
ઉદ્ધવ ઠાકરેનો બળવાખોરોને સંદેશ - 'જે જવા માંગે છે એ જઈ શકે છે, હું નવી શિવસેના બનાવીશ'
મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શુક્રવારે રાત્રે આરોપ લગાવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટી (BJP)નો હેતુ શિવસેનાને ખતમ કરવાનો છે કારણ કે તે હિંદુ વોટ બેંકને વહેંચવા માંગતી નથી. ઠાકરેએ ભાજપ અને શિવસેનાના બળવાખોર વિધાનસભ્ય એકનાથ શિંદેને પડકાર ફેંક્યો કે તેઓ શિવસેનાના કાર્યકરો અને પક્ષને મત આપનારા લોકોને તેમની તરફેણમાં બતાવે. પાર્ટીના કાઉન્સિલરોને ઓનલાઈન સંબોધતા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે પાર્ટીના સામાન્ય કાર્યકર્તાઓ તેમની "મૂડી" છે અને જ્યાં સુધી તેઓ તેમની પડખે છે ત્યાં સુધી તેઓ અન્યની ટીકાની પરવા કરતા નથી. "જે લોકો જવા માંગે છે તેઓ જાઓ... હું નવી શિવસેના બનાવીશ."
ઠાકરેએ કહ્યું, "શિવસેનાને તેના જ લોકો દ્વારા દગો આપવામાં આવ્યો છે." શિવસેનાના બળવાખોર ધારાસભ્યોએ ગુવાહાટીની એક હોટલમાં પડાવ નાખ્યા બાદ ફાટી નીકળેલી રાજકીય કટોકટી વચ્ચે ઠાકરેએ પાર્ટીના કાઉન્સિલરો (કોર્પોરેટરો)ને સંબોધિત કર્યા. ઠાકરેએ પક્ષના કાર્યકરોને કહ્યુ, "શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ આપવામાં આવી હતી જ્યારે તમારા જેવા ઘણા શિવસૈનિકો નામાંકન માટે ઉત્સુક હતા. આ લોકો તમારી મહેનતના બળ પર ચૂંટાયા પછી અસંતુષ્ટ થયા છે જ્યારે તમે આ મુશ્કેલ સમયમાં પક્ષ સાથે ઉભા છો.
"મેં એકનાથ શિંદે સાથે ગઠબંધન ભાગીદારો સંબંધિત ફરિયાદો પર ધ્યાન આપવા માટે વાત કરી હતી. તેમણે મને કહ્યુ કે ધારાસભ્યો દબાણ કરી રહ્યા છે કે શિવસેનાએ ભાજપ સાથે હાથ મિલાવવો જોઈએ. મે તેમને કહ્યુ કે આ ધારાસભ્યોને મારી પાસે લાવો, ચાલો ચર્ચા કરીએ. ઠાકરેએ કહ્યુ, "ભાજપે આપણી સાથે ખરાબ વર્તન કર્યુ અને પોતાના વચનો પાળ્યા નહીં. ઘણા બળવાખોરો સામે કેસ નોંધાયા છે. તેથી જો તેઓ ભાજપ સાથે જશે તો તેઓ પાક-સાફ થઈ જશે, જો તેઓ આપણી સાથે રહેશે તો તેમને જેલમાં જવુ પડશે. શું આ મિત્રતાની નિશાની છે?
શિંદે પર પ્રહાર કરતા શિવસેના પ્રમુખે કહ્યુ કે, જો શિવસેનાનો કોઈ કાર્યકર મુખ્યમંત્રી બનવા જઈ રહ્યો હોય તો તમારે તેની (ભાજપ) સાથે જવુ જોઈએ. પરંતુ જો તમે ઉપ મુખ્યમંત્રી બનવાના છો તો તમારે મને કહેવુ જોઈતુ હતુ, હું તમને ઉપ મુખ્યમંત્રી બનાવી દેત, પદ પરથી રાજીનામુ આપવા તૈયાર છુ.