Weather Update : ચક્રવાત આસાનીની દસ્તક, આ વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ
Weather Update : દેશના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. માર્ચ મહિનામાં જ મે-જૂન જેવી ગરમી જોવા મળી રહી છે, જ્યારે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રમાં ડીપ પ્રેશર વિસ્તાર છે. ચક્રવાત આસાનીને કારણે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તે 21 માર્ચ સુધીમાં ચક્રવાતનું સ્વરૂપ લેશે. ચક્રવાતી તોફાનના કારણે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદની સંભાવના છે. આ સાથે જ 60 થી 70 કિમીની ઝડપે જોરદાર પવન ફૂંકાશે.
હવામાન વિભાગે ચક્રવાતી તોફાન આસાનીને લઈને એલર્ટ જાહેર કર્યું છે. આંદામાન અને નિકોબાર ટાપુ પ્રશાસને માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપી છે.
આવા સમયે, ચક્રવાતના જોખમને ધ્યાનમાં રાખીને, એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. ચક્રવાતના કિસ્સામાં, 03192-245555/232714 અને ટોલ ફ્રી નંબર 1800-345-2714 પર ફોન દ્વારા મદદ લઈ શકાય છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષનું પહેલું ચક્રવાત આસાની બંગાળની ખાડી પર બની રહ્યું છે. આંદામાન અને નિકોબાર ટાપુઓના વહીવટી તંત્ર દ્વારા આ ચક્રવાતી તોફાનને લઈને માછીમારોને એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા માછીમારોને 19 થી 22 માર્ચ સુધી દરિયામાં કે તેની નજીક ન જવાની અપીલ કરવામાં આવી છે. આ ચક્રવાતને કારણે, આંદામાન અને નિકોબાર ટાપુઓના વહીવટી તંત્રે ફોરશોર સેક્ટરમાં જહાજોની નિર્ધારિત સફર રદ્દ કરી દીધી છે. આવા સમયે, મુખ્ય સચિવ જિતેન્દ્ર નારાયણે ચક્રવાતને લઈને વહીવટી તંત્રની તૈયારીઓની સમીક્ષા કરી છે.