મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર યથાવત, મુંબઇમાં રેડ એલર્ટ, કોંકણની અનેક ટ્રેન રદ્દ
મુંબઇ - ભારે વરસાદને કારણે હાલ મહારાષ્ટ્રમાં કહેર સર્જાયો છે. રાજ્યના ઘણા જિલ્લા પાણીમાં ગરકાવ થઇ ગયા છે. હવામાન વિભાગે રાજ્યમાં ત્રણ દિવસમાં ભારે વરસાદ થશે, તેવી ચેતવણી આપી છે. મુંબઇ સહિત કોંકણના સમગ્ર વિસ્તારમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદના કારણે રેલવે ટ્રેક પર પણ પાણી ફરી વળ્યું છે. જે કારણે અનેક કોંકણ રેલવે ટ્રેક પર ચાલતી ટ્રેન રદ્દ કરવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર યથાવત
કોંકણ રેલવે કોર્પોરેશન લિમિટેડના ડેપ્યુટી જનરલ મેનેજર બબન ઘાટગેએ જણાવ્યું હતું કે વરસાદને કારણે આઠ ટ્રેન ડાયવર્ટ કરવામાં આવી છે અને કેટલીક ટ્રેન રદ્દ કરવામાં આવી છે. ગુરુવારના રોજ ભારે વરસાદને કારણે ઉંબરમાલી રેલવે સ્ટેશન અને કસારા વચ્ચેની મુંબઈ લોકલ ટ્રેન સેવા સ્થગિત કરી દેવામાં આવી હતી. પાટા ઉપર પાણી ભરાઇ જવાને કારણે ઇગતપુરી અને ખારડી વચ્ચે ટ્રેન સેવા પણ અટવાઇ હતી. વહીવટી તંત્ર દ્વારા શુક્રવારના રોજ પણ લોકોને જરૂર વગર ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે, ભારતીય રેલવેએ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી.

કોંકણની અનેક ટ્રેન રદ્દ કરાઇ
કોંકણ-ગોવા અને મહારાષ્ટ્રના રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગ, પૂણે ખીણના વિસ્તારો, સતારા અને કોલ્હાપુર જીલ્લામાં બુધવારથી જ ભારે વરસાદ ચાલુ થઇ ગયો હતો, જે કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હોવાને કારણે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
PM મોદીએ CM ઠાકરે સાથે વાત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે ભારે વરસાદને કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિ અંગે વાત કરીને રાજ્યને શક્ય તમામ મદદ કરવાનું વચન આપ્યું છે. વડાપ્રધાન મોદીના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર મહારાષ્ટ્રની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે.
રત્નાગીરી અને રાયગઢમાં સૌથી વધુ તારાજી
મહારાષ્ટ્રના રત્નાગીરી અને રાયગઢ જીલ્લાની સ્થિતિ ખૂબ જ કફોડી બની છે. પૂરનાં પાણી ઘરોમાં ઘૂસી ગયા છે, ઘણાં લોકો તો બેઘર બની ગયા છે. રાજ્યમાં NDRFની બે ટીમ મોકલવામાં આવી છે. વહીવટ તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખી પૂરથી પ્રભાવિત લોકોની શક્ય તમામ મદદ કરી રહ્યું છે.
સ્કાયમેટ દ્વારા અપાઇ ચેતવણી
સ્કાયમેટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી 24 કલાક દરમિયાન મહારાષ્ટ્ર, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, રાયલસીમા, તેલંગાણા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે 28 જુલાઇ સુધી પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને છત્તીસગઢમાં વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઇ શકે છે. આ સાથે 25-26 જુલાઇ સુધી, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાનના પૂર્વ ભાગો, મધ્યપ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ગુજરાત અને અંદમાન-નિકોબાર ટાપુ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, દક્ષિણ અને દક્ષિણપૂર્વ રાજસ્થાન અને તમિલનાડુના કેટલાક ભાગોમાં અને કર્ણાટક, કેરળ અને દક્ષિણના કેટલાક ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ થાય તેવી શક્યતાઓ છે.