વિશ્વભારતી વિદ્યાલયના દિક્ષાંત સમારંભમાં પહોંચ્યા પીએમ મોદી-શેખ હસીના
પશ્ચિમ બંગાળના શાંતિ નિકેતનમાં વિશ્વભારતી વિદ્યાલયના 49માં દિક્ષાંત સમારંભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના બાંગ્લાદેશી સમકક્ષ શેખ હસીના શુક્રવારે શામેલ થયા. પીએમ મોદી અને શેખ હસીનાએ રવિન્દ્ર ભવનની પણ મુલાકાત લીધી. આ દરમિયાન તે બાંગ્લાદેશ ભવનનું પણ ઉદઘાટન કરશે કે જે કેમ્પસની અંદર જ બનાવવામાં આવ્યુ છે.

બાંગ્લાદેશ ભવનનું પણ ઉદઘાટન
બાંગ્લાદેશ ભવનને ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સાંસ્કૃતિક ગઠબંધન રૂપે ઓળખવામાં આવી રહ્યુ છે. આ વખતે આ વિશ્વવિદ્યાલયના દિક્ષાંત સમારંભની ખાસ વાત એ છે કે જૂની પરંપરા તોડીને મુખ્યમંત્રી મમતા બેનર્જીને પણ વિશ્વવિદ્યાલયના આ કાર્યક્રમમાં ખાસ નિમંત્રણ આપવામાં આવ્યુ છે.

પહેલી વાર સીએમને આમંત્રણ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને વિશ્વવિદ્યાલયના દિક્ષાંત સમારંભમાં શામેલ કરાયા હોય તેવુ આ વખતે પહેલી વાર બન્યુ છે. આ પહેલા સિદ્ધાર્થ શંકર રાય 1970 માં વિશ્વવિદ્યાલયના દિક્ષાંત સમારંભમાં પહોંચ્યા હતા. જો કે તેમને આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યુ નહોતુ. દિક્ષાંત સમારંભમાં લગભગ 10000 પીજીના છાત્રો, 1000 પીએચડીના છાત્રોને સર્ટીફિકેટ આપવામાં આવશે. વિશ્વવિદ્યાલયના વીસી સાબુજકલી સેને જણાવ્યુ કે સામાન્ય રીતે માત્ર ચાન્સેલર, વીસી જ મંચ પર દિક્ષાંત સમારંભમાં આવે છે. પરંતુ સિદ્ધાર્થ શંકર રાય બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, પીએમ મોદી અને પીએમ શેખ હસીના એકસાથે મંચ પર બિરાજશે. આ દરમિયાન વિશ્વવિદ્યાલયના રેક્ટર, રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠી પણ હાજર રહેશે.

પીએમ છે ચાન્સેલર
આ કાર્યક્રમ વિશે મમતા બેનર્જીનું કહેવુ છે કે મને એ વાતની જાણકારી નહોતી કે હું પહેલી મુખ્યમંત્રી છુ જેને કાર્યક્રમમાં આવવાનું આમંત્રણ મળ્યુ છે. ઉલ્લેખનીય છે કે વિશ્વભારતી એકમાત્ર એવુ વિશ્વવિદ્યાલય છે જેમાં પ્રધાનમંત્રી જ ચાન્સેલર તરીકે હોય છે. આ પહેલા પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ આના ચાન્સેલર હતા અને છેલ્લી વાર 2008 માં તેઓ દિક્ષાંત સમારંભમાં જોડાયા હતા. વીસીનું કહેવુ છે કે છેલ્લા 5 વર્ષોથી કોઈક કારણોસર દિક્ષાંત સમારંભ થઈ શક્યો નથી.