જહાંગીરપુરી હિંસા પર VHP નેતાએ કર્યો ખુલાસો- હિન્દુ દેવતાની મુર્તિ ખંડીત કરાઇ, તિરંગાનુ પણ કરાયુ અપમાન
દિલ્હીના જહાંગીરપુરીમાં હિંસા બાદ અલગ-અલગ પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે. અગાઉ પોલીસે કહ્યું હતું કે શોભાયાત્રા માટે પરવાનગી લેવામાં આવી ન હતી પરંતુ વિશ્વ હિન્દુ પરિષદના સ્થાનિક નેતા પ્રેમ શર્માએ મંગળવારે દાવો કર્યો હતો કે શનિવારે સરઘસ કાઢવાની પરવાનગી લેવામાં આવી હતી. વધુમાં, તેમણે એમ પણ કહ્યું કે અથડામણ દરમિયાન હિન્દુ દેવતાઓની પ્રતિમા અને ભારતના ધ્વજને નુકસાન થયું હતું. ઈન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં પ્રેમ શર્માએ આ વાત કહી છે.
શનિવારે દિલ્હીના જહાંગીરપુરીમાં શોભાયાત્રા દરમિયાન બંને પક્ષો વચ્ચે સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી હતી. જેમાં 9 લોકો ઘાયલ થયા હતા. આ અંગે કાર્યવાહી કરીને પોલીસે બે ડઝનથી વધુ લોકોની ધરપકડ કરી છે. સ્થાનિક નેતા પ્રેમ શર્માની પણ પોલીસે સોમવારે ધરપકડ કરી હતી. પ્રેમ શર્મા પર શનિવારે જહાંગીરપુરી વિસ્તારમાંથી પરવાનગી વગર સરઘસ કાઢવાનો આરોપ છે. બાદમાં તેને જામીન પર છોડવામાં આવ્યો હતો.
VHP નેતાનો અલગ દાવો
હવે પ્રેમ શર્માએ પોલીસના દાવાને ફગાવી દીધો છે. ઈન્ડિયા ટુડે સાથે વાત કરતા શર્માએ જણાવ્યું હતું કે, "અમે બે પોલીસ સ્ટેશન મહેન્દ્ર પાર્ક અને જહાંગીરપુરી પાસેથી પરવાનગી લીધી હતી. આ સરઘસ દર વર્ષે કોઈપણ મુશ્કેલી વિના કાઢવામાં આવે છે. અમે પોલીસને કહ્યું હતું કે 400 થી વધુ લોકો હાજર રહેશે અને ત્યાં મ્યુઝિક સિસ્ટમ પણ હશે. અમે તેમને રૂટ વિશે પણ જણાવ્યું હતુ."
તેણે એમ પણ કહ્યું કે "જો અમે પોલીસને અગાઉથી જણાવ્યું ન હોત તો અમારી સાથે 15-20 પોલીસ અને તેમના વાહનો કેવી રીતે ઊભા હતા? અમે પોલીસને બધું જ કહ્યું હતું." તેણે કહ્યું કે તેણે એક પત્ર સબમિટ કર્યો હતો અને જેના પર પોલીસે સહી કરી હતી.
હિન્દુ દેવતાની મુર્તિને નુકસાન
પ્રેમ શર્માએ એવો પણ દાવો કર્યો હતો કે શનિવારે થયેલી અથડામણ દરમિયાન હિન્દુ દેવતાની મૂર્તિ અને રાષ્ટ્રધ્વજને પણ નુકસાન થયું હતું. તેમણે કહ્યું કે ભગવાન બાલાજીની મૂર્તિની તોડફોડ કરવામાં આવી હતી. ભારતીય ધ્વજને નુકસાન થયું હતું. શા માટે અમારી ધરપકડ કરવામાં આવી રહી છે? પથ્થરો અને તલવારો ચલાવનારાઓ સામે પગલાં લેવા જોઈએ. ચારે બાજુથી પથ્થરમારો થઈ રહ્યો હતો. અમે અમારો જીવ બચાવવા દોડી રહ્યા હતા."