• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મોદી-શાહ અંગે જસ્ટિસ અકીલ કુરૈશીના ચુકાદા અને પ્રૉમોશનનો પેચ શું છે?

By BBC News ગુજરાતી
|

Click here to see the BBC interactive

દેશના મુખ્ય ન્યાયાધીશ શરદ બોબડેના કાર્યકાળ દરમિયાન દેશની સર્વોચ્ચ અદાલતમાં એક પણ નવી નિમણૂક ન થાય, તેવા સંજોગ ઊભા થયા છે.

મીડિયા અને વકીલોના આલમમાં થઈ રહેલી ચર્ચા મુજબ, સર્વોચ્ચ અદાલતમાં નવી નિમણૂક માટે જવાબદાર કૉલિજિયમની વચ્ચે ત્રિપુરા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અકીલ કુરૈશીની નિમણૂક અંગે સહમતિ નથી સધાઈ.

અકીલ કુરૈશી ગુજરાત હાઈકોર્ટમાં જજ હતા ત્યારે તમણે અમિત શાહને પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા હતા અને લોકાયુક્તની નિમણૂક મુદ્દે રાજ્યની તત્કાલીન મોદી સરકાર વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો.

એ ઘટનાક્રમને ધ્યાને રાખીને 'કદાચ' સરકાર તેમની નિવૃત્તિની રાહ જોઈ રહી છે અને નવું કૉલિજિયમ બને તેની રાહ જોઈ રહી છે.

આ પહેલાં NJACની ગઠનવેળાએ સરકાર તથા સર્વોચ્ચ અદાલત વચ્ચેના ગજગ્રાહને કારણે તત્કાલીન ચીફ જસ્ટિસ એચ.એલ. દત્તુના કાર્યકાળ દરમિયાન સર્વોચ્ચ અદાલતમાં કોઈ જજની નિમણૂક થઈ શકી નહોતી.


મૂળ ગુજરાતના જસ્ટિસ કુરૈશી ને કૉલિજિયમ

સુત્રોને ટાંકતા અંગ્રેજી અખબાર 'ઇન્ડિયન એક્સપ્રેસ'એ દાવો કર્યો છેકે જસ્ટિસ અકીલ કુરૈશીને સર્વોચ્ચ અદાલતમાં નિમવા મુદ્દે કૉલિજિયમમાં સર્વસહમતિ નથી સાધી શકાઈ.

હાલ દેશના મુખ્ય ન્યાયાધીશ શરદ બોબડે ઉપરાંત એન. વી. રમન્ના, રોહિંગ્ટન નરિમાન, યૂ. યૂ. લલિત તથા એમ. એન. ખાવીલકર સભ્ય છે.

દેશના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ માર્કણ્ડેય કાત્જુ પણ તેમની ફેસબુક પોસ્ટમાં આ વાતનો અણસાર આપ્યો હતો, બાદમાં તેમણે એ પોસ્ટ ડિલીટ કરી નાખી હતી.

રિપોર્ટ મુજબ, વરિષ્ઠતાની દૃષ્ટિએ કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અભય ઓક્કા સૌથી સિનિયર છે. જ્યારે અકીલ કુરૈશી બીજા ક્રમે છે.

જસ્ટિસ કુરૈશી માર્ચ-2022માં નિવૃત્ત થશે, જ્યારે જસ્ટિસ ઓક્કા મે-2022માં નિવૃત્ત થશે.

હાલ સુપ્રીમ કોર્ટમાં ચાર જગ્યા ખાલી પડી છે તથા આગામી બે મહિનામાં મુખ્ય ન્યાયાધીશ શરદ બોબડે ઉપરાંત જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રા નિવૃત્ત થશે. આ સિવાય જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ રોહિંગ્ટન નરિમાન તથા નવીન સિંહા પણ ચાલુ વર્ષે જ નિવૃત્ત થશે.

ગુજરાત હાઈકોર્ટ ઍસોસિયેશનના અધ્યક્ષ યતીન ઓઝાના કહેવા પ્રમાણે, "તાજેતરનો ઘટનાક્રમ દુખદ છે. આજે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે કૉલિજિયમમાં જજના મૅરિટ કરતાં એ વાતની ચિંતા વધારે હોય છે કે સરકાર દ્વારા તેનું નામ ક્લિયર થશે કે નહીં."

જો નવી નિમણૂકો નહીં થાય તો અગાઉથી જ કોવિડ-19ને કારણે કેસોના ભરાવાનો સામનો કરી રહેલી અદાલત સામે સંખ્યાબળનો પ્રશ્ન ઊભો થશે.

હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં જજોની પદોન્નતિની બાબતમાં નિમણૂકની તારીખ મહત્ત્વપૂર્ણ બની રહે છે. આથી, સરકાર ઉપર નિમણૂકમાં ઢીલ કરવાના કે ઉતાવળ કરવાના આરોપ લાગતા રહે છે.

બંધારણીય જોગવાઈ મુજબ, હાઈકોર્ટના જજ 62 વર્ષની ઉંમરે નિવૃત થાય છે, જ્યારે સુપ્રીમ કોર્ટના જજ 65 વર્ષની ઉંમરે નિવૃત્ત થાય છે. એટલે જો જસ્ટિસ અકીલ કુરૈશી સર્વોચ્ચ અદાલતમાં નિમણૂક પામે તો તેમનો કાર્યકાળ ત્રણ વર્ષ માટે લંબાઈ જાય.

નિમણૂક જજની વરિષ્ઠતા, લિંગ, સર્વોચ્ચ અદાલતમાં પ્રાંતીય હાઈકોર્ટનું પ્રતિનિધિત્વ તથા નીચલા તબક્કાનું પ્રતિનિધિત્વ જેવી બાબતોને પણ ધ્યાને લેવામાં આવતી હોય છે.

જસ્ટિસ કુરૈશી અને જસ્ટિસ ધીરુભાઈ નારણભાઈ પટેલની ગુજરાત હાઈકોર્ટમાં એકસાથે જ ઍડિશનલ જજ તરીકે નિમણૂક થઈ હતી. જસ્ટિસ પટેલ હાલમાં દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ એમ. આર. શાહ ગુજરાતની હાઈકોર્ટના પ્રતિનિધિ છે.

આ પહેલાં જસ્ટિસ કુરૈશીને ત્રિપુરાના મુખ્ય ન્યાયાધીશ બનાવવામાં આવ્યા, ત્યારે પણ સરકાર અને કૉલિજિયમ વચ્ચે ગજગ્રાહ થયો હતો.


કોણ છે જસ્ટિસ કુરૈશી?

જસ્ટિસ અકીલ કુરૈશીના પિતાજીના નાના અબ્દુલ કાદીર બાવાઝીર દક્ષિણ આફ્રિકામાં રહેતા. ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે તેઓ અને બાવાઝીર નજીક આવ્યા. તેમની નિકટતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે ગાંધીજી તેમને 'સહોદર' કહેતા.

બાવાઝીર ગાંધીજીની સાથે જ ભારત પરત ફર્યા અને સાબરમતી આશ્રમમાં રહ્યા. આશ્રમમાં તેઓ જ્યાં રહેતા તે સ્થળ 'ઇમામ મંઝિલ' તરીકે ઓળખાય છે.

જસ્ટિસ અકીલ કુરૈશીના દાદા ગુલામ રસૂલ કુરૈશી ગાંધીજીની તરુણ ટુકડીના સભ્ય હતા, જેમણે ગાંધીજીની 'દાંડીયાત્રા' પૂર્વે ગામે-ગામે જઈને વ્યવસ્થા કરી હતી.

કુરૈશીના પિતા અબ્દુલહામીદ પ્રખર ગાંધીવાદી હતા અને સાબરમતી આશ્રમના ટ્રસ્ટી હતા. તેમનો જન્મ સાબરમતી આશ્રમમાં થયો હતો અને તેમનું નાનપણ પણ ત્યાં જ પસાર થયું હતું.

આઝાદી સમયે તેઓ નવરંગપુરામાં રહેતા; બાદમાં ફાટી નીકળેલી હિંસામાં તેમનું ઘર સળગાવી દેવામાં આવ્યું હતું અને તેમને સાબરમતી આશ્રમની 'ઇમામ મંઝીલ'માં આશરો લેવો પડ્યો હતો.

અબ્દુલહામિદે સુપ્રીમ કોર્ટ તથા ગુજરાત હાઈકોર્ટમાં પ્રૅક્ટિસ કરી હતી અને આગળ જતાં તેમના પુત્ર અકીલ આ ઉચ્ચ અદાલતમાં ન્યાયાધીશ પણ બન્યા.

અકીલ કુરૈશીનો જન્મ 7 માર્ચ 1960ના દિવસે થયો હતો અને તેમણે બી.એસસી. (ગણિતશાસ્ત્ર)નો અભ્યાસ કરીને પિતાને પગલે વકીલાતનો અભ્યાસ કર્યો.

વર્ષ 1983માં તેમણે એલ.એલ.બી.ની પદવી મેળવી અને વકીલાત શરૂ કરી. માર્ચ-1992થી માર્ચ-1998 દરમિયાન તેઓ કેન્દ્ર સરકારના ઍડિશનલ સ્ટેન્ડિંગ કાઉન્સિલ પદે રહ્યા. ત્યારબાદ જાન્યુઆરી-2000થી ડિસેમ્બર-2001 સુધી તેઓ ગુજરાત હાઈકોર્ટમાં આવકવેરા ખાતાના વકીલ તરીકે રજૂ થયા.

સાતમી માર્ચ 2004માં ગુજરાત હાઈકોર્ટના ઍડિશનલ જજ તરીકે તેમની નિમણૂક થઈ અને ગણતરીના મહિનાઓમાં 12મી ઑગસ્ટ 2005ના તેમને કાયમી કરી દેવામાં આવ્યા.

બૉમ્બે હાઈકોર્ટમાં બદલી પૂર્વે 2 નવેમ્બરથી 14 નવેમ્બર, 2018 સુધી ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ રહ્યા. 16મી નવેમ્બર, 2019ના તેમણે ત્રિપુરા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા.

વરિષ્ઠ વકીલ દુષ્યન્ત દવેના મતે, "જસ્ટિસ અકીલ કુરૈશી ખૂબ જ સારા જજ છે. તેઓ દક્ષ, પરિશ્રમી અને સંનિષ્ઠ જજ છે, તેમની અવગણના ન થવી જોઈએ."


સિનિયૉરિટી, બદલી અને બદલાવ

વર્ષ-2018 ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ આર.સુભાષ રેડ્ડીની સર્વોચ્ચ અદાલતમાં નિમણૂક કરવામાં આવી હતી. એ સમયે સૌથી વરિષ્ઠ જજ એવા જસ્ટિસ અકીલ કુરૈશી કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ બનવા પાત્ર હતા.

તેમના બદલે જસ્ટિસ અનંતકુમાર દવેને મુખ્ય ન્યાયાધીશની નિમણૂક ન થાય ત્યાં સુધી કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમવામાં આવ્યા. જે સ્થાપિત પરંપરાથી વિરુદ્ધ હતું.

જેની સામે ગુજરાત હાઈકોર્ટના વકીલોએ કામથી અળગા રહીને વિરોધ નોંધાવ્યો હતો. કૉલિજિયમ દ્વારા જસ્ટિસ અકીલ કુરૈશીની બદલી બૉમ્બે હાઈકોર્ટમાં કરવામાં આવી હતી, જ્યાં તેમની વરિષ્ઠતા ઘટીને પાંચમા ક્રમે આવી ગઈ.

કૉલિજિયમ દ્વારા અહીંથી તેમની નિમણૂક પહેલાં મધ્ય પ્રદેશ અને પછી ત્રિપુરા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કરવામાં આવી. જોકે, તેની પાછળ પણ નાટ્યાત્મક ઘટનાક્રમ જવાબદાર હતો.

જસ્ટિસ (રિટાયર્ડ) મદન બી. લોકૂરે સમગ્ર ઘટનાક્રમ અંગે પોતાના વિચારલેખમાં લખ્યું હતું : "

"તમામ પાસાંને ધ્યાને લેતા 10 મે (2019)ના રોજ ગુજરાત હાઈકોર્ટના સૌથી વરિષ્ઠ જજ અકીલ કુરૈશીના નામની ભલામણ મધ્યપ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કરવામાં આવી હતી. દરમિયાન ઑગસ્ટ 23મી અને 27મીએ સરકારે બે પત્રો દેશના મુખ્ય ન્યાયાધીશને મોકલ્યા."

"આ સાથે કેટલીક માહિતી પણ મોકલવામાં આવી હતી. જેને ધ્યાને લેતા કૉલિજિયમે તેની ભલામણમાં સુધારો કર્યો અને 5 સપ્ટેમ્બરે ત્રિપુરા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ અકીલ કુરૈશીના નામની ભલામણ કરી."

"પત્રાચાર સાથે મોકલવામાં આવેલી માહિતી કે સામગ્રી અંગે કોઈ વિગતો નથી. શું તેમના વિશે એવી કોઈ ગુપ્ત માહિતી છે કે જેને સાર્વજનિક કરવી એ ન્યાયતંત્રના હિતમાં નહીં હોય?"

પોતાના વિચારલેખમાં જસ્ટિસ (રિટાયર્ડ) મદન બી. લોકૂરે સવાલ ઉઠાવ્યો હતો કે જો જસ્ટિસ અકીલ કુરૈશી ત્રિપુરાની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનવાને પાત્ર છે, તો આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કેમ ન બની શકે?

સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ દુષ્યન્ત દવેના મતે, જસ્ટિસ કુરૈશીની બદલી કરીને કૉલિજિયમે જજોને ખોટો સંદેશ આપ્યો હતો. તેઓ માને છે કે ગુજરાત હાઈકોર્ટના જજ તરીકે અકીલ કુરૈશીએ નરેન્દ્ર મોદી તથા અમિત શાહ અંગે ચુકાદા આપ્યા હતા, જે 'કદાચ' સરકારના વિપરીત વલણ માટે કારણભૂત હોઈ શકે છે.


મોદી-શાહ વિશે ચુકાદા

સોહરાબુદ્દીન શેખ તથા કૌસરબી હત્યા કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશને ગુજરાતના તત્કાલીન રાજ્યકક્ષાના ગૃહમંત્રી અમિત શાહને આરોપી બનાવ્યા હતા. તપાસ એજન્સીએ સી.બી.આઈ. કોર્ટ સમક્ષ અમિત શાહના રિમાન્ડની માગ કરી હતી.

કોર્ટે ઠેરવ્યું હતું કે ચાર્જશિટ દાખલ થઈ ગઈ હોવાથી આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી શકાય, પરંતુ તેમના રિમાન્ડ મંજૂર ન કરી શકાય. જેની સામે સી.બી.આઈ.એ ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવતા જસ્ટિસ અકીલ કુરૈશીની સિંગલ જજની બેન્ચે સાબરમતી જેલમાં બંધ અમિત શાહના બે દિવસના કસ્ટૉડિયલ રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ઑક્ટોબર-2010માં અમિત શાહને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા, પરંતુ પુરાવા સાથે ચેડાં ન કરી શકે કે સાક્ષીઓને પ્રભાવિત ન કરી શકે તે માટે તેમને ગુજરાત બહાર રહેવાના આદેશ આપ્યા.

2014માં સી.બી.આઈ.ની કોર્ટે ભાજપના તત્કાલીન અધ્યક્ષ અમીત શાહને પુરાવાના અભાવે સોહરાબુદ્દીન કેસમાંથી મુક્ત કરી દીધા.

ઑગસ્ટ-2011માં ગુજરાતનાં રાજ્યપાલ કમલા બેનિવાલે જસ્ટિસ આર.એ. મહેતાની લોકાયુક્ત તરીકે નિમણૂક કરી હતી. લગભગ આઠેક વર્ષથી આ પદ ખાલી હોય, રાજ્યપાલે ગુજરાત હાઈકોર્ટના તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ સાથે પરામર્શ કરીને જસ્ટિસ મહેતાની નિમણૂક કરી હતી.

તત્કાલીન મોદી સરકારે ગુજરાત હાઈકોર્ટમાં લોકાયુક્ત તરીકે જસ્ટિસ મહેતાની નિમણૂકને પડકારી હતી. સરકારની દલીલ હતી કે લોકાયુક્તના નામ અંગે મસલતો ચાલુ હતી, ત્યાં જ નિમણૂક કરી દેવાઈ હતી.

આ કેસ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો ત્યારે જસ્ટિસ કુરૈશીએ આ નિમણૂકને બહાલ રાખી હતી. ગુજરાત સરકારે તેની સામે સર્વોચ્ચ અદાલતના દ્વાર ખખડાવ્યા હતા. સુપ્રીમ કોર્ટે પણ આ નિમણૂકને યથાવત્ રાખી હતી.

આ ઘટનાક્રમ રાજ્યની મોદી સરકાર માટે લપડાકરુપ હતો. હાલ નરેન્દ્ર મોદી દેશના વડા પ્રધાન છે અને અમિત શાહ દેશના ગૃહમંત્રી છે, તેમને સરકારમાં 'નંબર-ટુ' માનવામાં આવે છે.

મે-2018માં ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે અકીલ કુરૈશીએ આણંદ જિલ્લાના ઓડ હત્યાકાંડમાં 14 લોકોની આજીવન કેદની સજાને બહાલ રાખી હતી.

ગોધરાકાંડ બાદ રાજ્યભરમાં ફાટી નીકળેલા હુલ્લડોની આગે ઓડને પણ દઝાડ્યું હતું, જ્યાં 23 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે જે નવ કેસની તપાસ કરી હતી, તેમાં ઓડ હત્યાકાંડ પણ સામેલ હતો.


કૉલિજિયમ વ્યવસ્થા શું છે?

તા. છઠ્ઠી ઑક્ટોબર 1993ના તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ જે.એસ. વર્માના નેતૃત્વમાં નવ જજોની બંધારણીય ખંડપીઠે ઠેરવ્યું હતું કે ન્યાયપાલિકાએ કાર્યપાલિકાથી ઉપર છે. આથી, ઉચ્ચ અદાલત તથા સર્વોચ્ચ અદાલતમાં જજોની નિમણૂક તથા તેમની બદલી તથા શિસ્તને લગતી કામગીરી 'કૉલિજિયમ' પાસે હોવી જોઇએ.

સુપ્રીમ કોર્ટના કૉલિજિયમમાં દેશના મુખ્ય ન્યાયાધીશ સહિત પાંચ સૌથી વરિષ્ઠ જજ હોય છે. જે સુપ્રીમ કોર્ટ તથા રાજ્યોની હાઈકોર્ટોમાં જજોની નિમણૂક અને બદલીનું કામ કરે છે.

સામાન્ય પરંપરા મુજબ રાજ્યોની હાઈકોર્ટોના મુખ્ય ન્યાયાધીશોની સુપ્રીમ કોર્ટમાં પદોન્નતિ થાય છે, આ સિવાય વરિષ્ઠ વકીલને પણ સર્વોચ્ચ કે ઉચ્ચ અદાલતમાં નીમી શકાય છે.

રાજ્યોની હાઈકોર્ટોનાં કૉલિજિયમમાં જે-તે રાજ્યના મુખ્ય ન્યાયાધીશ ઉપરાંત બે સૌથી સિનિયર જજ બેસે છે અને સુપ્રીમ કોર્ટની કૉલિજિયમને ભલામણ મોકલે છે.

સામાન્ય રીતે કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટની કૉલિજિયમની ભલામણો સ્વીકારે છે અને નામો રાષ્ટ્રપતિ કાર્યાયલને મોકલી આપે છે, જેઓ હોદ્દાની રુએ તેમની નિમણૂક કરે છે.

ઇન્ટેલિજન્સ બ્યૂરોના રિપોર્ટ કે અન્ય અપવાદરુપ સંજોગોમાં સરકાર કારણ સાથે કૉલિજિયમને નામ પરત મોકલે છે. કૉલિજિયમ જરૂર પડ્યે વધુ કે પૂરક વિગતો માગી શકે છે.

આ બાદ પણ જો કૉલિજિયમ ફરી એ નામની ભલામણ કરે, તો સરકાર તેને માનવા માટે બાદ્ય રહે છે. આ સંજોગોમાં સરકાર કોઈ નામો ઉપર નિર્ણય લેવાને બદલે તેની ઉપર વિચારણા હાથ નથી ધરતી.

ભલામણ કરેલા નામની ઉપર કેટલા સમયમાં નિર્ણય લેવો તે અંગે કોઈ નિર્ધારિત સમયમર્યાદા નથી, તેથી ઢીલ થતી રહે છે.

વર્તમાન સંજોગોમાં કેન્દ્ર સરકાર કૉલિજિયમના સભ્યોમાં ફેરફારની રાહ જોતી હોય તેમ જણાય છે. સુપ્રીમ કોર્ટ અગાઉ પણ આ પ્રકારની ઢીલ સામે લાલ આંખ કરી ચૂકી છ

દેશના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ તાજેતરમાં ઇન્ડિયા ટુડેના કૉન્ક્લેવમાં કહ્યું :

"ઉચ્ચ અદાલતોમાં પૉલિટિકલ ઍક્ઝિક્યુટિવ (સરકારના સંદર્ભમાં)ની ભૂમિકાની ચર્ચા થતી રહે છે. શા માટે તેઓ નિમણૂકોની ફાઇલો ક્લિયર નથી કરતા? દેશની અડધા કરતાં વધુ હાઈકોર્ટો તેની માન્ય સભ્યસંખ્યા કરતાં અડધી સંખ્યામાં કામ કરે છે."

"શું આ કામ એટલું મુશ્કેલ છે? આવી બાબતોને ધ્યાને લેવાની જરૂર છે."

જસ્ટિસ ચેલમેશ્વર જ્યારે સુપ્રીમ કોર્ટમાં હતા, ત્યારે તેમણે જજોની પસંદગી માટેની 'કૉલિજિયમ વ્યવસ્થા' ઉપર સવાલ ઉઠાવ્યા હતા અને જજોની નિમણૂક પ્રક્રિયામા પારદર્શકતા લાવવાની માગ કરી હતી.

જસ્ટિસ ચેલમેશ્વરનું કહેવું હતું, "રાષ્ટ્રપતિ, વડા પ્રધાન - આ દરેક પદની જવાબદારી નક્કી છે, ત્યારે મુખ્ય ન્યાયાધીશના પદ સાથે કેમ નહીં?" એટલે જ તેમણે NJAC અંગે સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેન્ચના ચુકાદામાં 'ડિસન્ટ ઑર્ડર' લખાવ્યો હતો.


કૉલિજિયમની જગ્યાએ NJAC

મે-2014માં પ્રથમ વખત નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એન.ડી.એ.ની સરકાર બની, તેના ત્રણ માસની અંદર સરકારે બંધારણનો 121મો સુધાર રજૂ કર્યો હતો અને નેશનલ જ્યુડિશિયલ ઍપૉઇન્મૅન્ટ કમિશન ઍક્ટ પસાર કરાવ્યો હતો.

એ કાયદાની જોગવાઈઓ મુજબ ઉચ્ચતમ તથા ઉચ્ચ અદાલતોમાં જજોની નિમણૂક તથા તેમની બદલીની સત્તા કૉલિજિયમ પાસેથી લઈને જ્યુડિશિયલ કમિશનને આપવામાં આવી હતી.

આ પંચને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો હતો. હોદ્દાની રુએ તેમાં દેશના મુખ્ય ન્યાયાધીશ તથા બે વરિષ્ઠતમ જજો અને કાયદામંત્રી સમાવિષ્ટ હતા.

આ સિવાયનના બે સભ્ય દેશના મુખ્ય ન્યાયાધીશ, વડા પ્રધાન તથા વિપક્ષના નેતા પરામર્શ કરીને નક્કી કરે, તેવી જોગવાઈ કરવામાં આવી હતી. દેશના એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. તથા મહિલાને પ્રતિનિધિત્વ મળે તેવી રીતે ત્રણ વર્ષ માટે સભ્યની નિમણૂક કરવી અને તેમની પુનઃનિયુક્તિ ન કરવી એવી જોગવાઈ કરવામાં આવી હતી.

લોકસભામાં કૉંગ્રેસના ટેકાથી એ ખરડો સર્વાનુમત્તે પસાર કરવામાં આવ્યો હતો, જ્યારે રાજ્યસભામાં ધ્વનિમતથી બહુમતીથી પસાર કરવામાં આવ્યો હતો. જરૂરી 16 રાજ્યોની વિધાનસભાએ પણ મંજૂરીની મહોર મારી દીધી હતી.


બેન્ચના ચાર જજોથી વિપરીત જસ્ટિસ ચેલમેશ્વરે NJAC ગેરબંધારણીય ન હોવાનું ઠેરવ્યું હતું

આ કાયદા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી અને વકીલમંડળ વતી વરિષ્ઠ વકીલ ફલી નરિમાને પોતાની દલીલો રજૂ કરી હતી, જ્યારે સરકાર વતી ઍટૉર્ની જનરલ મુકુલ રોહતગીએ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.

સરકારે માગ કરી હતી કે નવ જજોની ખંડપીઠે કૉલિજિયમ વ્યવસ્થાને લાગુ કરી હતી, ત્યારે પાંચ જજોની બંધારણીય ખંડપીઠને બદલે 11 જજોની બેન્ચે તેની સુનાવણી કરવી જોઈએ.

ડિસેમ્બર-2014માં તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ તેની ઉપર મંજૂરીની મહોર મારી અને એપ્રિલ-2015માં નવો કાયદો લાગુ થયો, પરંતુ સર્વોચ્ચ અદાલતમાં સુનાવણી ચાલી રહી હોવાથી કોઈ નવી નિમણૂક ન થઈ શકી.

અંતે, ઑક્ટોબર-2015માં ચાર વિરુદ્ધ એકના મતથી આ બંધારણીય સુધાર અને NJACને નિરસ્ત કરી દેવાયો હતો.

અદાલતે કૉલિજિયમ વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવવાની, જરૂર પડ્યે નિમણૂક મુદ્દે અલગ સચિવાલય બનાવવાની, નિમણૂક માટેની લાયકાત નક્કી કરવી તથા કોઈ નિમણૂક સામે ફરિયાદની વ્યવસ્થા કરવી વાત કહી હતી.

તત્કાલીન નાણામંત્રી અને વરિષ્ઠ વકીલ અરુણ જેટલીએ એવો મત વ્યક્ત કર્યો હતો કે વિશ્વમાં ક્યાંય પણ જજ દ્વારા જ જજની નિમણૂંક કરવામાં આવે, એવી વ્યવસ્થા નથી.

યતીન ઓઝાના મતે, "કૉલિજિયમ ઇચ્છે તે જજની નિમણૂક ન કરી શકતું હોય તો બહેતર છે કે 1993 પહેલાંની વ્યવસ્થા બહાલ કરવી જોઇએ અને સરકાર જ જજોની નિમણૂક કરે, જેથી વકીલોને પણ ખ્યાલ રહે કે કેવા જજની સામે દલીલો કરવાની છે."

ઉલ્લેકનીય છે કે બંધારણના અનુચ્છેદ 124માં સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટમાં જજોની નિમણૂક, તેમના મહેનતાણા તથા નિવૃત્તિ સહિતની જોગવાઈઓ કરવામાં આવી છે.


CJI 'મુખ્ય' ન્યાયાધીશ

દેશના મુખ્ય ન્યાયાધીશ એ 'સમાન અધિકારવાળા જજોમાં પહેલા છે, ન અન્યથી વધારે કે ન અન્યથી કમ.' સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રાર સર્વોચ્ચ ન્યાયાધીશના આદેશ પ્રમાણે રોસ્ટર બનાવે છે.

રોસ્ટર એટલે કે એવી યાદી, જેમાં કયો કેસ કઈ બેન્ચ પાસે જશે અને તેની ઉપર ક્યારે સુનાવણી થશે. આ અધિકારને કારણે CJIને 'માસ્ટર ઑફ રૉસ્ટર' પણ કહેવામાં આવે છે.

નવેમ્બર-2017માં તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાએ ઠેરવ્યું હતું કે મુખ્ય ન્યાયાધીશ જ 'માસ્ટર ઑફ રૉસ્ટર' રહેશે અને જ્યાર સુધી તેઓ કોઈ જજને કેસ ન ફાળવે, ત્યાં સુધી તેઓ સુનાવણી હાથ ન ધરી શકે.

વરિષ્ઠ વકીલ દુષ્યન્ત દવેના કહેવા પ્રમાણે, 'કૉલિજિયમ વ્યવસ્થાથી દેશને શ્રેષ્ઠ જજ નથી મળ્યા, તેથી તેની ઉપર વિચાર થવો જોઈએ, પરંતુ કમનસીબે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપણી પાસે નથી.'

https://youtu.be/Di4QoDmVJ28

https://youtu.be/pEWghuehs-g

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
What is the patch of Justice Akil Qureshi's verdict and promotion regarding Modi-Shah?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X