India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RSSનો 'અખંડ ભારત'નો વિચાર અને તેનો આધાર શું છે?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

રાષ્ટ્રીય સ્વયંસેવકસંઘના સરસંઘચાલક મોહન ભાગવતે તાજેતરમાં હરિદ્વારમાં કહ્યું કે, "20-25 વર્ષમાં અખંડ ભારતની પરિકલ્પના સાકાર થઈ શકે છે, પરંતુ જો આપણે બધા થોડી વધુ મહેનત કરીએ તો આ કામ 15 વર્ષમાં પણ થઈ શકે છે."

આમ તો ભાગવતનું આ નિવેદન આશ્ચર્ય પમાડનારું ન હતું, કારણ કે કાશ્મીરમાંથી અનુચ્છેદ 370ની નાબૂદી તથા અયોધ્યામાં રામમંદિરના નિર્માણની જેમ જ 'અખંડ ભારત' સંઘના ઘોષિત એજન્ડામાં છે.

દેવેન્દ્ર ફડણવીસ, રામ માધવ, ઇંદ્રેશ કુમાર અને ખુદ ભાગવત તથા તેમના પુરોગામીઓ પણ આ વિશે અનેક વખત જાહેરમાં નિવેદન આપી ચૂક્યા છે. જોકે, આ વખતે ચોંકાવનારી બાબત 'ટાઇમલાઇન' હતી.

કૉંગ્રેસ અને એઆઈએમક્યૂએમ ઉપરાંત હિંદુરાષ્ટ્રની વિભાવનામાં વિશ્વાસ ધરાવનારી શિવસેનાએ પણ ભાગવતના નિવેદન પર સવાલ ઉઠાવ્યા છે અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીર તથા ભારતીય હદવિસ્તારમાં ચીનની સેનાના પ્રવેશ મુદ્દે સવાલ ઉઠાવ્યા છે.

સંઘની માન્યતા પ્રમાણે, 'ભારત દેશ' તથા 'હિંદુ રાષ્ટ્ર' બંને અલગ વિચાર છે. જોકે, વિનાયક દામોદર સાવરકર, સ્વામી વિવેકાનંદ અને મહર્ષિ અરવિંદનાં 'રાષ્ટ્ર' માટેનાં આધાર અને વિભાવના અલગ-અલગ છે.

કેટલાક વિવેચકોના મતે આજના સમયમાં આ વિચાર 'અવ્યવહારુ' તથા 'અવાસ્તવિક' છે, જેને ધરાતલ પર સાકાર કરવું મુશ્કેલ હશે. પરંતુ સંઘના વિચારક માને છે કે તે શક્ય છે અને તેના માટે બળની જરૂર નહીં પડે.


ભારત દેશ અને હિંદુ રાષ્ટ્ર

સંઘના વિઝન અને મિશનમાં હિંદુ રાષ્ટ્રની વિભાવનાને સ્થાન આપવામાં આવ્યું છે

સામાન્ય રીતે દેશ (Country) તથા રાષ્ટ્રને (Nation) શબ્દને એકબીજાના સમાનાર્થી કે વિકલ્પ તરીકે વાપરવામાં આવે છે, પરંતુ તેની વિભાવના અલગ-અલગ છે.

પહેલાં 'સામ્રાજ્યવાદી' વિચાર પ્રવર્તમાન હતો. જે શાસક (કે દેશ)ની જેટલી હદ એટલું એનું રાજ કે સામ્રાજ્ય. દરેક શાસક પોતાના સામ્રાજ્યની હદોને ફેલાવવા માટે પ્રયાસરત્ રહેતો અને તેના કારણે રક્તપાત પણ થતો હતો.

ઑક્સફર્ડ ડિક્શનરી પ્રમાણે, 'કન્ટ્રી' એટલે એ ભૌગોલિક વિસ્તાર જેના નિયમન માટે કાયદો ઘડે તેવી સરકાર છે કે હતી. તે સાર્વભૌમ હોય છે અને ભૌગોલિક વિસ્તાર તેને સુનિશ્ચિત કરનારું મુખ્ય પરિબળ હોય છે. તે લેટિન ભાષાના શબ્દ 'કૉન્ટ્રા' ઉપરથી ઊતરી આવ્યો છે.

રાષ્ટ્ર એટલે ચોક્કસ સમુદાય કે જૂથના લોકોનો સમૂહ. જેમનો ઇતિહાસ, ભાષા તથા ઉદ્ગમવંશ એક છે. જેની પોતાની સરકાર છે. દરેક રાષ્ટ્ર સાર્વભૌમ ન પણ હોય. તે ફ્રૅન્ચ શબ્દ 'nacion' પરથી ઊતરી આવ્યો છે.

આમ સંઘના 'હિંદુ રાષ્ટ્ર'ના વિચારને સમજવા માટે 'દેશ' અને 'રાષ્ટ્ર' વચ્ચેનો તફાવત સમજવો રહે. સંઘના 'વિઝન અને મિશન'માં હિંદુ રાષ્ટ્રની વિભાવનાને સ્થાન આપવામાં આવ્યું છે.


સંઘનું હિંદુ રાષ્ટ્ર

સંઘનો અખંડ ભારતનો વિચાર તેની સ્થાપના સમયથી જ અસ્તિત્વ ધરાવે છે. તે સમયે પાકિસ્તાનની માગ થઈ રહી હતી, પરંતુ તે અસ્તિત્વમાં આવશે કે નહીં, તે નક્કી ન હતું. વર્ષ 1947માં સંઘની પ્રતિજ્ઞામાં ફેરફાર કરવામાં આવ્યો અને 'હિંદુ રાષ્ટ્ર'ને બદલે 'સર્વાંગીણ ઉન્નતિ'ની વાત કરે છે.

સંઘના બીજા સરસંઘચાલક માધવરાવ સદાશીવરાવ ગોલવલકર 'ગુરૂજી'ના ચિંતન પ્રમાણે, હિંદુરાષ્ટ્ર સામ્રાજ્યવાદી વિચાર નથી, પરંતુ તેની આર્થિક, સામાજિક અને ઐતિહાસિક વિચાર છે.

સ્થાપના સમયથી જ સંઘ 'પરમ વૈભવ'ને પામવાની વાત કરે છે અને દેશમાંથી બ્રિટિશરાજનો અંત એ તેનો એક મુકામમાત્ર છે. 'સ્વરાજ'એ પોતાનું શાસન તો છે, પરંતુ 'સ્વાતંત્ર્ય'એ પોતાની ક્ષમતાને ઓળખી અને તેને પામવાની વાત છે.

'પરમ વૈભવ' દ્વારા સંઘ દેશની ભૌતિક ઉન્નતિની વાત કરે છે, જેમાં દેશની ઓળખ અને હિતો ગીરવે ન હોય. સંઘનું માનવું છે કે હિંદુ રાષ્ટ્રનો આધાર 'સંસ્કાર' અને 'સંગઠન'માં છે.

ગોલવલકરે પોતાના પુસ્તક 'બંચ ઑફ થૉટ્સ'માં (પૃષ્ઠ ક્રમાંક 16-17) 'હિંદુસમાજ' એક તરફ અમેરિકા તો બીજી તરફ ચીન, જાપાન, કમ્બોડિયા, મલય, સિયામ, ઇન્ડોનેશિયા, દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોથી લઈને મોંગોલિયા અને ઉત્તરમાં સાઇબિરિયા સુધી ફેલાયેલો હોવાની વાત કહે છે.


'અખંડ ભારત'નું પ્રથમ પગથિયું

સંઘ દ્વારા ભારતની સ્વતંત્રતાના એક દિવસ પહેલાંના દિવસને એટલે કે તા. 14મી ઑગસ્ટને 'અખંડ ભારત સંકલ્પદિવસ' તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે વિશ્વના નકશા પર પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું હતું. એ પછી પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશ અલગ થયું હતું.

સંઘ તથા તેની પ્રવૃત્તિઓનો નજીકથી અભ્યાસ કરનારા પત્રકાર આનંદ શુક્લના મતે, "સંઘ તથા ઇતર પણ સમાજનો મોટો વર્ગ માને છે કે તા. 14મી ઑગસ્ટના દિવસે જે ભારતનો ભૂભાગ હતો, તે 'અખંડ ભારત' છે અને તે સાંસ્કૃતિક ધારાની અંદર પરત ફરે."

સાથે જ ઉમેરે છે કે 27 વર્ષથી ગુજરાતમાં હિંદુવાદી સરકાર હોય તો પણ હિંમતનગરમાંથી હિંદુઓએ પલાયન કરવું પડતું હોય ત્યારે 'અખંડ ભારત'ની કલ્પના કરવી મુશ્કેલ બની જાય છે.

સૌરાષ્ટ્ર વિસ્તારમાં સંઘના પદાધિકારીએ નામ ન છાપવાની શરતે કહ્યું કે, "મોહન ભાગવતની વાતનો આગળનો હિસ્સો ચર્ચાતો નથી. તેમણે કહ્યું હતું કે જ્યોતિષીઓ માને છે કે 20-25 વર્ષમાં પાકિસ્તાન અને ભારત એક થઈ જશે. આમ તેમના વાતનો આધાર જ્યોતિષની આગાહી હતી."

સંઘની અખંડ ભારતની વિભાવના અંગે તેઓ કહે છે કે, "જ્યાં હિંદુ તથા હિંદુત્વનો વ્યાપ હતો તેવા ભારત, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા, થાઈલૅન્ડ, ભૂતાન, અફઘાનિસ્તાન, કમ્બોડિયા જેવા દેશોના આજના સમયના ભૌગોલિક વિસ્તારનો એક સંઘ હોય, જેમાં બધા પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ જાળવી રાખે."

"જેમ સદીઓ પહેલાં ભારત કેન્દ્રબિંદુ હતું, તેવી જ રીતે ભારત તેની આર્થિક, સુરક્ષા તથા અન્ય બાબતોમાં કેન્દ્રમાં હોય. આ કામ સૈન્યબળથી નહીં, પરંતુ કૂટનીતિ તથા પરસ્પરની સહમતિથી થાય. આને માટે ભારતે સૈન્ય તથા આર્થિક દૃષ્ટિએ મજબૂત બનવું રહ્યું."


શું આ વ્યવહારુ દૃષ્ટિએ શક્ય છે?

તેવા સવાલના જવાબમાં તેઓ યુરોપિયન સંઘનું ઉદાહરણ ટાંકે છે તથા પૂર્વ જર્મની તથા પશ્ચિમ જર્મનીના એકીકરણનું ઉદાહરણ પણ ટાંકે છે.

સાથે જ કહે છે કે 35 વર્ષ પહેલાં કોઈએ આગાહી કરી હોત કે સામ્યવાદ વિશ્વમાંથી નામશેષ થઈ જશે, તો તે વિચારને હસી કઢાયો હોત, પરંતુ આજે તે માત્ર ચીનમાં જ અસ્તિત્વ ધરાવે છે, જ્યાં તેનું મૂડીવાદી સ્વરૂપ અસ્તિવમાં છે.

તેઓ આ પ્રકારના દેશોના સંઘના વિચારની વ્યવહારુતા ઉપર સંશયિત છે.

તેમના કહેવા પ્રમાણે, "યુરોપિયન દેશો વચ્ચે એટલા બધા સાંસ્કૃત્તિક મતભેદો નથી, જેટલા ભારતમાં જ હિંદુ-મુસ્લિમ વચ્ચેના છે. અહીં અનુચ્છેદ 370ની નાબૂદી, રામમંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટનો ચુકાદો તથા મહિલાઓને અધિકાર આપતો ટ્રિપલ તલાક નાબૂદી જેવો મુદ્દો પણ બંને કોમોને વારંવાર સામસામે લાવી દે છે."


ભારત તથા અન્ય 'રાષ્ટ્ર'

હરિદ્વારમાં જ્યારે મોહન ભાગવત હિંદુ રાષ્ટ્રની વાત કરી રહ્યા હતા, ત્યારે તેમણે અરવિંદ તથા સ્વામી વિવેકાનંદના 'અખંડ ભારત'ની વાત કરી હતી.

સ્વામી વિવેકાનંદના પુસ્તક (એકનાથ રનાડે દ્વારા સંપાદિત) 'Rousing Call to Hindu Nation'માં (પેજ નંબર 42-44) લખે છે કે ભારતીય માને છે કે રાજકીય અને સામાજિક સ્વતંત્રતા જરૂરી છે, પરંતુ તેની મૂળ સ્વતંત્રતા તેના આધ્યાત્મિક સ્વાતંત્ર્યમાં રહેલી છે - મુક્તિ. વૈદિક,જૈન, બૌદ્ધ, દ્વૈત અને અદ્વૈત એ બધાનો મૂળ હેતુ છે. આ મુદ્દાને ન સ્પર્શો તો બીજી બધી બાબતમાં તમે શું કરો છો, તેની 'હિંદુ' દરકાર નથી કરતો અને મૌન જાળવી રાખે છે.

સોમનાથનું ઉદાહરણ ટાંકતાં સ્વામી વિવેકાનંદ કહે છે કે 'તે વારંવાર વિદેશી હુમલાખોરોના આક્રમણનું ભોગ બન્યું, છતાં વારંવાર નિર્માણ પામ્યું છે. જે અગાઉ કરતાં વધુ શક્તિશાળી અને મજબૂત હતું. તે ચેતના 'રાષ્ટ્રીય માનસ' અને 'રાષ્ટ્રીય ચેતના' છે.'

અરવિંદ ઘોષનો રાષ્ટ્રવાદ 'આધ્યાત્મિક' છે તથા તેઓ 'માતૃભૂમિની દિવ્યતા'ની વાત કરે છે. દેશના પૂર્ણ વિકાસ માટે તેઓ રાજકીય સ્વતંત્રતા પર ભાર મૂકે છે. તેઓ રાષ્ટ્રવાદનો મુદ્દો ચર્ચતી વખતે 'દેશની પુનઃ આંતરિકખોજ' પર ભાર મૂકે છે. તેઓ યોગી, દાર્શનિક, ક્રાંતિકારી, લેખક અને વિચારક હતા. તેમની પર અલીપોર બૉમ્બવિસ્ફોટ કેસમાં ખટલો ચાલ્યો હતો.

શરૂઆતનાં વર્ષોમાં સંઘ રાજનીતિથી દૂર રહેતો, આ ભેદ ધીમે-ધીમે ભૂંસાઈ રહ્યો છે. બીજી બાજુ, હિંદુ મહાસભા અને વિનાયક દામોદર સાવરકર રાજકારણ દ્વારા ધ્યેયસિદ્ધિમાં માનતા હતા.

'હિંદુ રાષ્ટ્ર દર્શન' (પૃષ્ઠ ક્રમાંક 51) સાવરકર ભારતની ભૌગોલિક હદોને બ્રિટિશ કબજા હેઠળના નહીં, પરંતુ ઉત્તરમાં તિબેટ, નેપાળ, પૂર્વમાં ગોમાંતક અને બંગાળ (હાલના બાંગલાદેશ સહિત) પોર્ટુગીઝ કબજા હેઠળના વિસ્તારો (ગોવા, દીવ, દમણ, દાદરાનગર હવેલી) તથા ફ્રૅન્ચ કબજા હેઠળના પોંડિચરીને (હાલનું પુડ્ડુચેરી) ગણાવતા. તેમને મન ભારત 'પુણ્ય ભૂમિ' અને 'રાષ્ટ્રભૂમિ' પણ હતી.

ગાંધીજીની હત્યા બાદ સાવરકર પર સંડોવણીના આરોપ લાગ્યા હતા. તત્કાલીન સરસંઘચાલક ગોલવલકરની પણ ધરપકડ કરવામાં આવી અને સંઘની ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો. છ મહિના બાદ સંઘની ઉપરનો પ્રતિબંધ હઠી ગયો. એ પછી સંઘે 'સામાજિક અને સાંસ્કૃત્તિક' બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું જાહેર કર્યું.

સાવરકરે જિંદગીના છેલ્લા બે દાયકા લગભગ હાંસિયામાં જ વિતાવ્યા. હવે સાવરકર સંઘપ્રિય છે. એટલું જ નહીં, શિવસેના અને હિંદુ મહાસભા જેવા પક્ષ પણ તેમના વિચારોને રાજકીય આદર્શ માને છે.


ભારતનો બદલાતો 'નકશો'

છેલ્લા લગભગ સાડા સાત દાયકા દરમિયાન તેમાં અનેક પરિવર્તન આવ્યાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન તેમાં ત્રણ વખત ફેરફાર થયો છે.

છેલ્લો ફેરફાર વર્ષ 2020માં થયો હતો. જ્યારે દીવ, દમણ, દાદરા અને નગર હવેલીને ભેળવી દેવામાં આવ્યાં હતાં. આ એક વહીવટી કવાયત હતી.

2019માં મોટો ફેરફાર થયો હતો. એ સમયે જમ્મુ-કાશ્મીરનું વિભાજન કરવામાં આવ્યું હતું અને તેમાંથી જમ્મુ-કાશ્મીર તથા લદ્દાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશોનું ગઠન કર્યું હતું.

આ પહેલાં વર્ષ 2015માં ભારત અને બાંગ્લાદેશની વચ્ચે કેટલાક વિસ્તારોનું આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું, જેથી કરીને પ્રવર્તમાન સરહદની સમસ્યાને નિવારી શકાય.

1947માં પાકિસ્તાનની સેના સમર્થિત કબિલાઈઓએ જમ્મુ-કાશ્મીરના અમુક વિસ્તાર પર કબજો કરી લીધો, ભારતે વળતી કાર્યવાહી કરીને કેટલોક ભાગ પરત મેળવ્યો; આ અરસામાં ભારતીય સેનાએ વળતી કાર્યવાહી કરી.

તત્કાલીન સરકારે યુએનમાં રજૂઆત કરી, જેના કારણે સંઘર્ષવિરામ થયો. જેટલો વિસ્તાર ભારત પાસે હતો, તે ભારત પાસે જ રહેવા પામ્યો. કબિલાઈઓના કબજામાં રહેલા જમ્મુ-કાશ્મીરને ભારત 'પાકિસ્તાનના કબજાવાળાં જમ્મુ-કાશ્મીર' તરીકે ઓળખાવે છે. જ્યારે પાકિસ્તાન આ કાશ્મીરને 'આઝાદ કાશ્મીર' તરીકે ઓળખાવે છે.

1962માં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થયું, ત્યારે કાશ્મીરનો લગભગ 33 હજાર વર્ગ કિલોમિટરનો વિસ્તાર ચીનના કબજામાં આવી ગયો હતો. ભારત દ્વારા જમ્મુ-કાશ્મીરના પૂર્ણ નકશાને દર્શાવવામાં આવે છે. જેમાં તેના કબજા હેઠળ ન હોય તેવા વિસ્તારોનો પણ સમાવેશ કરતું રહે છે.

1949માં ત્રિપુરા ભારતમાં ભળ્યું. 1950માં ભારતે અંદમાન નિકોબાર દ્વીપસમૂહનો કબજો મેળવ્યો. અંગ્રેજો અહીં ઍંગ્લો-ઇન્ડિયા તથા ઍંગ્લો-બર્મીઝ લોકોને વસાવવા માગતા હતા. 1954માં ફ્રાન્સે તેના કબજા હેઠળનું પોંડિચેરી ભારતને સોંપી દીધું હતું.

ભારતે સૈન્ય કાર્યવાહી કરીને વર્ષ 1961માં દીવ, દમણ, ગોવા, દાદરા અને નગર હવેલીને ભારતમાં ભેળવી દીધાં હતાં. આ પહેલાં લગભગ 450 વર્ષ સુધી આ પ્રદેશ પૉર્ટુગલના શાસન હેઠળ હતા. જનમત પછી 1975માં સિક્કિમ ભારતમાં ભળી ગયું અને 22મું રાજ્ય બન્યું.

ભાષા આધારે રાજ્યોના પુનર્ગઠન દરમિયાન આંધ્ર પ્રદેશ (1956), કર્ણાટક (ત્યારે મૈસૂર સ્ટેટ 1956), નિકોબાર દ્વીપસમૂહને કેરળમાંથી (1960), ગુજરાત (1960), મહારાષ્ટ્ર (1960), હરિયાણા (1966) અને હિમાચલ પ્રદેશ (1966)ને પંજાબમાંથી અલગ કરાયાં. આ વર્ષે જ ચંદીગઢને હરિયાણા તથા પંજાબની સંયુક્ત રાજધાની જાહેર કરવામાં આવી.

મેઘાલય (1972), મિઝોરમને (1972) આસામમાંથી, મધ્ય પ્રેદશમાંથી છત્તીસગઢને (2000), ઉત્તર પ્રેદશમાંથી ઉત્તરાખંડ (20000), બિહારમાંથી ઝારખંડ (2000), આંધ્ર પ્રદેશમાંથી તેલંગાણા (2014) કંડારવામાં આવ્યાં હતાં.https://www.youtube.com/watch?v=etix4gTGJkw

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
What is RSS's idea of 'Unified India' and its basis?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X