Weather: ભારે વરસાદથી બેંગલુરુ બેહાલ, ઘણા રાજ્યોમાં આજે પણ ભારે વરસાદની સંભાવના, એલર્ટ અપાયુ
નવી દિલ્લીઃ દેશના ઘણા રાજ્યોમાં ચોમાસાની વિદાય થઈ ચૂકી છે. વળી, ઘણા રાજ્યોમાં ભારે વરસાદે કહેર વરસાવ્યો છે. કર્ણાટકમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ થઈ રહ્યો છે જેના કારણે રાજધાની બેંગલુરુના હાલ બેહાલ થઈ ગયા છે. બુધવારે સતત થયેલા વરસાદના કારણે બેંગલુરુના ઘણા વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. વળી, માડીવાલા ઝીલનુ પાણી ઓવરફ્લો થઈ ગયુ જેના કારણે બીટીએમ લેઆઉટ, એચએસઆર લેઆઉટ, અનુગ્રહ લેઆઉટ અને માડીવાલા સહિત ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયુ છે.

ભારે વરસાદથી બેંગલુરુ બેહાલ
તહેવારની સિઝનમાં સતત થઈ રહેલા વરસાદે લોકોને ઘણા હેરાન કરી દીધા છે. ભારતીય હવામાન વિભાગે આજે પણ કર્ણાટકના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આઈએમડીએ કહ્યુ છે કે અંદમાન અને નિકોબાર ટાપુઓ પાસે એક ચક્રવાતી પ્રેશર બની રહ્યુ છે જેના કારણે આગલા 4 દિવસ સુધી ઘણા રાજ્યોમાં ભારે વરસાદના અણસાર છે. હવામાન વિભાગે કર્ણાટક, કેરળ, તમિલનાડુમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરીને 4 દિવસનુ એલર્ટ જાહેર કર્યુ છે.

ઉત્તર પશ્ચિમ ભારતમાં ભારે વરસાદના અણસાર
વળી, 16 ઓક્ટોબરથી ઉત્તર પશ્ચિમ ભારતમાં પણ ભારે વરસાદના અણસાર છે. 17 ઓક્ટોબરે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. વળી, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળના મોટાભાગના હિસ્સાઓથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વાપસી માટે પરિસ્થિતિઓ અનુકૂળ થઈ રહી છે. અનુમાન છે કે આવતા 2 દિવસ દરમિયાન ગુજરાત, મહારાષ્ટ્ર, ઓરિસ્સા અને પૂર્વોત્તર ભારતમાં ચોમાસુ વિદાય થઈ શકે છે અને આ કારણે અહીં વરસાદ થઈ શકે છે.

અહીં હળવાથી મધ્યમ વરસાદના અણસાર
હવામાન વિભાગની માહિતી આપતી ખાનગી સંસ્થા સ્કાઈમેટના જણાવ્યા અનુસાર દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વિદાય આજથી થઈ જશે. વળી, આગલા 24 કલાક દરમિયાન અંદમાન-નિકોબાર, કર્ણાટક, કેરળ અને તમિલનાડુ, લક્ષદ્વીપ અને દક્ષિણ આંતરિક કર્ણાટકના અલગ-અલગ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાના અણસાર છે. વળી, પશ્ચિમ બંગાળ, પૂર્વોત્તર ભારતના અમુક ભાગો, તટીય ઓરિસ્સા, તટીય આંધ્ર પ્રદેશ અને કોંકણ અને ગોવાના અલગ-અલગ ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે.