો જોઈને લગ્નો તથા પાર્ટીઓમાં ડાન્સ કરીને પેટિયું રળતી ડાન્સરોને મહિલાઓના ગૌરવ પરનું આક્રમણ ગણાવી હતી.

નીરજ કહે છે, "તમે પશુઓ સાથે પણ આવું વર્તન ન કરી શકો. મેં એવાં દૃશ્યો ક્યારેય જોયા ન હતા."

https://twitter.com/neerajexpress/status/1401949028875526146

ડાન્સર છોકરીઓ માટે આ પ્રકારનું પિંજરું ઘણાં વર્ષો પૂર્વે પહેલીવાર જોવા મળ્યું હતું. વિવિધ સમારંભોમાં ડાન્સ કરતી છોકરીઓ પરની વધતી હિંસાને ધ્યાનમાં રાખીને આ 'શોધ' કરવામાં આવી હતી. ખરેખર પિંજરું આ પ્રકારના વ્યવસાયમાં થયેલા ઘટાડા, અરાજકતા અને શોષણની નિશાની છે.

હવે મહામારી અને તેને કારણે લાદવામાં આવતા લોકડાઉનને કારણે લગ્ન સાથે જોડાયેલા વ્યવસાયો લગભગ ઠપ થઈ ગયા છે. એ સંજોગોમાં ડાન્સર છોકરીઓની હાલત અત્યંત કફોડી થઈ ગઈ છે. એ છોકરીઓ દેહ વ્યવસાય સહિતનાં બીજાં ઘણા કામો કરવા માટે મજબૂર થઈ ગઈ છે. સોદાબાજીની તેમની તાકાત ખતમ થઈ ગઈ છે. છોકરીઓને લાગે છે કે બંધ પિંજરામાં ડાન્સ કરી-કરીને તેમની હાલત પ્રાણી સંગ્રહાલયમાં કેદ પશુઓ જેવી થઈ ગઈ છે.

દિવ્યા તો ત્યાં સુધી કહે છે, "અમારી હાલત તો જાનવરોથી પણ બદતર છે. લોકો અમારો શિકાર કરે છે. આ પિંજરું હવા ડાન્સનું પિંજરું નથી રહ્યું."


ગરીબીથી બચવા માટે 'ડાન્સ લાઈન'નો માર્ગ

આકાંક્ષાની નાની બહેનને એક રાતે આવા જ ડાન્સ પ્રોગ્રામમાં ગોળી લાગી ગઈ હતી. ગોળી લાગવાને કારણે તેને મસ્તકમાં છેદ પડ્યો હતો, પણ એ બચી ગઈ હતી અને હવે સ્વસ્થ છે, પરંતુ એ ઘટનાને કારણે આકાંક્ષા અંદરથી હચમચી ગઈ છે. ઓર્કેસ્ટ્રા માલિક મનીષના જણાવ્યા મુજબ, તેમણે એફઆઈઆર નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ પોલીસે કેસ રજિસ્ટર કર્યો ન હતો.

પોતાના ઘરે ડાન્સના કાર્યક્રમ માટે ડાન્સર મહિલાઓનો સંપર્ક કરી ચૂકેલા રાહુલ સિંહે જણાવ્યું હતું કે આ કલાકારોની મોટી સમસ્યા છે. તેમની ફરિયાદ કોઈ સાંભળતું જ નથી. તેમની વાત ફગાવી દેવામાં આવે છે.

તેમના જણાવ્યા મુજબ, ડાન્સનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો એ સ્થળે તેઓ હાજર ન હતા અને ત્યાં કોઈ ગોળીબાર થયો જ ન હતો.

આકાંક્ષા અને તેની બહેન છેલ્લા ત્રણ વર્ષથી બિહારમાં ઓર્કેસ્ટ્રા બેન્ડ તરીકે ઓળખાતા એક ગ્રુપ સાથે જોડાયેલાં છે. આવા ડાન્સ પ્રોગ્રામમાં ડાન્સર છોકરીઓને ગોળી મારવામાં આવી હોવાનું બન્ને બહેનોએ સાંભળ્યું હતું. ડાન્સના કાર્યક્રમોમાં છોકરીઓની છેડતી પણ થાય છે અને દારુ પીને ડાન્સ જોવા આવેલા પુરુષો સ્ટેજ પર જઈને ડાન્સર છોકરીઓને બળજબરીથી ભેટતા પણ હોય છે.

આકાંક્ષા કહે છે, "ક્યારેક-ક્યારેક બંદુકની અણીએ ડાન્સર છોકરીઓ પર બળાત્કાર કરવામાં આવતો હોવાનું પણ અમે સાંભળ્યું છે."

જોકે, આ બહેનો પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. તેમના પિતાના મૃત્યુ સાથે તેમના બધા વિકલ્પ ખૂટી પડ્યા હતા. બન્ને બહેનો ગ્વાલિયરની વતની છે.

તેમની માતા લોકોના ઘરોમાં કામ કરે છે. તેમના પરિવાર પાસે આવકનો બીજો કોઈ સ્રોત ન હતો એટલે છોકરીઓની સ્કૂલની ફી ચૂકવી શકાતી ન હતી. એ મજબૂરીને કારણે આખરે અભ્યાસ પડતો મૂકવો પડ્યો હતો.

આકાંક્ષાએ તેના ઘર નજીકની ડાન્સ સ્કૂલમાં કન્ટેમ્પરરી ડાન્સ શિખવાનું શરૂ કર્યું હતું. ક્યારેક-ક્યારેક કોઈ સમારંભમાં ડાન્સ કરવા બદલ તેને પૈસા મળતા હતા. તેના બિહાર જવાનો માર્ગ ત્યાંથી નક્કી થયો હતો. ડાન્સ સ્કૂલના સંચાલકે આકાંક્ષાની મુલાકાત કોમલ નામની એક મહિલા સાથે કરાવી હતી.

કોમલે તેમને સારી તક અને પૈસા અપાવવાનું વચન આપ્યું હતું. બન્ને બહેનોને જણાવવામાં આવ્યું હતું કે તેઓ કોમલ સાથે બિહાર જશે તો ટેલિવિઝન પર્ફોર્મન્સ અને સ્ટેજ શો માટે ઓડિશનની તક તેમને મળશે. સિલેક્શન થયા બાદ પર્ફોર્મન્સ આપવાથી તેમને વધારે પૈસા મળશે અને તેમના તરફ લોકોનું ધ્યાન પણ ખેંચાશે.

માને આ વાતમાં ખાસ રસ પડ્યો ન હતો, પણ બન્ને બહેનો બહુ ઉત્સાહિત હતી. આકાંક્ષા તેની મમ્મી માટે ઘર બનાવવા ઈચ્છતી હતી. પૈસાદારોને ઘર જેવું ઘર, જેમાં ફર્શ પર ચમકતી ટાઈલ્સ લગાવેલી હોય તેવું ઘર. એ સમયે તેઓ ઝુંપડીમાં રહેતા હતા. મકાન બાંધવાનું સપનું સાકાર કરવામાં લાંબો સમય લાગવાનો હતો, પરંતુ કોમલના પ્રસ્તાવમાં સપનું સાકાર થવાની શક્યતા દેખાતી હતી. આકાંક્ષા જેવી જ તમન્ના તેની બહેનની હતી. એ તેની મમ્મી માટે ચાંદીના સાંકળા બનાવવા ઈચ્છતી હતી.

બન્ને બહેનો પટના પહોંચી ત્યારે કોમલે તેમને પાવાપુરી વિસ્તારમાંના એક રૂમમાં આશરો અપાવ્યો હતો અને જણાવ્યું હતું કે તેમણે ડાન્સ કરવો પડશે અને કમાણી કરવી પડશે. બહુ જરૂરી હોય ત્યારે જ કોમલ બન્ને બહેનોને તે ઓરડામાંથી બહાર જવા દેતી હતી.

આકાંક્ષાએ તેની બહેનને જણાવ્યું હતું કે તેઓ કદાચ ખોટી જગ્યાએ આવી ગયાં છે. બન્ને બહેનો પૈસા કમાવા ઈચ્છતી હતી, પણ એક દિવસમાં કલાકો સુધી સતત ડાન્સ કર્યા પછી તેમને માત્ર 1700 રૂપિયા જ આપવામાં આવતા હતા. તેમણે હિસાબ કર્યો કે તેઓ માત્ર જાગરણમાં ડાન્સ કરશે તો પણ આનાથી વધારે રૂપિયા કમાઈ શકશે અને થોડી બચત કરીને માતા પાસે પરત ચાલી જશે.

બન્ને બહેનોએ એવું પણ વિચાર્યું હતું કે આ રીતે સતત ડાન્સ કરતા રહીશું તો શક્ય છે કે આખરે બધું ધીમધીમે ઠીક થઈ જશે, પરંતુ એક દરમિયાન એક કાર્યક્રમમાં આકાંક્ષાની બહેન સ્વાતિને બંદુકમાંથી છૂટેલી ગોળી વાગી ગઈ હતી.

ઓર્કેસ્ટ્રા બેન્ડમાં લોકો શરાબ પીને ડાન્સ નિહાળવા આવતા હોય છે. ત્યાં આ સામાન્ય વાત છે. દારુ પીને ડાન્સના એક કાર્યક્રમમાં આવેલા લોકોએ હળામાં ફાયરિંગ શરૂ કર્યું હતું. પછી એ લોકો ડાન્સર છોકરીઓ સાથે ડાન્સ કરવા લાગ્યા હતા. તેમણે છોકરીઓ છેડતી અને તેમને દબાવવાનું શરૂ કર્યું હતું. બન્ને બહેનોએ ધાર્યું હતું કે તેઓ મેનેજ કરી લેશે, પણ ડાન્સ નિહાળી રહેલા લોકો વચ્ચે ઝઘડો થયો અને તેમાં સામાસામો ગોળીબાર થવા લાગ્યો હતો.

એ ગોળીબારમાં આકાંક્ષાની બહેન સ્વાતિ સપડાઈ ગઈ હતી અને તેને ગોળી વાગી ગઈ હતી. સ્વાતિને કોઈક રીતે પટનાની એક હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી હતી. પટનાની પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર કરાવવાનો ખર્ચ તેમને પરવડે તેવો ન હતો. આખરે સ્વાતિને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપી દેવાયો હતો.

દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કાર્યરત મુન્ના કુમાર પાંડે કહે છે, "મૂડીવાદી માહોલમાં નવી ટેક્નોલોજી આવવાને કારણે અને એ પછી કોરોનાના કહેરને કારણે ઓર્કેસ્ટ્રા બેન્ડ્ઝમાં કામ કરતી ડાન્સર મહિલાઓની હાલત દયનીય થઈ ગઈ છે."

તેઓ કહે છે, "શોષણ અગાઉ પણ કરવામાં આવતું હતું, પરંતુ સમય જતાં એવું લાગવા માંડ્યું હતું કે મહિલાઓ કળાના સહારે શક્તિશાળી બનીને ઉભરશે, જે ક્યારેય થયું નહીં. આ મહિલાઓને સમાધાન માટે મજબૂર કરવામાં આવી હતી. આ ડરામણી વાત છે."

લગ્ન સમારંભો અને પાર્ટીઓમાં ડાન્સ કરતી રેખા વર્મા જણાવે છે કે ડાન્સર મહિલાઓની પૃષ્ઠભૂમિ મોટાભાગે નબળી હોય છે અને તેઓ પહેલેથી જ આવું જીવન જીવતી રહી છે. એ જીવનમાં કોઈ ગરિમા ન હતી. એવી મહિલા કળાકારોની સલામતી તથા અધિકારોના રક્ષણ માટે હવે એક સંગઠન બનાવવામાં આવ્યું છે. સરકારે આવી મહિલા કળાકારોને સ્વીકૃતિ આપી નથી. તેથી તેમને કલ્યાણ કાર્યક્રમોનો લાભ પણ મળતો નથી.

રેખા વર્મા કહે છે, "હું એ મહિલાઓને સંરક્ષણ આપવાના પ્રયાસ કરી રહી છું. અમને તો કળાકાર તરીકે પણ સ્વીકૃતિ આપવામાં આવતી નથી."

પોતાના જીવનકથા જણાવતી વખતે રેખા વર્માનો અવાજ તરડાઈ જાય છે. તેણે તેના જીવનમાં જે અપમાન અને સતામણીનો સામનો કર્યો છે તેની વાત કરતાં તેની જીભ ખોડંગાય જાય છે. તેની વય ઓછી હતી ત્યારે તે પોલીસ વિભાગની એક પરીક્ષામાં પાસ થઈ ગઈ હતી, પરંતુ આર્થિક તંગીને કારણે તેની અંતિમ પસંદગી થઈ શકી ન હતી.

પરિવારમાં પૈસાની કમીને કારણે રેખા વર્માએ ઓર્કેસ્ટ્રા બેન્ડમાં સામેલ થવું પડ્યું હતું. તેણે પહેલાં જાગરણના કાર્યક્રમોમાં ગાવાનું શરૂ કર્યું હતું અને પછી લગ્ન સમારંભોમાં. સારું ગાવા માટે તેણે એક ગાયક પાસેથી તાલીમ લેવાનું શરૂ કર્યું હતું, પરંતુ પૈસાની કમીને કારણે ગાયન શિખવાનું પણ અધુરું રહી ગયું હતું.

રેખા વર્મા કહે છે, "અમે લોકો ગીતો ગાઈને મૂળ ગાયકોને લોકપ્રિય બનાવીએ છીએ, નહીંતર તેમને કોણ ઓળખતું હોત. અમે હંમેશા પડદાની પાછળ રહીએ છીએ."


આ છોકરીઓ બની છે માનવ તસ્કરીનો શિકાર

ઓર્કેસ્ટ્રા બેન્ડમાં કામ કરતી મોટાભાગની છોકરીઓ માનવ તસ્કરીનો શિકાર બનેલી છે. આ છોકરીઓને દેશના અલગ-અલગ રાજ્યો તેમજ બિહાર નજીકના નેપાળમાંથી પણ અહીં લાવવામાં આવે છે.

રક્સોલમાં એક ઓર્કેસ્ટ્રામાં કામ કરતી એક છોકરીને ગયા વર્ષની 10 ડિસેમ્બરે આવી જ રીતે ગોળી મારી દેવામાં આવી હતી. 2020ની 23 સપ્ટેમ્બરે સમસ્તીપુરમાં એક યુવકે એક ડાન્સર યુવતીને ગોળી મારી દીધી હતી.

આવી મોટાભાગની ઘટનાઓની સમાચારોમાં નોંધ સુદ્ધાં લેવાતી નથી. પોલીસ ક્યારેક કેસ નોંધે છે, કારણ કે આવી ઘટનાઓમાં કોઈ પૂરાવા કે સાક્ષી ઝડપથી મળતા નથી અને ડાન્સર મહિલાઓને કલંકિત ગણવામાં આવે છે તથા સમાજમાં એમના વિશે અત્યંત ખરાબ ધારણા છે. ઓર્કેસ્ટ્રામાં કામ કરતી મહિલાઓ ગુપચુપ રીતે જ રહેતી હોય છે. એ મહિલાઓને સમાજનો સહકાર જરાય મળતો નથી. તેથી આ મહિલાઓનો તમામ સંસ્થાઓ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે.

રાષ્ટ્રીય કલાકાર મહાસંઘના સંસ્થાપક અખલાક ખાન કહે છે, "સમસ્યા ગરિમાની છે. બિહારમાં ઓર્કેસ્ટ્રા બેન્ડ વધારે વિકસી રહ્યાં છે, કારણ કે તેઓ ગેરકાયદે કામ કરાવે છે. આવાં બેન્ડ્સ રજિસ્ટ્રેશન કરાવતા જ નથી. હકીકતમાં એ મનોરંજન નહીં, પણ બીજું જ કંઈક છે."

અખલાક ખાન ઉમેરે છે, "આપણા સમાજમાં આ ડાન્સર છોકરી વિશે જે ધારણા અને દૃષ્ટિકોણ પ્રવર્તે છે તેને લીધે તેમના માટે લડવા કોઈ આગળ આવતું નથી. બેન્ડ માલિકો તેમના માટે કશું કરતા નથી. તેઓ છોકરીઓને ચૂસીને છોડી દે છે. બિહાર અને ઉત્તર પ્રદેશમાં આવાં હજ્જારો ઓર્કેસ્ટ્રા બેન્ડ્ઝ છે અને એ બેન્ડ્ઝ મનોરંજનની આડમાં મહિલાઓના શોષણનો અડ્ડો બની ગયાં છે."

પ્રોફેસર મુન્ના કુમાર પાંડે જણાવે છે કે લગ્ન સમારંભો કે પાર્ટીઓમાં ડાન્સ કરવા માટે આવી છોકરીઓને બોલાવવાનું છેલ્લાં કેટલાંક વર્ષોથી સ્ટેટસ સિમ્બલ બની ગયું છે. આવા સમારંભોમાં ઝઘડા થાય છે અને પછી ગોળીબાર થાય છે. બિહારની વિટંબણા એ છે કે અહીં દારુ પર પ્રતિબંધ છે, પરંતુ લગ્ન સમારંભો અને પાર્ટીઓ માટે આસાનીથી દારુ મળી રહે છે.

આજકાલ સ્ક્રીન પર યૌન લાગણીઓ ભડકાવતાં ગરમાગરમ દૃશ્યો જે રીતે દેખાડવામાં આવે છે તેની દર્શકોની રુચિ પર ઉંડી અસર થઈ છે. પડદા પર એવાં દૃશ્યો નિહાળ્યા બાદ લોકો ઓર્કેસ્ટ્રા બેન્ડના કાર્યક્રમોમાં પણ લાઈવ પર્ફોર્મન્સની માગણી કરવા લાગ્યા છે. તેના પ્રભાવમાં ઘણી છોકરીઓ પણ આવી જાય છે.

મોટાભાગના છોકરીઓ સગીર વયની હોય છે અને તેમને પૈસાની જરૂર પણ હોય છે. એવી છોકરીઓ તાલીમબદ્ધ ડાન્સર હોતી નથી.

દિવ્યા માટે પણ તાલીમબદ્ધ ડાન્સર હોવું મહત્વનું નથી. છોકરીઓ ટૂંકી વસ્ત્રો પહેરીને ડાન્સ કરે એટલી જ અપેક્ષા હોય છે. દિવ્યાને ભલે પસંદ ન હોય, પરંતુ એ જાણે છે કે આ ઉદ્યોગમાં હવે તેનું અસ્તિત્વ ગણતરીના કેટલાંક વર્ષો માટે જ છે. ઓર્ગેનાઈઝરે તેના પૈસા રાખ્યા છે. તેણે ભાડું ભરવાનું છે, બાળકોની સ્કૂલની ફી ચૂકવવાનું છે.

દિવ્યા કહે છે, "હું તો ભાવતાલ કરવાની મારી ક્ષમતા ગૂમાવી ચૂકી છું."

નજર ઉંચી કરીને પોતાનાં કપડાં ઠીક કરતાં દિવ્યા ઉમેરે છે, "પુરુષો અમારી પાસે ગિધડાંની જેમ આવે છે. અમારાં કપડાં પણ ફાડી નાખે છે."

સ્ટેજથી માંડીને પિંજરા સુધીના દરેક તબક્કે તેમનો શિકાર થતો રહે છે. આ જ તેમની જિંદગી છે. પિંજરામાં કેદ ચકલીની જિંદગી.

તેમ છતાં દિવ્યા સપનાં જુએ છે. તેને ફિલ્મોનો કેવો જબ્બર શોખ હતો તેની વાત દિવ્યા જણાવે છે.

કોઈ રાતે ડાન્સના પ્રોગ્રામમાં તેની ચારે તરફ ગિધના ટોળાં એકઠાં થવા લાગે છે ત્યારે એ પેલી સુંદર અભિનેત્રીનો ચહેરો યાદ કરે છે, જેના નામને અપનાવીને તેણે પોતાનું નામ દિવ્યા રાખ્યું હતું.


કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=CZRuslESZUI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
The story of orchestra dancers from Bihar, Uttar Pradesh: Caged girls and a crowd hunting outside
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X