ઉન્નાવ રેપ કેસઃ એસપીએ પીડિતાની બહેનને કહ્યું- અહીં ઉભીને ફિલ્મ બનાવળાવી રહી છે
ઉન્નાવઃ ઉન્નાવ રેપ પીડિતાના અંતિમ સંસ્કાર પહેલા પરિજનો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળવાની જીદ ઉપર ઉતરી આવ્યા હતા. પીડિતાની બહેનનું કહેવું છે કે સીએમ યોગી આદિત્યનાથના આવતા પહેલા અંતિમ સંસ્કાર કરવામાં નહિ આવે. ન્યૂઝ18 હિન્દીના અહેવાલ મુજબ આ દરમિયાન હાજર એસપીએ પીડિતાની બહેનને ઘરની અંદર જઈ વાત કરવા કહ્યું. જ્યારે તે ના માની તો એસપીએ પીડિતાની બહેનને ગુસ્સામાં કહ્યું, 'અહીં ઉભીને ફિલ્મ બનાવળાવી રહી છે.'

સરકારી નોકરીની માંગ
પીડિતાની બહેનનું પણ કહેવું છે કે જ્યાં સુધી સીએમ યોગી નહિ આવે ત્યાં સુધી તે મૃતદેહ પાસેથી નહિ હટે. પીડિતાની બહેને સરકારી નોકરીની માંગ કરી છે. તેણે યોગી આદિત્યનાથને માંગ કરતા કહ્યું કે તેને સરકારી નોકરી આપવામાં આવે.

25 લાખનું વળતર, સરકારી ઘર આપવાનું એલાન
યુપી સરકારે પીડિતાના પરિવાર માટે 25 લાખનું વળતર આપવાનું એલાન પણ કર્યું હતું. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પીડિતાના પરિવારને ઘર આપવાની ઘોષણા પણ કરવામાં આવી. સીએમ યોગીએ બાળકીના મોત પર પરિવાર પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરતા તેમને કહ્યું કે અમે આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લઈ જઈ આરોપીઓને જલદીમાં જલદી આકરી સજા અપાવવાના પ્રયત્નો કરીશું.

દાદા-દાદીની સમાધી પાસે દેહ દફનાવાશે
જણાવી દઈએ કે પીડિતાના મૃતદેહને તેના દાદા-દાદીની સમાધી પાસે જ દફનાવવામાં આવશે. ગામમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તહેનાત કરી દેવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ઘટના સ્થળે હાજર છે. જ્યારે ગામમાં પોલીસ-પ્રશાસનના વરિષ્ઠ અધિકારી સવારથી જ ડેરા જમાવીને બેઠા છે.
ઉન્નાવ રેપ કેસ: પીડિતાના ઘરે પહોંચ્યા સાક્ષી મહારાજ, લોકોએ કર્યો વિરોધ