દિલ્લીમાં પારો પહોંચ્યો 47 ડિગ્રીએ, IMDએ કહ્યુ - લાગશે ભીષણ લૂ, જાણો બાકીના રાજ્યોની સ્થિતિ
નવી દિલ્લીઃ ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ(IMD)એ કહ્યુ છે કે દિલ્લીમાં શનિવાર 14 મેના રોજ બાકીના દિવસોની સરખામણીમાં ભીષણ લૂ લાગશે. દક્ષિણ પશ્ચિમ દિલ્લીના નજફગઢમાં પારો 46 ડિગ્રી સેલ્સિયસને પાર કરવા સાથે રાજધાનીના અમુક ભાગો શુક્રવાર(13 મે)એ લૂની ચપેટમાં આવી ગયા. હવે હવામાન કાર્યાલયે ભવિષ્યવાણી કરી છે કે શનિવારે દિલ્લીાં ગંભીર લૂનો પ્રકોપ જોવા મળશે. ભારતીય હવામાન વિભાગે દેશના લગભગ બધા મેદાની વિસ્તારોમાં હીટવેવની ઘોષણા કરી છે.

દિલ્લીમાં ઑરેન્જ એલર્ટ જાહેર, 47 સુધી પહોંચી શકે છે પારો
આઈએમડીએ દિલ્લી માટે ઑરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે જેનો અર્થ છે ગંભીર હીટવેવની સ્થિતિની ચેતવણી. આઈએમડીએ કહ્યુ છે કે દિલ્લીમાં શનિવાર(14 મે)ના રોજ અમુક ભાગોમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ અને 47 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે જઈ શકે છે. જો કે, દિલ્લીમાં રવિવાર એટલે કે 15 મેના રોજ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. રવિવારે 44-46 ડિગ્રી સેલ્સિયસ સમાન મહત્તમ તાપમાનની સંભાવના છે.

દિલ્લીમાં ક્યારે મળશે ગરમીથી રાહત
હવામાન વિભાગના અધિકારીઓએ સપ્તાહના અંત પછી થોડી રાહતની આગાહી કરી છે. વાસ્તવમાં લેટેસ્ટ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે, સોમવારથી તાપમાનનો પારો ઘટીને 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે. IMDના વરિષ્ઠ વૈજ્ઞાનિક આરકે જેનામાનીએ જણાવ્યુ હતુ કે સફદરજંગ સ્ટેશન શનિવારે મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ કરી શકે છે. જ્યારે દિલ્હીના અન્ય ભાગોમાં 47 ડિગ્રી સેલ્સિયસની નજીક રેકોર્ડ થઈ શકે છે.

મેદાની વિસ્તારોમાં હીટવેવની અસર દેખાશે
ભારતીય હવામાન વિભાગે દેશના તમામ મેદાની વિસ્તારોમાં હીટવેવ જાહેર કરી છે. IMD એ કહ્યુ છે કે આ રાજ્યોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અથવા વધુ અને સામાન્ય કરતા 4.5 ડિગ્રી વધુ રહેશે. જે આગામી બે દિવસ સુધી યથાવત રહેશે. રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ભારે હીટવેવ જોવા મળશે. પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ, હરિયાણા અને ગુજરાતના કેટલાક સ્થળોએ તીવ્ર હીટવેવ જોવા મળશે.

રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ભીષણ ગરમીનુ એલર્ટ
તમને જણાવી દઈએ કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભીષણ ગરમીને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. જ્યારે જરૂરી ન હોય ત્યારે દિવસ દરમિયાન ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ભારે ગરમી પડી શકે છે. પૂર્વ રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, ગુજરાતના અમુક ભાગો, વિદર્ભ અને પંજાબના અલગ-અલગ ભાગોમાં હીટ વેવની સ્થિતિ પ્રવર્તે તેવી શક્યતા છે.

આ રાજ્યોમાં આવતા 24 કલાકમાં થઈ શકે વરસાદ
આગામી 24 કલાક દરમિયાન ઉત્તરપૂર્વ ભારત, સિક્કિમ, કેરળ, દક્ષિણ કર્ણાટક અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે તમિલનાડુ, રાયલસીમા અને ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.આ ઉપરાંત જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, છત્તીસગઢના ભાગો, ઓડિશા, દક્ષિણ કોંકણ અને ગોવા, દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર અને તેલંગાણા, દક્ષિણ છત્તીસગઢ અને વિદર્ભના અલગ-અલગ ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે.