
અપરાધીઓ માટે મુસીબત બનવા જઈ રહેલું ક્રિમિનલ પ્રોસિજર બિલ શું છે? જાણો તેના વિશે તમામ બાબતો!
નવી દિલ્હી : લોકસભામાં ક્રિમિનલ પ્રોસિજર બિલ 2022 પસાર થઈ ગયુ છે. આ વિધેયક ગુનેગારોની ઓળખ અને ગુનાહિત કેસોની તપાસ અને ગુના સંબંધિત કેસોના રેકોર્ડ રાખવાની જોગવાઈ કરે છે. તેમાં ફિંગરપ્રિન્ટ, હાથની છાપ અને પંજાના નિશાન, ફોટોગ્રાફ્સ, આંખો અને રેટિનાના રેકોર્ડ સહિત ભૌતિક-જૈવિક નમુનાઓ અને તેના વિશ્લેષણ સહિત વ્યક્તિઓની ઓળખ માટે યોગ્ય પગલાં લેવાની કાનૂની સ્વીકૃતિ આપે કરે છે. આનાથી ગુનાઓની તપાસ વધુ અસરકારક અને ઝડપથી થઈ શકશે. બીજી તરફ વિપક્ષી સભ્યોએ બિલને સંસદીય સ્થાયી સમિતિમાં મોકલવાની માંગ કરી છે.

આ બિલથી અપરાધ સાબિત કરવામાં ક્રાંતિકારી ફેરફારો થશે
આ બિલ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોને આ રેકોર્ડ એકત્રિત કરવા, સાચવવા, શેર કરવા અને નાશ કરવાની સત્તા આપે છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે લોકસભામાં ક્રિમિનલ પ્રોસિજર બિલ 2022 રજૂ કરતાં કહ્યું કે તેઓ ગૃહમાં ક્રિમિનલ પ્રોસિજર બિલ 2022 લાવ્યા છે અને આ નવું બિલ આઈડેન્ટીફિકેશન ઓફ પ્રિઝનર્સ એક્ટ 1920નું સ્થાન લેશે.

અમિત શાહે લોકસભામાં બિલ રજુ કર્યુ
ગૃહમાં બિલ રજૂ કરતાં અમિત શાહે કહ્યું કે આ બિલથી પુરાવા એકત્ર કરવા અને તપાસના કામમાં મોટી મદદ મળશે. તેમણે કહ્યું કે સરકારે બિલ લાવતા પહેલા રાજ્યો સાથે વિગતવાર ચર્ચા કરી છે. શાહે સભ્યોને વિનંતી કરી કે તેઓ આ બિલને અલગ નહીં પરંતુ આગામી પ્રિઝન એક્ટ મેન્યુઅલના સંદર્ભમાં જોવે.

એજન્સીઓને આરોપીને અપરાધી સાબિત કરવામાં મદદ મળશે
અમિત શાહે કહ્યું કે આ બિલ એજન્સીઓને કોઈપણને દોષી સાબિત કરવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે જ્યાં સુધી દોષિત ઠરાવવાનો પુરાવો ન વધે ત્યાં સુધી દેશમાં કાયદો અને વ્યવસ્થા અને દેશની આંતરિક સુરક્ષા બંનેની સ્થાપના તેમજ મજબૂત અને પુનઃસ્થાપિત કરવી શક્ય નથી. આ ઉદ્દેશ્ય માટે આ બિલને લઈને ગૃહમાં લાવવામાં આવ્યુ છે.

કોંગ્રેસે સ્ટેન્ડિંગ કમિટી પાસે મોકલવાની માંગ કરી
વિધેયક પર ચર્ચા શરૂ કરતા કોંગ્રેસના મનીષ તિવારીએ બિલ લાવવાના ઈરાદા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો અને માંગણી કરી હતી કે તેના અમલીકરણ પહેલા વ્યાપક વિચાર-વિમર્શ માટે તેને સ્થાયી સમિતિને મોકલવામાં આવે. ડીએમકેના સભ્ય દયાનિધિ મારને પણ કહ્યું કે આ બિલને સ્ટેન્ડિંગ કમિટીને મોકલવામાં આવે.

પોલીસને વધુ પડતી સત્તા અને ડેટાની સુરક્ષાના સવાલો ઉઠ્યા
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સભ્ય સુપ્રિયા સુલેએ કહ્યું કે તેમની પાર્ટી બિલને સમર્થન આપે છે પરંતુ તેની કેટલીક જોગવાઈઓ સામે વાંધો છે. બહુજન સમાજ પાર્ટીના દાનિશ અલીએ આરોપ લગાવ્યો કે આ બિલમાં પોલીસને ઘણી સ્વતંત્રતા આપવામાં આવી છે અને તે એવા વ્યક્તિનો પણ ડેટા એકત્ર કરી શકે છે જેને ગુના સાથે કોઈ લેવાદેવા નથી અને પછી તે ડેટાની સુરક્ષાની જવાબદારી કોઈની નહીં હોય.

માત્ર 14 ટકા આરોપીઓને સજા થાય છે
બિલનો વિરોધ કરતાં કોંગ્રેસના ગૌરવ ગોગોઈએ કહ્યું કે સરકારે ખાતરી આપી છે કે બિલની જોગવાઈઓનો દુરુપયોગ નહીં થાય. બિલને સમર્થન આપતાં ભાજપના ડૉ. સત્યપાલ સિંહે કહ્યું કે દેશમાં માત્ર 14 ટકા આરોપીઓને જ દોષિત ઠેરવવામાં આવ્યા છે જ્યારે ઘણાને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવે છે. તેમણે કહ્યું કે આ બિલ માત્ર પુરાવા એકત્ર કરવામાં અને તેમની વૈજ્ઞાનિક તપાસ કરવામાં જ મદદ નહીં કરે પરંતુ માનવ અધિકારોનું પણ રક્ષણ થશે. તમને જણાવી દઈએ કે, આ નવા કાયદા બાદ આઈડેન્ટીફિકેશન ઓફ પ્રિઝનર્સ એક્ટ 1920 નાબૂદ થઈ જશે.

આ બિલના કેટલાક મહત્વના મુદ્દાઓ
આ બિલ અનુસાર, જો કોઈ વ્યક્તિ કોઈ કેસમાં દોષિત, ધરપકડ અથવા અટકાયતમાં લેવામાં આવે છે તો તેણે પોલીસને વ્યવહાર સંબંધી રેકોર્ડ આપવાનો રહેશે. આ બિલ પોલીસ અને જેલ સત્તાધીશોને કાયદાકીય રીતે દોષિત ઠેરવેલા અપરાધીઓના રેટિના અને આઇરિસ સ્કેન સહિતના ભૌતિક અને જૈવિક નમૂનાઓ એકત્રિત કરવા, સંગ્રહિત કરવા અને તેનું વિશ્લેષણ કરવાની મંજૂરી આપે છે. આ રેકોર્ડ 75 વર્ષ સુધી સાચવવામાં આવશે. અમિત શાહે જણાવ્યું કે આ જોગવાઈઓનો ઉપયોગ ફક્ત જઘન્ય અપરાધોના કિસ્સામાં જ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ બિલનો હેતુ દેશની કાયદો અને વ્યવસ્થા અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરવાનો છે.