
Weather Updates : 31 જાન્યુઆરી સુધી ઠંડી યથાવત રહેશે, IMD આપી ગાઢ ધુમ્મસ ચેતવણી
Weather Updates : સમગ્ર ઉત્તર ભારત અત્યારે કડકડતી ઠંડી સામે ઝઝૂમી રહ્યું છે. ગાઢ ધુમ્મસ અને શીત લહેરથી પરેશાન ઉત્તર ભારતમાં 31 જાન્યુઆરી સુધી રાહત મળવાની નથી. ભારતીય હવામાન વિભાગે તેના નવીનતમ અપડેટમાં જણાવ્યું છે કે, આગામી દિવસોમાં ઠંડી પડશે, તેની પાછળનું કારણ પર્વતો પર થઈ રહેલી હિમવર્ષા છે. હાલમાં હિમાચલ, ઉત્તરાખંડ અને કાશ્મીરમાં ખૂબ જ હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં પારો શૂન્યથી નીચે પહોંચી ગયો છે અને તેના કારણે લોકો ત્યાં સખત શિયાળાનો સામનો કરી રહ્યા છે.

શિયાળાને કારણે ધ્રૂજી રહ્યું છે દિલ્હી
રાજધાની દિલ્હીમાં આગામી ત્રણ-ચાર દિવસ સુધી તીવ્ર ઠંડીનો અનુભવ ચાલુ રહેશે. ધુમ્મસ અને શીત લહેરનો આતંક અહીં યથાવત રહેશે. દિલ્હીમાં છેલ્લા ત્રણદિવસથી 'કોલ્ડ ડે' જાહેર કરવામાં આવ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુરૂવારની સવારે દિલ્હીમાં તાપમાન 8 ડિગ્રી નોંધાયું હતું. ધુમ્મસના કારણે,દિલ્હીથી દોડતી ઘણી ટ્રેનો તેમના નિર્ધારિત સમય કરતા ધીમી ચાલી રહી છે અને આગામી ત્રણ-ચાર દિવસ સુધી, રાષ્ટ્રીય રાજધાનીમાં હવામાનની આ પેટર્ન રહેવાનીછે.

ભારે વરસાદ અથવા હિમવર્ષાની આગાહી
દિલ્હીની સાથે જ હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં પણ ગાઢ ધુમ્મસએ હાહાકાર મચાવ્યો છે. હવામાન વિભાગે અહીં ગાઢ ધુમ્મસની ચેતવણી જાહેર કરી છે અને આગામી 24 કલાક દરમિયાન જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ અથવા હિમવર્ષાની આગાહી કરી છે.

24 થી 48 કલાક માટે કોલ્ડ વેવ
હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને દિલ્હીના અલગ-અલગ ભાગોમાં આગામી 24 કલાક અને ગુજરાત અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં આગામી 24 થી 48 કલાકસુધી કોલ્ડ વેવની સ્થિતિ પ્રવર્તે તેવી શક્યતા છે.