Weather Updates: વાવાઝોડુ 'અસાની' પડ્યુ નબળુ, 5 રાજ્યોમાં ભારે વરસાદનુ એલર્ટ, દિલ્લીમાં લૂથી રાહત નહિ
નવી દિલ્લીઃ વાવાઝોડા 'અસાની'ના કારણે આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા, બંગાળ, તેલંગાના અને કેરળમાં પહેલેથી જ ભારે વરસાદનુ એલર્ટ આપવામાં આવેલુ છે. વળી, બિહાર, ઝારખંડમાં પણ ભારે વરસાદના અણસાર છે. દિલ્લી, રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશમાં ગરમીએ લોકોનુ જીવન મુશ્કેલ બનાવી દીધુ છે. ભારતીય હવામાન વિભાગે પોતાની લેટેસ્ટ અપડેટમાં જણાવ્યુ છે કે આજે પણ આ રાજ્યોમાં લોકોને ગરમી અને લૂથી રાહત મળવાની નથી. આજે પણ દિલ્લીમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી રહી શકે છે જ્યારે લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી સુધી જઈ શકે છે.

દિલ્લીમાં હીટવેવ માટે યલો એલર્ટ, ગરમીથી જીવન બન્યુ મુશ્કેલ
છેલ્લા બે દિવસથી દિલ્લીમાં હીટવેવનુ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. વળી, રાજસ્થાનમાં પણ લૂ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે. ગુજરાતના અમદાવાદમાં ગરમી માટે રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી આસપાસ જઈ શકે છે. મહારાષ્ટ્ર, ગુજરાત, વિદર્ભ, ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર, પંજાબ અને હરિયાણામાં પણ લૂની સ્થિતિ સંભવ છે. હવામાન વિભાગે લોકોને ઘરમાંથી બહાર નીકળતી વખતે સાવચેત રહેવા માટે જણાવ્યુ છે.

ભારે વરસાદ અને વીજળી પડવાની પણ સંભાવના
તમને જણાવી દઈએ કે તેલંગાના, અરુણાચલ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આગામી 5 દિવસ દરમિયાન તેલંગાનામાં ભારે વરસાદ અને વીજળી પડવાની પણ સંભાવના છે.

આરોગ્ય પ્રત્યે સાવચેત રહેવા સૂચના
ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે પણ કહ્યુ છે કે દિલ્હી-એનસીઆર, ગુજરાત, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, એમપી, છત્તીસગઢમાં આગામી બે-ત્રણ દિવસ સુધી ભારે ગરમી પડશે. જેથી લોકોએ હીટવેવનો સામનો કરવો પડશે માટે ઘરની બહાર નીકળતી વખતે સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવુ.

આ રાજ્યોમાં થશે ભારે વરસાદ
સ્કાયમેટ વેધર અનુસાર આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, અરુણાચલ પ્રદેશ, બિહાર, ઝારખંડ, કેરળ, દક્ષિણ કર્ણાટક અને તમિલનાડુમાં ભારે વરસાદની સંભાવના છે.