• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વિજય રૂપાણીએ ગુજરાતમાં લૉકડાઉનની આશંકા અંગે ફરી શું કહ્યું?

By BBC News ગુજરાતી
|

ગુજરાતમાં શુક્રવારે જ્યારે પાછલા 103 દિવસના સૌથી વધુ કેસો નોંધાયા છે ત્યારે રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કોરોનાના વધતા પ્રસારને કારણે આગામી સમયમાં રાજ્યવ્યાપી લૉકડાઉન લાદવામાં આવશે કે કેમ તે અંગે શનિવારે પત્રકારો સાથેની વાતચીતમાં સ્પષ્ટતા કરી હતી.

તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "પાછલા દિવસોમાં સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. માત્ર ગુજરાતમાં જ સંક્રમણ વધ્યું છે એવું નથી."

"દેશનાં અમુક રાજ્યોમાં ગુજરાતની સરખામણીએ વધુ કેસો આવી રહ્યા છે. ઘણાં એવાં પણ રાજ્યો હતાં જ્યાં ગુજરાતની જેમ ચૂંટણી નહોતી તેમ છતાં ત્યાં કોરોનાના કેસો વધ્યા છે."

"જ્યારે ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં દરરોજના 25 હજાર કરતાં વધુ કેસો આવી રહ્યા છે ત્યારે રાજ્ય સરકારે સમયસર પગલાં ભરીને કોરોનાનું સંક્રમણ નિયંત્રિત કરવાની કોશિશો સમયસર શરૂ કરી દીધી છે. પરંતુ તેનો અર્થ એ નથી કે રાજ્યમાં કોઈ પણ પ્રકારે લૉકડાઉન લગાવવામાં આવશે."

"રાજ્યમા ક્યાંય પણ આખા દિવસ દરમિયાનનો કર્ફ્યુ પણ નહીં લાદવામાં આવે. માત્ર શનિવાર અને રવિવારે મૉલ અને થિયેટરો બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે."

નોંધનીય છે કે તાજેતરમાં જ રાજ્ય સરકારે શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષણકાર્ય અને પરીક્ષાના કાર્યક્રમો રદ કરીને પાછા ઠેલવાની જાહેરાત કરી છે.

તેમજ રાજ્યનાં મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધુ ન વકરે તે માટે રાત્રિના નવા વાગ્યાથી માંડીને સવારના છ વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ જાહેર કરાયો છે.

ગુજરાત સેકન્ડરી ઍન્ડ હાયર સેકન્ડરી ઍજ્યુકેશન બૉર્ડ દ્વારા તાજેતરની પરિસ્થિતિને જોતાં ધોરણ 12 સાયન્સની પ્રૅક્ટિકલ પરીક્ષાઓ અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર ખાતે મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે.

આ સિવાય ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે હાલમાં સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓમાં ચૂંટાઈ આવેલા નવા સભ્યો કોઈ પણ પ્રકારની ઉજવણી કે સમારોહો યોજવાની મનાઈ ફરમાવી છે.

નોંધનીય છે કે આ તમામ નિયંત્રણોને કારણે ગુજરાતમાં સંપૂર્ણપણે લૉકડાઉન લાદવામાં આવશે એવી વાતો થઈ રહી હતી.

જોકે, પાછલા અમુક સમયથી ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને સરકારના અન્ય મંત્રીઓ આ અંગે સ્પષ્ટતા કરી ચૂક્યા છે. તેમ છતાં લોકોનાં મનમાં સતત સંપૂર્ણ લૉકડાઉનનો ભય પેસી ગયો હોવાથી ફરી વાર મુખ્ય મંત્રી રૂપાણીએ મીડિયા સમક્ષ આવી આ અંગે લોકોને નિશ્ચિંત રહેવા જણાવવું પડ્યું છે.


ગુજરાતમાં શું છે સ્થિતિ?

ગુજરાતમાં શુક્રવારે સુરતમાં સૌથી વધુ 450 નવા કેસો નોંધાયા હતા જે અત્યાર સુધી ગુજરાતના કોઈ પણ જિલ્લામાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.

જ્યારે બીજી બાજુ અમદાવાદમાં કોરોનાના નવા 344 કેસો નોંધાયા હતા. આ સિવાય રાજકોટ અને વડોદરામાં અનુક્રમે 132 અને 146 કેસો નોંધાયા હતા.

ગુજરાતનાં મહાનગરોમાં કોરોનાનો પ્રસાર અટકાવવા માટે સ્થાનિક તંત્ર દ્વારા રાત્રિ કર્ફ્યુ, સંભવિત સંક્રમણ ફેલાવનારા તમામ લોકોનાં પરીક્ષણો અને કોરોનાની ગાઇડલાઇનનું પાલન સુનિશ્ચિત કરાવવા જેવાં પગલાં લેવામાં આવ્યાં છે.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા સુપરમાર્કેટ અને ડિલિવરી બૉય માટે RTPCR ટેસ્ટ કરાવવાનું ફરજિયાત બનાવી દેવાયું છે. જ્યારે શાકભાજી વેચનારા, મેડિકલ અને કરિયાણાની દુકાનવાળા, ઑટોરિક્ષા ડ્રાઇવરો, મજૂરો અને વાળંદો માટે રેપિડ ઍન્ટિજન ટેસ્ટ કરાવવાનું ફરજિયાત કરાયું છે જેથી વાઇરસના પ્રસારને સમયસર રોકી શકાય.

અત્રે નોંધવું કે સુરતમાં પણ બહારથી આવતા લોકો માટે 7 દિવસનું હોમ-આઇસોલેશનનો નિર્દેશ કરવામાં આવ્યો છે.

વળી રાજ્યમાં સ્કૂલ-કૉલેજનું શિક્ષણ પણ ફરીથી ઑનલાઇન કરી દેવાયું છે. અને મહાનગરોમાં સીટી બસ, બાગ-બગીચા બંધ કરી દેવાયા છે.

વળી સુરત સહિત અમદાવાદમાં જાહેર પરિવહનની બસોના પ્રવેશ પણ સ્થગિત કરી દેવાયા હતા.

ઉપરાંત રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યુ સુધી કર્ફ્યુ પણ લાગુ કરાયો છે. ઉપરાંત 21 માર્ચે અમદાવાદમાં 136 કેન્દ્રો પર જીપીએસસીની પરીક્ષાઓ યોજાવાની છે. તેને યથાવત્ રખાઈ છે.

જોકે અમદાવાદ પોલીસે પરીક્ષાકેન્દ્ર ધરાવતા વિસ્તારોમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે કેટલાંક પગલાં પણ જાહેર કર્યાં છે. જેથી વિદ્યાર્થીઓ શાંતિમય વાતાવરણમાં પરીક્ષા આપી શકે.

ગુજરાતની વાત કરીએ તો સમગ્ર દેશમાં કોરોનાના નવા કેસોની બાબતમાં ગુજરાત પાંચમા ક્રમે હતું. જ્યારે પ્રથમ ક્રમે 25,681 કેસો સાથે મહારાષ્ટ્ર હતું.

વિવિધ મીડિયા અહેવાલો અનુસાર મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે હાલ લૉકડાઉનની કોઈ વિચારણા નથી. જનતા ખુદ જ નિયમોનું પાલન કરશે. પરંતુ જો સ્થિતિ સારી નહીં રહે અને નિયમોનું પાલન નહીં થાય તો કડક નિયંત્રણો લાગુ કરવામાં આવી શકે છે.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના એક અહેવાલ પ્રમાણે હાલમાં ગુજરાતમાં કોરોનાના કુલ 6,147 ઍક્ટિવ કેસો છે. જે બે મહિનામાં સૌથી વધુ છે.https://www.youtube.com/watch?v=CZRuslESZUI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
What did Vijay Rupani say again about the fear of lockdown in Gujarat?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X