
જુમ્માની નમાઝ બાદ દેશભરમાં હિંસક પ્રદર્શન, ઘણી જગ્યાએ આગચંપીની ઘટના
ભાજપના સસ્પેન્ડ અને હાંકી કાઢવામાં આવેલા નેતાઓ નુપુર શર્મા અને નવીન કુમાર જિંદાલની ધરપકડની માંગને લઈને દેશના વિવિધ રાજ્યોમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. શુક્રવારની નમાજ પછી મુસ્લિમ સમુદાયના સભ્યો મસ્જિદો અને ચોક પર એકઠા થયા હતા અને વાતાવરણને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. દિલ્હીથી લઈને હૈદરાબાદ અને યુપીથી લઈને પશ્ચિમ બંગાળ અને પંજાબ સુધી ભારે હોબાળો થયો હતો. યુપીના પ્રયાગરાજમાં પણ લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં પ્રયાગરાજના એડીજીના વાહનને પણ નુકસાન થયું હતું. પોલીસ વાહનને પણ આગ ચાંપવામાં આવી હતી.

દિલ્હીની જામા મસ્જિદ ખાતે સેંકડો લોકો એકઠા થયા હતા
શુક્રવારની નમાજ બાદ દિલ્હીની જામા મસ્જિદની બહાર મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા. પ્રદર્શનકારીઓ નુપુર શર્માની ધરપકડની માંગ કરી રહ્યા હતા. પોલીસે હળવો બળપ્રયોગ કરીને ભીડને વિખેરી નાખી હતી. હાલ સ્થિતિ કાબુમાં છે.

યુપીના પ્રયાગરાજમાં હંગામો, પોલીસના વાહનો સળગાવ્યા
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ભીડે ખૂબ જ તોફાન કર્યું. સેંકડોની સંખ્યામાં એકઠા થયેલા લોકોએ પહેલા પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારામાં પ્રયાગરાજના ADGના વાહનને પણ નુકસાન થયું હતું. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે બદમાશોએ પોલીસના વાહનોને આગ ચાંપી દીધી. પોલીસ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સહારનપુરમાં ઉગ્ર સૂત્રોચ્ચાર, સ્થિતિ નિયંત્રણમાં
સહારનપુરના ઘંટાઘર ચોકડી પર નમાઝ પછી સેંકડો લોકો એકઠા થયા અને ઉગ્ર પ્રદર્શન કર્યું. ભાજપના હકાલપટ્ટી કરાયેલા પ્રવક્તા નુપુર શર્મા અને નવીન જિંદાલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, આ દરમિયાન અલ્લાહ-હુ-અકબર નારા-એ-તકબીરના નારા પણ લગાવવામાં આવ્યા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા અને હળવા બળનો ઉપયોગ કરીને દેખાવકારોને વિખેરી નાખ્યા, ત્યારબાદ સ્થિતિ કાબૂમાં આવી છે.

ઝારખંડમાં પણ હંગામો થયો, વાહનોમાં આગચંપી, તોડફોડ અને પથ્થરમારો
ઝારખંડની રાજધાની રાંચીમાં ભાજપના સસ્પેન્ડેડ નેતા નુપુર શર્માના વિવાદાસ્પદ નિવેદનને લઈને વિરોધ પ્રદર્શનો થયા હતા. કેટલાક લોકોએ વાહનોને આગ લગાડી, તોડફોડ કરી અને પથ્થરમારો કર્યો. ડીઆઈજી અનીશ ગુપ્તાએ કહ્યું કે અમે પ્રયાસ કરી રહ્યા છીએ. સ્થિતિ નિયંત્રણમાં છે. ભારે દળો તૈનાત કરવામાં આવ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર હાજર છે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

કર્ણાટકના કલાબુર્ગીમાં મુસ્લિમ ચોક ખાતે વિરોધ પ્રદર્શન
રઝા એકેડમીએ કલબુર્ગીના મુસ્લિમ ચોક ખાતે સસ્પેન્ડ કરાયેલા બીજેપી નેતા નુપુર શર્માના વિવાદાસ્પદ નિવેદન વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું.

મહારાષ્ટ્રમાં પણ વિરોધ રેલી, મહિલાઓએ પણ ભાગ લીધો
નૂપુર શર્માના વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં મહારાષ્ટ્રના સોલાપુરમાં મોટી સંખ્યામાં લોકોએ વિરોધ રેલી કાઢી હતી. આ પદયાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. નવી મુંબઈમાં મહિલાઓએ વિરોધ રેલી પણ કાઢી હતી.

મુરાદાબાદમાં જામા મસ્જિદની બહાર સૂત્રોચ્ચાર
મુરાદાબાદના ડીએમ શૈલેન્દ્ર કુમાર સિંહે કહ્યું કે મુરાદાબાદમાં શુક્રવારની નમાજ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે અને ક્યાંય કોઈ અપ્રિય ઘટના બની નથી. જામા મસ્જિદની બહાર કેટલાક યુવાનોએ સૂત્રોચ્ચાર કર્યા હતા, તેમને સમજાવ્યા બાદ પરત મોકલી દેવામાં આવ્યા છે. પ્રદર્શન દરમિયાન કોઈને કોઈપણ રીતે ઈજા થઈ નથી.

હૈદરાબાદમાં મક્કા મસ્જિદની બહાર વિરોધ પ્રદર્શન
સસ્પેન્ડ કરાયેલા બીજેપી નેતા નુપુર શર્માના વિવાદાસ્પદ નિવેદન સામે હૈદરાબાદમાં મક્કા મસ્જિદની બહાર લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું. પોલીસે પ્રદર્શનકારીઓને સ્થળ પરથી હટાવ્યા હતા. આ વિસ્તારમાં પોલીસ ફોર્સ અને CRPF તૈનાત છે.

બંગાળમાં પણ પ્રદર્શન, સ્થિતિ નિયંત્રણમા
પશ્ચિમ બંગાળના હાવડામાં લોકોએ નુપુર શર્મા અને હાંકી કાઢેલા નેતા નવીન જિંદાલના વિવાદાસ્પદ નિવેદનનો વિરોધ કર્યો હતો. પોલીસ કર્મચારીઓ સ્થળ પર હાજર છે. સ્થિતિ નિયંત્રણમાં છે.