પોલીસ અધિકારીઓ પર સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી, કહ્યું- પોલીસે કાયદાને વળગી રહેવું જોઇએ
શાસક પક્ષો સાથે અધિકારીઓના જોડાણ અંગે સુપ્રીમ કોર્ટ તરફથી કડક ટિપ્પણી કરવામાં આવી છે. મુખ્ય ન્યાયાધીશ એન.વી.રમનાએ કહ્યું કે પોલીસ અધિકારીઓ સત્તામાં રહેલા રાજકીય પક્ષનો પક્ષ લે છે અને તેમના વિરોધીઓ સામે કાર્યવાહી કરે છે. તે આ દેશમાં ખલેલ પહોંચાડનાર વલણ છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અનેક રાજ્યોની પોલીસ પર રાજકીય પ્રેરિત તપાસનો આરોપ લગાવવામાં આવ્યો છે.
મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની બેંચે કહ્યું, "જે પોલીસ અધિકારીઓ સત્તાનો દુરુપયોગ કરે છે અને રાજકીય વિરોધીઓને પરેશાન કરે છે, તેઓ સત્તાનો દુરુપયોગ કરે છે." બાદમાં, જ્યારે વિરોધીઓ સત્તા પર આવે છે, ત્યારે તેઓ પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરે છે. આ સ્થિતિ માટે પોલીસ વિભાગને જવાબદાર ઠેરવવો જોઈએ, તેઓએ કાયદાના શાસનને વળગી રહેવું જોઈએ. આને રોકવાની જરૂર છે.
સુપ્રીમ કોર્ટનું આ અવલોકન છત્તીસગઢના સસ્પેન્ડેડ એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ ગુરજિંદર પાલ સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન આવ્યું છે. 1994 બેચના ભારતીય પોલીસ સેવા (IPS) ના અધિકારી ગુરજિંદર પાલ સિંહે કોર્ટને વિનંતી કરી છે કે છત્તીસગઢ સરકાર દ્વારા લગાવવામાં આવેલા ભ્રષ્ટાચાર અને ષડયંત્રના આરોપો પર તેમની સામેની FIR રદ કરવામાં આવે. તેમણે આરોપ લગાવ્યો છે કે રાજ્યની કોંગ્રેસ સરકાર તેમને પરેશાન કરી રહી છે કારણ કે તેઓ અગાઉના ભાજપના નેતૃત્વ હેઠળના વહીવટની નજીકના માનવામાં આવતા હતા.
ગુરજિંદર પાલને રાહત આપતા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છેકે પોલીસ ચાર અઠવાડિયા સુધી રાજદ્રોહ અને અપ્રમાણસર સંપત્તિના કેસમાં તેમની ધરપકડ નહીં કરે. તમને જણાવી દઈએ કે આ વર્ષની શરૂઆતમાં દરોડા પછી, આવકનાં જાણીતા સ્રોતોથી અપ્રમાણસર ગેરકાયદે સંપત્તિના આરોપો લાગ્યા હતા. બીજી તરફ, છત્તીસગઢ સરકાર વતી મુકુલ રોહતગીએ કહ્યું કે ચાર્જશીટ ગયા અઠવાડિયે દાખલ કરવામાં આવી છે, તેઓ બે મહિના માટે ભૂગર્ભમાં છે. તે (ગુરજિંદર) વરિષ્ઠ પોલીસ અધિકારી છે, છતાં તે ફરાર છે.