જ્યારે હંસતા હંસતા વાજપેયીએ કહ્યું- તો તાં પાકિસ્તાનમાં પણ ચૂંટણી જીતી જઈશું
1999માં કારગિલ યુદ્ધ થયું અને ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ એકદમ બંધ હતું. ભારતે લાંબા સમય સુધી પોતાના આ પાડોસી સાથે ક્રિકેટ ન રમ્યું. પછી મોકો મળ્યો વર્ષ 2004માં, જ્યારે તત્કાલિન પીએમ અટલ બિહારી વાજપેયીએ બંને દેશના સંબંધ સુધારવા માટે રસ્તો પસંદ કર્યો ક્રિકેટનો. તે વર્ષે જ વાજપેયી પાકિસ્તાનમાં સાર્ક સમિટ માટે ગયા અને તે બાદ ભારત સરકારે સૌરવ ગાંગુલીની કપ્તાની વાળી ટીમને પાકિસ્તાન જઈ ત્રણ ટેસ્ટ મેચ અને પાંચ વનડે મેચની સીરીઝ રમવાની મંજૂરી આપી દીધી. આ સીરીઝ ભારતીય ટીમના 19 વર્ષના લાંબા અંતરાલ બાદ થઈ રહી હતી.

વાજપેયીજીનું મહત્વપૂર્ણ પગલું
અટલ બિહારી વાજપેયીના આ પગલાંને સરહદની બંને બાજુ વખાણવામાં આવ્યું. તે પ્રવાસ એટલો પોપ્યુલર થયો કે એ સીરીઝમાં એક-એક પ્લેયરની એક-એક ઈનિંગને આજે પણ યાદ કરવામાં આવે છે. પછી તે વીરેન્દ્ર સહેવાગ માટે 309 રનની ઈનિંગ હોય કે પછી સચિન, દ્રવિડ અને ગાંગુલીનું શાનદાર પ્રદર્શન હોય. સૌથી ખાસ એ વાત રહી કે ટીમ ઈન્ડિયાએ વનડે અને ટેસ્ટ સિરીઝ જીતી હતી. ટીમ સાથે ટીમ મેનેજર તરીકે પાકિસ્તાનના પ્રવાસે ગયેલ રત્નાકર શેટ્ટીએ વાજપેયીને યાદ કરતા ઈન્ડિયન એક્સપ્રેસને કહ્યું કે પ્રધાનમંત્રી વાજપેયીનો ટીમ ઈન્ડિયાને સંદેશ હતો કે રમત જ નહિ, દિલ પણ જીતો.

પાકિસ્તાનીઓએ પણ વખાણ કર્યાં
રત્નાકર જણાવે છે કે જ્યારે ટીમ પાકિસ્તાન પહોંચી હતી તો વાજપેયીના આ પગલાંનાં પાકિસ્તાનીઓએ પણ વખાણ કર્યાં હતાં. સૌકોઈ ક્રિકેટ સંબંધ સુધારવા માંગતા હતા. રત્નાકર શેટ્ટી કહે છે કે, ટીમ પહેલા હું સુરક્ષાના અહેવાલ લેવા પાકિસ્તાન ગયો હતો. તે સમયે લોકો એરપોર્ટ, રસ્તા અને પબ્લિક પ્લેસ પર વાજપેયી જીની તસવીરો લઈને ઉભા હતા. આ વાત જ્યારે મેં વાજપેયીજીને જણાવી કે પાકિસ્તાની લોકો તમારાથી કેટલા ખુશ છે, તો તેમણે હંસતા હંસતા કહ્યું- તો તાં પાકિસ્તાનમાં પણ ચૂંટણી લડવી સહેલી થશે.

આપ્યો ખાસ સંદેશ
પાકિસ્તાનના પ્રવાસ પર જતા પહેલા પ્રધાનમંત્રીને મળવા ટીમ તેમના આવાસ પર પહોંચી હતી. તે સમયે વાજપેયીજીએ ટીમ સાથે કલાકો સુધી વાતો કરી અને ટીમને બેટ ગિફ્ટ કર્યું હતું, જેના પર લખ્યું હતું કે- ખેલ જ નહિ, દિલ પણ જીતો- શુભકામના. શેટ્ટીએ એમ પણ જણાવ્યું કે જ્યારે ટીમે પાકિસ્તાનમાં જીત હાંસલ કરી તો વાજપેયીજીએ શેટ્ટીને ફોન કરી ટીમને શુભેચ્છા પાઠવી હતી. કેપ્ટન સૌરવ ગાંગુલી સાથે પણ વાત કરી હતી.