Weather Updates: ગુજરાત, મુંબઈ અને રાજસ્થાનમાં હીટ વેવનુ એલર્ટ, દિલ્લીમાં કાલે સૌથી ગરમ દિવસ
નવી દિલ્લીઃ ઉત્તર ભારતમાં ગરમીએ હવે પોતાના તેવર બતાવવાના શરુ કરી દીધા છે. દેશના અનેક રાજ્યોમાં તાપમાનનો પારો ઊંચો ગયો છે. જ્યારે હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટમાં જણાવાયું છે કે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતમાં આજે અને આવતીકાલે હીટ વેવ આવવાની શક્યતા છે. IMD અનુસાર થાણે, રાયગઢ, પાલઘર, સિંધુદુર્ગ અને રત્નાગીરી જિલ્લામાં હીટ વેવ એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. પ્રશાસને લોકોને જરૂરિયાત વગર ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે.

ગુજરાત, મુંબઈ અને રાજસ્થાનમાં હીટ વેવનુ એલર્ટ
નોંધનીય છે કે સોમવારે કોલાબામાં મહત્તમ તાપમાન 39.4 ડિગ્રી સેલ્સિયસ અને સાંતાક્રુઝમાં 39.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતુ. અત્યારે માર્ચ મહિનો ચાલી રહ્યો છે અને સ્થિતિ એવી છે કે જો આવી જ સ્થિતિ રહી તો આ વખતે એપ્રિલ અને મે મહિનામાં આકરી ગરમી પડશે.

રાજસ્થાન અને ગુજરાતમાં પણ હીટવેવની સંભાવના
મહારાષ્ટ્રની આ સ્થિતિ છે તો બીજી તરફ રાજસ્થાન અને ગુજરાતમાં પણ હીટવેવની સંભાવના છે. બંને રાજ્યોમાં 16 થી 17 માર્ચ દરમિયાન હીટ વેવની સ્થિતિની પણ અપેક્ષા છે. જેના કારણે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મહત્તમ અને લઘુત્તમ પારો વધવાની સંભાવના છે.

દિલ્લીમાં કાલે રહ્યો સૌથી ગરમ દિવસ
સોમવારે રાજધાની દિલ્હીમાં આ સિઝનનું મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતુ જે અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ છે. જો કે આજે દિલ્હીમાં હવામાન સ્વચ્છ રહેશે. દિલ્હીમાં 18 માર્ચ સુધી તાપમાન 36 થી 37 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે વધશે.

વરસાદનુ એલર્ટ
બીજી તરફ ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના છે. સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઘણા રાજ્યોમાં વરસાદ પડી શકે છે. જેના કારણે imd એ પંજાબ, હરિયાણા, બિહાર અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ, કેરળ, તમિલનાડુ, કર્ણાટક, મણિપુર, મિઝોરમ, ત્રિપુરામાં પણ વરસાદની ચેતવણી જારી કરી છે.