For Quick Alerts
For Daily Alerts
ટ્રેનમાં આગ લાગી હોવાની અફવાએ લીધો પાંચનો જીવ
લખનઉ, 19 જૂનઃ ટ્રેનમાં આગ લાગી હોવાની ફેલાયેલી એક અફવાએ પાંચ લોકોની જિંદગી છીનવી લીધી છે. પટનાથી દિલ્હી જઇ રહેલી જનસાધારણ એક્સપ્રેસમાં કોઇએ ટ્રેનના પહેલાં ડબ્બામાં આગ લાગી હોવાની અફવા ફેલાવી હતી. આગના સમાચાર સાંભળીની ટ્રેનમાં દોડધામ મચી ગઇ. ચાલતી ટ્રેનમાં આગ લાગવાની અફવાના કારણે લોકો ગભરાઇ ગયા હતા અને ટ્રેનમાંથી કૂદવાનું શરૂ કરી દીધું હતું.
યુપીના ઇટાવા પાસે પોતાનો જીવ બચાવવા માટે કેટલાક યાત્રીઓ ચાલું ટ્રેનમાથી કૂદી પડ્યા. મોડી રાત્રે ઘટેલી આ ઘટના બાદ બીજી તરફથી આવી રહેલી રાજધાનીની ઝપેટમાં આવી ગયેલા માતા-પૂત્રી સહિત પાંચ યાત્રીઓના મોત નીપજ્યાં હતા. દુર્ઘટના બાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે જણાવ્યું કે, પટનાથી દિલ્હી આવી રહેલી જનસાધારણ એક્સપ્રેસમાં આગની અફવાના કારણે આ ઘટના ઘટી છે.
પોલીસે જણાવ્યા પ્રમાણે મૃતકોમાં બેની ઓળખ કરી લેવામાં આવી છે, જેમાં એક 30 વર્ષીય સરિતા છે અને બીજી તેમની ચાર વર્ષની પૂત્રી સ્વાતી છે. જ્યારે અન્યોની હજુ સુધી કોઇ અળખ થઇ શકી નથી. પોલીસે તેમની ઓળખ મેળવવા અને તેમના પરિજનોને શોધવાની કવાયદ હાથ ધરી દીધી છે. રેલવે દ્વારા આ મામલેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.