
ઉદયપુર હત્યાકાંડને જમીયત ઉલમા-એ-હિંદે વખોડ્યુ, ગણાવ્યુ કાયદા અને ઈસ્લામ વિરુદ્ધ
નવી દિલ્લીઃ જમીયત ઉલેમા-એ-હિંદે મંગળવારે ઉદયપુર હત્યાકાંડની કડક નિંદા કરી હતી. જમીયત ઉલેમા-એ-હિંદના મહાસચિવ મૌલાના હલસિમુદ્દીન કાસમીએ ઉદયપુરમાં થયેલી ઘાતકી હત્યાની ઘટનાને વખોડી કાઢીને આ ઘટનાને દેશના કાયદા વિરુદ્ધ અને ધર્મ વિરુદ્ધ ગણાવી હતી. તેમણે કહ્યુ છે કે જેણે પણ આ ઘટનાને અંજામ આપ્યો છે તેને કોઈપણ રીતે ન્યાયી ઠેરવી શકાય નહિ. તે દેશના કાયદા અને અમારા ધર્મની વિરુદ્ધ છે. આપણા દેશમાં કાયદો વ્યવસ્થા છે. કાયદો હાથમાં લેવાનો કોઈને અધિકાર નથી. આ સાથે મૌલાના હકીમુદ્દીન કાસમીએ દેશના તમામ નાગરિકોને પોતાની લાગણીઓ પર સંયમ રાખવા અને દેશમાં શાંતિ જાળવવા અપીલ કરી હતી.

કલમ 144 લાગુ, ઈન્ટરનેટ બંધ
ઉદયપુરમાં દરજીની હત્યા બાદ સમગ્ર રાજ્યમાં આક્રોશ ફેલાયો હતો. રાજસ્થાન સરકારે મંગળવારે આગામી એક મહિના માટે તમામ જિલ્લાઓમાં સીઆરપીસીની કલમ 144 લાગુ કરવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે આ મામલાની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરી છે. SITમાં અધિક પોલીસ મહાનિર્દેશક (ADG), સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ અશોક કુમાર રાઠોડ, પોલીસ મહાનિરીક્ષક (IG), આતંકવાદ વિરોધી ટુકડી (ATS), પ્રફુલ કુમાર અને પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ (SP) રેન્કના અધિકારી અને એક વધારાના અધિકારીનો સમાવેશ થાય છે.

લોકોને શાંતિ જાળવવા અપીલ
મંગળવારે સમગ્ર રાજ્યમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. ઉદયપુરના ડિવિઝનલ કમિશનર રાજેન્દ્ર ભટ્ટે લોકોને શાંતિ જાળવવા અપીલ કરીને કહ્યુ, 'અમે ઉદયપુરના લોકોને શાંતિ જાળવવાની અપીલ કરીએ છીએ. મૃતકના પરિવારને 5 લાખ રૂપિયાનુ વળતર આપવામાં આવશે. રાજસ્થાનના દરેક જિલ્લામાં પોલીસ હાઈ એલર્ટ પર છે.' અજમેર એસપી વિકાસ શર્માએ એએનઆઈને જણાવ્યુ હતુ કે, 'વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમગ્ર જિલ્લામાં તેમજ રાજ્યમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. આયોજકો દ્વારા શાંતિ માર્ચ રદ કરવામાં આવી છે. પોલીસ કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. અમે શાંતિ સુનિશ્ચિત કરીશુ અને તેને ભંગ કરવાનો પ્રયાસ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરીશું.'

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી
એક સૂત્રએ નામ જાહેર ન કરવાની શરતે એએનઆઈને જણાવ્યુ હતુ કે, આ પગલુ ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરાયેલા આદેશ પછી આવ્યુ છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ NIAની ટીમ ગુનાના સ્થળની મુલાકાત લીધા બાદ ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટની જોગવાઈઓ હેઠળ કેસ નોંધે તેવી શક્યતા છે. ઘટના ઉદયપુરના માલદાસ વિસ્તારની છે. પોલીસે જણાવ્યુ કે ગુનો કર્યા પછી તરત જ બંને આરોપીઓએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં માથુ કાપી નાખવાનો દાવો કરવામાં આવ્યો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારી નાખવાની ધમકી પણ આપી. ઘટનાના થોડા કલાકોમાં જ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નિયંત્રણમાં
પોલીસે જણાવ્યુ કે હુમલાખોરોમાંથી એકની ઓળખ રિયાઝ અખ્તર તરીકે થઈ છે. તેણે કન્હૈયા લાલ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો. જ્યારે અન્ય ખોસ મોહમ્મદે તેના મોબાઈલ ફોનમાં ગુનો રેકોર્ડ કર્યો. માર્યા ગયેલા વ્યક્તિએ તાજેતરમાં પયગંબર મોહમ્મદ વિરુદ્ધ વિવાદાસ્પદ ટીપ્પણી કરનારા ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માના સમર્થનમાં એક સોશિયલ મીડિયા પોસ્ટ શેર કરી હતી. હત્યા બાદ આ વિસ્તારના સ્થાનિક બજારો બંધ કરી દેવામાં આવ્યા હતા કારણ કે વેપારીઓએ પીડિત માટે ન્યાયની માંગ કરી હતી. ઉદયપુરના એસપી મનોજ કુમારે જણાવ્યુ હતુ કે, 'બંને આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નિયંત્રણમાં છે. કેટલાક લોકો ઉપનગરોમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ તેમને કાબૂમાં લેવામાં આવ્યા હતા. નજીકના વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.'