• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વાંચો : નરેન્દ્ર મોદીએ ફિક્કી ફ્લોમાં શું સંબોધન કર્યું?

|

નવી દિલ્હી, 8 એપ્રિલ : આજે નવી દિલ્હીના તાનસેન માર્ગ પર આવેલા ફેડરેશન હાઉસ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ફિક્કી ફ્લોને સંબોધન કર્યું હતું. ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI)ની મહિલા પાંખ ફિક્કી લેડિઝ ઓર્ગેનાઇઝેશન (FLO)ને સંબોધન કરતા સમયે તેમણે મહિલાઓના વિકાસ અને બિઝનેસના ક્ષેત્રમાં તેમની સૂઝ અંગે વાત કરી હતી. આ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી ઉપરાંત ફિક્કી ફ્લોના અધ્યક્ષ કવિતા વરદરાજ, ફિક્કીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ સિધ્ધાર્થ બિરલાએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 'Unleash the Entrepreneur Within: Exploring New Avenues' (તમારી અંદરની ઉદ્યોગસાહસિકતાને છૂટ્ટો દોર આપો : નવી સિધ્ધિઓ હાસિલ કરો) વિષયને કેન્દ્રમાં રાખીને સંબોઘન કર્યું હતું.

નરેન્દ્ર મોદીનું સંબોધન

હવે ફ્લોનું નેતૃત્વ સંભાળવાની છે તે માલવિકાજી, કવિતાજી, બહેનો અને અહીં તહીં જોઇ રહેલા સૌ ભાઇઓ, હું સૌથી પહેલા આપની ક્ષમા માંગુ છું કે આ કાર્યક્રમ અગાઉ 11મીએ યોજાવાનો હતો. મને 11મીએ આવવા જણાવ્યું હતું. પણ 11મીથી નવરાત્ર શરૂ થાય છે તેથી તેમાં વ્યસ્ત રહીશ. એના કારણે આપને તારીખ બદલવી પડી, સ્થળ બદલવું પડ્યું. લોકોએ ઉભા રહેવું પડે છે, તકલીફ થાય છે તે માટે ક્ષમા ચાહું છું.

આજે મને નવો અનુભવ થયો તેની વાત કરીશ અને તેની ઝલક મારા ભાષણમાં પણ જોવા મળશે. આ મારું એવું પ્રવચન છે કે જેને આપતા પહેલા ફેસબુક અને ટ્વિટર પર આપ સાથે સંકલાયેલી અનેક મહિલાઓએ મારો સંપર્ક કર્યો, મને પ્રશ્નો પૂછ્યા અને સૂચન પણ આપ્યા. મને ખુશી છે કે તેમણે સામાન્ય મુદ્દાઓ, જેન્ડર ઇશ્યુ પર વાત કરી. હું સોશિયલ મીડિયાનો આભારી છું કે આટલી મોટી સંખ્યામાં બહેનો સાથે જોડાઇ શક્યો. હું કાલે કોલકતા જઇ રહ્યો છું. હું ઇચ્છું છું કે આ મુલાકાત અંગે પણ આપ મને સૂચનો મોકલો. હું તેને નોંધમાં લઇશ.

આપણા દેશ આપણી સાંસ્કૃતિક પરંપરા અને વિરાસતમાં માતાનું સ્થાન સૌથી ઉપર રહે છે. માતા શબ્દ સાંભળતા જ શ્રદ્ધાનો ભાવ પ્રગટે છે. જ્યાં પવિત્રતા અને શુદ્ધતા છે ત્યાં આપણને માતાના દર્શન થાય છે. ગંગા કે ભારત દેશ પ્રત્યે શ્રદ્ધા છે તો તેમને માતા કહીશું. આ રીતે સદીઓથી આપણા દેશમાં માતાનું સ્થાન, નારીનું સ્થાન સર્વોપરી માનવામાં આવ્યું છે. તેમાં કોઇ દુવિધા નથી રહી.

આપણા 1000 -1200 વર્ષના ગુલામી કાળમાં કેટલીક બદીઓ આવી. અઢારમી સદીમાં બાળકીને દૂધ પીતી કરવામાં આવતી હતી. અહીં સુધી આપણી વિકૃતિ પહોંચી છે. દેશ આઝાદ થયો ત્યારે લાગતું હતું કે માતૃગૌરવને દુનિયા સમક્ષ મુકીશું. પણ આધુનિકતાની સાથે સામાજીક દુષણો વધતા ગયા. ક્યારેક એમ લાગે છે કે આપણે 18મી સદીથી પણ પાછળ ચાલ્યા ગયા છીએ.

18મી સદીમાં તો માતાને દીકરીનું મોઢું જોવા મળતું હતું. પણ આજે 21મી સદીમાં માતાના પેટમાં જ દીકરીને મારી નાખવામાં આવે છે. ગર્ભપાત કરાવવામાં પુરુષ કે માતા પાછળ રહેતી નથી. આ સ્થિતિ મારા રાજ્યમાં પણ છે. વર્ષ 2001ના સેન્સસને મેં જ્યારે 2004માં મેળવીને જોયો તો મારા રૂંવાડા ઉભા થઇ ગયા. રડીએ તો કોની સામે રડીએ? કહેવું તો કોને કહેવું? આ દર્દ, આ પીડા શું 21મી સદીમાં અમને મસ્તક ઉઠાવીને જીવવાની તાકાત આપે છે? ત્યારે જઇને સમજાય છે કે આધુનિક હિન્દુસ્તાનની રચના માટે માતૃશક્તિનું ગૌરવ હોવું જરૂરી છે.

સમાજજીવનની સ્થિતિઓ બદલવી પડશે. આપણે સૌએ તેમાં મહેનત કરવી પડશે. દીકરો - દીકરી વચ્ચેના ભેદનો સમય પૂરો થઇ ગયો છે. મેં એવા પરિવારો જોયા છે કે જેમની પાસે સુખ વૈભવ હોય પણ માતા-પિતાને રાખવા જગ્યા ના હોય તેવા પરિવાર મેં જોયા છે. મેં આવી દીકરીઓ જોઇ છે, જેમણે ઘડપણમાં માતા-પિતાને એકલતા મહેસૂસ ના થાય તે માટે લગ્ન કરવાની ના પાડી. દીકરીએ માતા પિતાની શાન વધારવાનું કામ કર્યું. સમાજ તરીકે આપણે તે શક્તિને ઓળખવી ના જોઇએ?

આજે જીવનનું કોઇ પણ ક્ષેત્ર જુઓ, મહિલાઓને જ્યાં પણ તક મળી છે પુરુષો કરતા બે ડગલાં આગળ નીકળી ગઇ છે. આપણે તે કામ કરવાનું છે. ત્યારે સ્વસ્થ સમાજનું નિર્માણ થશે. સમાજનું સંતુલન ખોરવાઇ રહ્યું છે. છોકરીઓ કરતા છોકરાઓની સંખ્યા વધી છે. ત્યારે તેને સુધારવાની જરૂર છે.

નારી શક્તિનો ધોધ છે. પુરુષોની જેમ ચાર રસ્તે પોતાની શક્તિ નથી બતાવતી. તે પોતાની શક્તિનો સંચય કરે છે અને યોગ્ય સમયે તેનો ઉપયોગ કરે છે. આપણે જોયું છે કે મહિલાઓ રોટલી કરતા સમયે વરાળ ચંપાય તો પતિ આવીને પંપાળે, પતિનું ધ્યાન તે તરફ જાય તેવા પ્રયાસ કરે છે. જો પતિનું ધ્યાન ના જાય તો ચા-પાણી આપતા સમયે ધ્યાન જાય, અને પતિ બે શબ્દ બોલે તેવી આશા રાખે છે. પતિ એમ વિચારે છે કે સહેજ ચંપાયું છે ને ક્યારની ક્રીમો લગાવે છે.

જ્યારે સાડીઓનું સેલ લાગે છે ત્યારે સાંભળે કે મહોલ્લામાં આગ લાગે ત્યારે બધું જ છોડીને ભાગે છે. આગ બુઝાવવાની કોશીશ કરે છે. પોતાના બાળકો તેમાં હોય તો આગની જ્વાળામાં કૂદીને પોતાના બાળકોને જીવતા બહાર લાવવા પ્રયત્ન કરે છે. આપણે જ્યાં સુધી આ શક્તિને નહીં જાણીએ ત્યાં સુધી સ્થિતિ બદલાશે નહીં. એક વાર શક્તિ અને તેના સામર્થ્યને જાણી લઇશું તો તેમાં બદલાવ આવશે.

મહિલાઓનું સન્માન જાળવવા માટે સમાન વિચાર હક મળે તે જરૂરી છે. તેને સશક્ત બનાવવી જોઇએ. મહિલાઓ ઉદ્યોગસાહસિક બને તે માટે જરૂરી છે કે તે સશક્ત બને. (When we talk on Empowerment of women, till we do not empower, there are no chance of entrepreneurship)ગુજરાતમાં ભૂકંપ બાદ અમે ત્યાં ગયા. ત્યાં નિયમ બનાવ્યો કે મકાનમાં પ્રથમ નામ મહિલાઓનું રહેશે.

મહિલાઓ કંઇ કરવા માંગે ત્યારે તેમને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અમે નિર્ણય લીધો કે મહિલાઓના નામે પ્રોપર્ટી ખરીદાય તો સ્ટેપ ડ્યુટી રદ કરવામાં આવી. આ કારણે સરકારને 500-600 કરોડનો ફટકો પડ્યો. પણ આર્થિક સ્વતંત્રતા વિના તે શક્ય નથી. અમે શાળાઓમાં બાળકના પ્રવેશ સમયે માતાનું નામ લખાવવાનો આદેશ આપ્યો.

લગભગ 8-9 વર્ષ પહેલા ડાકોરમાં કેટલીક બહેનો મને મળવા આવી. રિઝર્વેશનના કારણ ડાકોરમાં મહિલા સરપંચ બનવાની હતી. ગામે નિર્ણય લીધો કે આ વર્ષે શા માટે પાંચ વર્ષ માટે બધો કાર્યભાર બહેનોને સોંપી દેવામાં આવે. બધી જ બોડી મહિલાઓની મળી. મેં તેમની સાથે વાત કરી, તેમને પૂછ્યું કે તમારા મનમાં શું છે, ગામ માટે શું કરવા માંગો છો. તેમણે કહ્યું અમને 5 વર્ષની તક મળી છે. અમે એવું કરવા માંગીએ છીએ કે ગામમાં કોઇ ગરીબ ના રહે.

હું એ બહેનોથી ખૂબ પ્રભાવિત થઇ ગયો. હું માનું છું કે આનાથી વધારે મોટો કોઇ એજન્ડા ના હોઇ શકે. અમે સરકારમાં યોજના બનાવી. જે ગામમાં બધી જ મહિલાઓ પંચાયતમાં હોય તેમને સ્પેશ્યલ સ્ટેટસ અપાશે, ખાસ ગ્રાન્ટ અપાશે. આજે આવા 300 ગામ છે. અમારો અનુભવ એવો થયો છે કે માતા - બહેનો ઉત્તમ રીતે શાસન ચલાવી શકે છે. કેટલાક ગામોએ બીજી ટર્મમાં પણ આવું જ કર્યું છે. મારા ગુજરાતમાં એક એક ગામની પાસે 2-5 કરોડની ગ્રાન્ટ વિકાસ માટે મળે છે. પહેલા તો ધ્વજવંદન માટે નો ધ્વજ પણ સરપંચે પોતાના ખિસ્સામાંથી લાવવો પડતો હતો.

આવા અનેક ઉદાહરણો છે જેનાથી ધ્યાનમાં આવે છે કે આપણા બધામાં ઉદ્યોગસાહસિકતાની હિંમત રહેલી છે. તેમને યોગ્ય તક, સાધનો મળે તો મહિલાઓ સારું કામ કરી શકે છે. આ શક્તિઓ કેવી રીતે ખીલે તે અંગે વિચારવું જોઇએ. ભારતના વિકાસ દરની ચર્ચા થાય છે. ઘણીવાર તેમાં નિરાશા સાંપડે છે. આજે આપણે જ્યાં છીએ ત્યાં આપણી માતૃશક્તિનું ઓર્ગેનાઇઝેશન લેવલે જે ઇન્વોલ્વમેન્ટ છે તે ઓછું છે. ભારત વિકાસમાં જ્યાં અટક્યું છે ત્યાંથી આગળ ખેંચી જવામાં મહિલાઓ સક્ષમ છે.

પશ્ચિમી લોકોની સમજણ એવી છે કે ભારતીય મહિલાઓ ઘરેલું છે. હું તેમની સાથે સહમત નથી. ભારતના કોઇ પણ આદિવાસી વિસ્તારમાં જજો. તેની આર્થિક બાબતો મહિલાઓ પાસ હોય છે. ડેરી ઉદ્યોગમાં મહિલાઓ આગળ છે. આનો અર્થ એવો નથી કે ભારતના આર્થિક વિકાસમાં મહિલાઓ ક્યાંય નથી. આમ છતાં નિર્ણય લેતા સમયે તેનું સાભળવામાં આવતું નથી.

મહિલાઓને નિર્ણય પ્રક્રિયામાં જોડવી જોઇએ. તેમની ભાગીદારી નિર્ણય પ્રક્રિયામાં વધશે, તેટલી તેમની શક્તિ વધશે. જેમ કે પીઝા હટની સામે કોઇ ટકી શકે? અમદાવાદમાં જસુબેનના પીઝા વધારે લોકપ્રિય છે. તે પીઝા હટને બદલે જસુબેનના પીઝાને ખાય છે. આજે શું થશ? મીડિયાના મિત્રો અમદાવાદ જશે, શોધશે કે જશુબેન કલાવતીબેન જેવા તો નથીને? હું મીડિયાને કહી દઉં કે તેઓ પાંચ વર્ષ પહેલા અવસાન પામ્યા. પુનામાં તેમણે અંતિમ શ્વાસ લીધા.

તમે ફાઇવ સ્ટાર હોટેલમાં જાય ત્યારે મેનુમાં સલાડ હોય તો તેમાં દહીં લખ્યું હોય છે પણ અમૂલ કે મધર ડેરી એવું લખેલું નથી હોતું. પણ મેનુમાં લિજ્જત પાપડ લખ્યું હોય છે. ગુજરાતની આદિવાસી બહેનોએ 80 રૂપિયાની લોન લઇને શરૂ કરેલો પ્રયાસ હતો જે આજે વિશ્વ સ્તરે પહોંચ્યો છે. ઇન્દુબહેન ખાખરાવાળાનું પણ આવું જ ઉદાહરણ છે. ખાદ્ય ક્ષેત્રમાં તેમણે પોતાનું નામ કમાયું છે.

ક્યારેક નવી સિદ્ધિઓની વાત થાય છે. કેવી રીતે નવું પ્રોફેશનાલિઝ્મ આવ્યું છે તે જોવું જોઇએ. સરકાર સુવિધાઓ આપે છે. જ્યારે સમાજ શક્તિઓને ઓળખી તેને આગળ વધારવાનો પ્રયાસ કરે છે. આ માટે મને નવા ક્ષેત્ર તરીકે સામાજિક સેવાના ક્ષેત્રમાં આગળ વધી શકાય. કોઇ પણ કંપની પોતાના ઘરની બહેનોને સીએસઆરનું કામ સોંપે તો સારી કામગીરી થઇ શકે છે.

અમે આ સંદર્ભમાં નવી યોજના બનાવી છે. અમારી પાસે 1600 કિલોમીટર લાંબો કિનારો છે. માછીમાર બહેનો પાસે ઉદ્યોગસાહસિકતા હોય જ છે. પણ સીઝન ના હોય ત્યારે તેઓ 6 મહિના બેકાર રહે છે. અમે સી બીડનો પ્રયોગ કર્યો છે. તે વિવિધ ક્ષેત્રમાં કામ લાગે છે. તેનો બહુઉપયોગ છે. આ મોડેલ મહિલાઓની મદદથી અમલમાં મૂકાયું છે.

અમારે ત્યાં એક ગામની સખીમંડળની બહેનોએ એક જૂથ બનાવ્યું અને કેટરિંગ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો. તેમણે ડ્રેસ સીવડાવી માત્ર પીરસવાનું કામ શરૂ કર્યું. તેમની પાસે સારી ક્વોલિટીનું કામ આવ્યું. સમાજનો મોટો તબક્કો છે જેમની પાસે કોઇકને કોઇક કામ છે.

ગાંધીજીનું જીવન ચરિત્ર વાંચ્યું હોય તો ગંગાબાનો ઉલ્લેખ છે. તે 14 વર્ષની વયે વિધવા થયા. 19મી સદીના આરંભમાં તેમનું જીવન કઠિન હતું. તેમણે સમાજના નિયમોનું પાલન કરીને પોતાનું જીવન આગળ વધાર્યું. ગાંધીજી આફ્રિકાથી આવ્યા. તેમને ગંગાબા વિશે સાંભળ્યું અને તેમને મળ્યા. ગાંધીજીને ચરખો આપવાનું કામ ગંગાબાએ કર્યું હતું. ઉદ્યોગસાહસિકતા માટે ગંગાબાથી મોટું ઉદાહરણ શું હોઇ શકે. અમારે ત્યાં તેમના નામથી એવોર્ડ આપવાનું શરૂ કર્યું છે.

આપણે આસ પાસ જોઇશું તો અઢળક તકો પડેલી છે. આપણે તેના ઉપયોગથી ઇચ્છિત પરિણામો મેળવી શકીએ છીએ. આપણે ભારતના ભાગ્યને બદલવામાં ભારતની માતૃશક્તિનું સામર્થ્ય મેળવી શકશે. મારું એક સૂચન માલવિકાજીને છે કે ફિક્કી ફ્લો દ્વારા એક સારી એડિટોરિયલ ટીમ બનાવી ઉદ્યોગસાહસિકતામાં મહિલાઓએ કેવું યોગદાન આપ્યું છે તે અંગેની એક અલગ વેબસાઇટ બનાવી શકાય અથવા એક પુસ્તક રજૂ કરી શકાય. આનાથી ઘણાને પ્રેરણા મળશે. આજની ટેકનોલોજીથી તે સરળ છે.

એક મહિલા ફોટોગ્રાફર હતા. હોમાઇ વ્યારાવાલા તેમનું નામ છે. હાલમાં જ 100 વર્ષની વયે તેઓ અવસાન પામ્યા. આ માટે જ નાની નાની બાબતોનું ધ્યાન રાખીએ તો આગળ વધવાની તક મળશે, પ્રેરણા મળશે.

English summary
Gujarat Chief Minister Narendra Modi spoke at the FICCI on Monday. He stressed the magic of women power and gave a whole lot of examples to substantiate his case. He particularly championed women's contribution in the progress of his state Gujarat. He spoke on the empowerment of women. Amid all the feminist talks, the BJP leader also took mild digs at the rivals Congress.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X