
Weather Update: મહારાષ્ટ્રમાં ચોમાસુ જામ્યુ, મુંબઈમાં ઑરેન્જ એલર્ટ, દિલ્લીમાં વરસ્યા વાદળા
નવી દિલ્લીઃ સમગ્ર ઉત્તર ભારતમાં હવામાનમાં પલટો ચાલુ છે. મહારાષ્ટ્રમાં ચોમાસુ પૂરજોશમાં જામ્યુ છે. હાલમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે(IMD) આજે મુંબઈ, પાલઘર, થાણે, રાયગઢ, રત્નાગીરી અને સિંધુદુર્ગ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. IMDએ પહેલા જ મુંબઈમાં ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી હતી. મુંબઈમાં ગઈકાલે પણ જોરદાર વરસાદ પડ્યો હતો જ્યારે આજે પણ સવારથી જ માયાનગરીમાં વાદળો છવાયેલા છે.

દિલ્લીમાં આજે પણ વરસશે વાદળો
હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ હજુ મહારાષ્ટ્રના ઉત્તરપૂર્વીય ભાગોને આવરી શક્યુ નથી પરંતુ હવામાન વિભાગને સંપૂર્ણ આશા છે કે આ સપ્તાહ સુધીમાં ચોમાસુ ઉત્તરપૂર્વીય ભાગોને આવરી લેશે. રાજધાની દિલ્હીમાં આજે પણ વાદળો વરસશે અને આ દરમિયાન 30 થી 40 કિમીની ઝડપે જોરદાર પવન ફૂંકાઈ શકે છે. મહત્તમ તાપમાન 32 અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રીની આસપાસ રહી શકે છે. ત્યાર બાદ મંગળવારથી હળવો વરસાદ પડશે. આજે અહીં મહત્તમ તાપમાન 38 ડિગ્રીની આસપાસ રહી શકે છે.

ભારે વરસાદની ચેતવણી
આ ઉપરાંત પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદ પડશે. જ્યારે રાજસ્થાનમાં પણ આગામી 5 દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ ચોમાસાના કારણે મુંબઈ, ગોવા, કોંકણ, તમિલનાડુ, કર્ણાટક, આસામ, મેઘાલય, સિક્કિમમાં પણ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના
જ્યારે ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ દ્વારા પણ આજે મહારાષ્ટ્ર, કોંકણ પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઉત્તરપૂર્વ ભારત, કેરળના ભાગો, દરિયાકાંઠાના કર્ણાટક, કોંકણ અને ગોવા અને દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશના કેટલાક ભાગોને પણ જાણ કરી છે. ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર, પૂર્વ ગુજરાત, દિલ્હી, યુપી અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.