• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ખેડૂત આંદોલન : જ્યારે મહેન્દ્રસિંહ ટિકૈતના એક અવાજ પર લાખો ખેડૂતોએ દિલ્હીમાં ધામા નાખ્યા

By BBC News ગુજરાતી
|

સોફા પર પલાઠી વાળીને ખાંટી ગોરખપુરિયા લહેકામાં પોતાના અધિકારીઓને હુકમો આપનારા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી વીર બહાદુર સિંહે કદાચ સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે આ અંદાજમાં તેમને બીજું કોઈ હંફાવી શકે છે.

1987માં તેમને આવો અનુભવ થયો હતો. તે સમયે વીર બહાદુર સિંહ કરમૂખેડી વીજમથક વિરુદ્ધ ખેડૂતોના આંદોલનથી કંટાળી ગયા હતા.

તેમણે ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ મહેન્દ્રસિંહ ટિકૈતનો સંપર્ક કરીને કહ્યું કે તેઓ તેમના ગામ સિસૌલી આવીને ખેડૂતોને ફાયદો થાય તેવી કેટલીક જાહેરાતો કરવા માગે છે.

ટિકૈત આના માટે તૈયાર પણ થઈ ગયા. પરંતુ તેમણે શરત રાખી કે આ બેઠકમાં કૉંગ્રેસ પાર્ટીનો કોઈ ઝંડો નહીં રાખી શકાય અને વીર બહાદુર સિંહની સાથે કૉંગ્રેસના કોઈ નેતા કે પોલીસ પણ નહીં આવે શકે.

11 ઑગસ્ટ 1987ના રોજ વીર બહાદુર સિંહનું હેલિકૉપ્ટર જ્યારે સિસૌલીમાં ઊતર્યું ત્યારે તેમનું સ્વાગત કરવા માટે પણ ત્યાં કોઈ હાજર ન હતું.

વીર બહાદુર સિંહે સંમેલનના સ્થળ સુધી પહોંચવા માટે અડધા કિલોમીટર સુધી ચાલવું પડ્યું હતું.

મંચ પર તેમણે પીવા માટે પાણી માગ્યું ત્યારે ટિકૈતના લોકોએ તેમને બે હાથ જોડીને ખોબો ધરવા કહ્યું અને ખોબે ખોબે પાણી પીવડાવ્યું.

વીર બહાદુર સિંહને આ રીતે પાણી પીવામાં પોતાનું અપમાન લાગ્યું. પરંતુ ટિકૈત માત્ર આટલેથી અટક્યા નહીં. તેઓ મંચ પર બોલવા માટે ઊભા થયા ત્યારે વીર બહાદુર સિંહની હાજરીમાં તેમને બહુ આકરા વેણ સંભળાવ્યા.

વીર બહાદુર સિંહ તેનાથી એટલા નારાજ થયા કે તેઓ કોઈ પણ પ્રકારની જાહેરાત કર્યા વગર લખનઉ પાછા જતા રહ્યા.


રાજનેતાઓને હંમેશાં પોતાના મંચથી દૂર રાખ્યા

છ ફૂટથી વધુ ઉંચાઈ ધરાવતા, હંમેશાં ઘેરા રંગના કુર્તા અને ગાંધી ટોપી પહેરનારા અને કમરના દર્દથી છુટકારો મેળવવા માટે કમર પર એક પટ્ટો બાંધતા મહેન્દ્રસિંહ ટિકૈતનો જન્મ 6 ઑક્ટોબર, 1935ના રોજ શામળીથી 17 કિલોમીટર દૂર સિસૌલી ગામમાં થયો હતો.

પોતાના પિતાના મૃત્યુ બાદ તેઓ બલિયાન ખાપના ચૌધરી બન્યા ત્યારે તેમની ઉંમર હતી માત્ર આઠ વર્ષ.

વરિષ્ઠ પત્રકાર વિનોદ અગ્નિહોત્રી જણાવે છે કે મહેન્દ્રસિંહ ટિકૈત સંજોગવશાત ખેડૂતનેતા બન્યા હતા.

વાસ્તવમાં ચૌધરી ચરણસિંહના મૃત્યુ પછી પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં એક પ્રકારનો રાજકીય શૂન્યાવકાશ સર્જાયો હતો. આ દરમિયાન ઉત્તર પ્રદેશ સરકારે ખેડૂતોને મળતી વીજળીના દર વધારી દીધા.

https://www.youtube.com/watch?v=M4s6p_r3o3k&t=3s

ખેડૂતોએ તેના વિરોધમાં પ્રદર્શન શરૂ કર્યાં. ટિકૈત બાલિયાન ખાપના ચૌધરી હતા તેથી તેમને આગળ કરવામાં આવ્યા. તે પ્રદર્શનમાં પોલીસે ગોળીબાર કર્યો, જેમાં બે વ્યક્તિનાં મોત નીપજ્યાં. આ ઘટનાએ મહેન્દ્રસિંહ ટિકૈતને અચાનક ખેડૂતોના નેતા બનાવી દીધા.

અન્ય એક વરિષ્ઠ પત્રકાર અને બીબીસીમાં કામ કરી ચૂકેલા કુરબાન અલી જણાવે છે કે, "ગોળીબારના બે-ત્રણ દિવસ પછી હું ટિકૈતનો ઇન્ટરવ્યૂ કરવા માટે તેમના ગામે પહોંચ્યો તો જોયું કે સેંકડો લોકો તેમની આસપાસ બેઠા હતા. તેમણે પોતાના ઘરમાં દેશી ઘીનો એક દીવડો પ્રગટાવ્યો હતો."

"તે સમયે તેઓ રાજકારણનો કક્કો પણ જાણતા ન હતા. તેમણે ભારતીય કિસાન યુનિયનની સ્થાપના કરી ત્યારે મોટા અક્ષરોમાં તેમણે તેની આગળ 'બિનરાજકીય' લખ્યું હતું. તેમણે કોઈ પણ રાજકીય પક્ષને પોતાના મંચ પર ચઢવા ન દીધા."

"ચૌધરી ચરણસિંહનાં વિધવા ગાયત્રી દેવી અને તેમના પુત્ર અજિત સિંહ તેમના મંચ સુધી પહોંચ્યાં ત્યારે તેમણે હાથ જોડીને બંનેને કહી દીધું કે અમારા મંચ પર કોઈ રાજકીય વ્યક્તિને સ્થાન નહીં મળે."


દિલ્હીના પત્રકારોને ટિકૈતનો લહેકો સમજાતો નહોતો

મહેન્દ્રસિંહ ટિકૈતની ખાસિયત એ હતી કે તેમને સરળતાથી મળી શકાતું હતું.

વિનોદ અગ્નિહોત્રી જણાવે છે કે, "ટિકૈતની લોકપ્રિયતા ટોચ પર હતી ત્યારે પણ તેઓ પોતાની ખેતી જાતે કરતા હતા. મેં તેમને પોતાના હાથે શેરડી કાપતા જોયા છે. તેઓ ગામડાના લહેકાથી દરેક વ્યક્તિ સાથે વાત કરતા હતા."

"શહેરી બોલી તેમને આવડતી ન હતી. હું જ્યારે નવભારત ટાઇમ્સમાં પશ્ચિમી ઉત્તર પ્રદેશનો સંવાદદાતા હતો ત્યારે દિલ્હીથી મેરઠ આવતા બધા પત્રકારો મને પોતાની સાથે ટિકૈત પાસે લઈ જતા હતા, જેથી હું તેમના માટે અનુવાદકનું કામ કરી શકું, કારણ કે દિલ્હીના પત્રકારોને ટિકૈતની બોલી સમજવામાં મુશ્કેલી પડતી હતી."

"ટિકૈત બહુ સ્પષ્ટ વક્તા હતા અને તેમને કોઈની વાત પસંદ ન પડે તો તેમના મોઢા પર જ ચોખ્ખેચોખ્ખું કહી દેતા હતા."


મેરઠમાં રમખાણો ફેલાતા અટકાવવામાં ટિકૈતની ભૂમિકા

ટિકૈત પ્રેમલગ્ન અને ટીવી જોવાના સખત વિરોધી હતા. પરંતુ 'શોલે' ફિલ્મ તેમને ખૂબ પસંદ હતી. ટિકૈતને ચૌધરી ચરણસિંહ પછી ખેડૂતોના બીજા મસીહા કહેવામાં આવતા હતા.

કહેવાય છે કે સાતમી સદીના રાજા હર્ષવર્ધને તેમના પરિવારને ટિકૈત નામ આપ્યું હતું. પરંતુ વીસમી સદીમાં 80નો દાયકો આવતા સુધીમાં મહેન્દ્રસિંહ ટિકૈત સ્વયં 'કિંગમેકર' બની ગયા હતા.

12 લોકસભા અને 35 વિધાનસભા ક્ષેત્રમાં રહેતા બે કરોડ 75 લાખ જાટ મતદારો પર તેમનો પ્રભાવ સ્પષ્ટ દેખાતો હતો. 1987માં મેરઠમાં ભયંકર કોમી રમખાણો થયા.

કુરબાની અલી જણાવે છે કે, "આ રમખાણ ત્રણ મહિના સુધી ચાલ્યાં. પરંતુ ટિકૈતે મેરઠ શહેરની હદની બહાર આ રમખાણો પ્રસરવા દીધાં નહોતાં. તેમણે દરેક ગામમાં જઈને પંચાયત કરી અને હિંદુ-મુસ્લિમોને સંગઠિત રાખ્યા."

તેમના મંચ પર હંમેશાં એક મુસલમાન નેતાને સ્થાન મળતું હતું. તેઓ સ્વયં મંચ પર બેસતા ન હતા. તેઓ હંમેશાં ખેડૂતોની સાથે નીચે બેસતા હતા અને મંચ પરથી પોતાનું ભાષણ આપીને પાછા ખેડૂતોની વચ્ચે જતા રહેતા હતા.


'સિસૌલીથી દિલ્હી સુધી ગાડાની પાછળ ગાડું જોડીશું'

ટિકૈતની કારકિર્દીમાં સૌથી મોટી ક્ષણ ત્યારે આવી જ્યારે 25 ઑક્ટોબર, 1988ના રોજ તેમણે દિલ્હીના વિખ્યાત બોટ ક્લબની લોન પર પાંચ લાખ ખેડૂતોને એકઠા કર્યા હતા.

તેમની માગણી હતી કે ખેડૂતોને શેરડીના વધારે ભાવ ચૂકવવામાં આવે, પાણી અને વીજળીના દર ઘટાડવામાં આવે અને ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે.

દિલ્હી પહોંચતા પહેલાં તેમણે શામળી, મુઝફ્ફરનગર અને મેરઠમાં બહુ મોટાં ધરણાં યોજ્યાં હતાં. મેરઠમાં તેમણે 27 દિવસ સુધી કમિશનર કચેરીનો ઘેરાવ કર્યો હતો.

વિનોદ અગ્નિહોત્રી તે પ્રસંગ યાદ કરતા કહે છે, "દિલ્હી જવાની ઘોષણા તેમણે પોતાની ખાસ શૈલીમાં કરી હતી. સિસૌલીમાં તેમના ગામમાં દર મહિનાની 17 તારીખે એક ખેડૂતોની એક પંચાયત મળતી હતી. તેમાં જ તેમણે જાહેરાત કરી કે એક અઠવાડિયા પછી આપણે સિસૌલીથી દિલ્હી સુધી ગાડાની પાછળ ગાડું જોડીશું. તેના કારણે કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસની ચિંતા વધી ગઈ."

"સૌથી પહેલા તો તેઓ દિલ્હી ન આવે તે માટે પ્રયાસ કરાયા. તે સમયના ગૃહમંત્રી બુટા સિંહ, રાજેશ પાઇલટ, બલરામ ઝાખડ, નટવર સિંહ વગેરે નેતાઓએ બહુ મહેનત કરી, પરંતુ ટિકૈતને મનાવવામાં નિષ્ફળ રહ્યા. ત્યારપછી તેમને દિલ્હી આવવા દેવાયા."

"સૌને લાગતું હતું કે ખેડૂતો દિલ્હીમાં એક-બે દિવસ રોકાઈને પાછા જતા રહેશે. પરંતુ તેમણે તો ઇન્ડિયા ગેટ અને વિજય ચોક વચ્ચે એક પ્રકારે તંબુ તાણ્યા હતા."


રાજપથ પર ચૂલા પ્રગટાવ્યા

મધ્ય દિલ્હીના આ પોશ વિસ્તારમાં ખેડૂતોએ અગાઉ આવી રીતે ક્યારેય કબજો જમાવ્યો ન હતો અને તે ઘટના પછી હજુ સુધી કબજો થયો નથી.

તેઓ પશ્ચિમી ઉત્તર પ્રદેશથી ટ્રૅક્ટર, ટ્રૉલીઓ અને બળદગાડાંના કાફલામાં લગભગ એક સપ્તાહનું રાશન લઈને દિલ્હીમાં પ્રવેશ્યા હતા. ઉતાવળમાં તેમણે બોટ ક્લબને જ પોતાનું કામચલાઉ ઘર બનાવી લીધું હતું.

એક-બે દિવસ તો સરકારે તેમની ઉપેક્ષા કરી, પરંતુ ખેડૂતોએ જ્યારે રાજપથની આજુબાજુ તંબુ તાણીને પોતાના ચૂલા પેટાવવાનું શરૂ કર્યું અને તેમની સાથે આવેલાં ઢોરઢાંખરે બોટ ક્લબના હરિયાળા મેદાનનું ઘાસ ખાવાનું શરૂ કરી દીધું ત્યારે સત્તાધીશોમાં હલચલ મચી ગઈ.

https://www.youtube.com/watch?v=8CaN_uBzuJU&t=2s

ખેડૂતો આખો દિવસ ટિકૈત અને બીજા ખેડૂત નેતાઓનાં ભાષણો સાંભળતાં અને રાતે ગીતસંગીતની મજા માણતા હતા.

વિજય ચોકથી ઇન્ડિયા ગેટ સુધી ખેડૂતો સૂઈ શકે તે માટે પરાળ પાથરવામાં આવી હતી. દિલ્હીના ભદ્ર વર્ગે જ્યારે આ દબાયેલા-કચડાયેલા ખેડૂતોને કૉનોટ પ્લેસના ફુવારામાં નહાતા જોયા ત્યારે તેમને બહુ આંચકો લાગ્યો હતો.

રાતના સમયે ઘણા લોકો કૉનોટ પ્લેસના બજારમાં ચાદર પાથરીને સૂવા લાગ્યા. પરંતુ ટિકૈતને આની કોઈ પરવા ન હતી. તેમણે નક્કી કર્યું હતું કે સરકાર તેમની માગણીઓ નહીં સ્વીકારે ત્યાં સુધી તેઓ ત્યાંથી જવાના નથી.

આ દરમિયાન તેમનો પ્રિય હુક્કો હંમેશાં તેમની સામે રહેતો અને ક્યારેક ક્યારેક તેઓ માઇક પર જઈને પોતાના લોકોને સંબોધતા હતા જેથી તેમનું ધ્યાન જળવાઈ રહે.


ઘોંઘાટિયું સંગીત વગાડીને ટિકૈતને ખસેડવાનો પ્રયાસ

રાજપથ પાસે એકઠા થયેલા લાખો ખેડૂતોને ત્યાંથી ખસેડવા માટે પોલીસે તમામ પ્રકારના ઉપાય અજમાવી જોયા.

તે વિસ્તારમાં પાણી પુરવઠો અટકાવી દેવાયો, મધરાત પછી ખેડૂતોને અને તેમનાં ઢોરઢાંખરને પરેશાન કરવા માટે લાઉડ સ્પીકર પર ઘોંઘાટિયું સંગીત વગાડવામાં આવતું.

દિલ્હીની તમામ શાળા-કૉલેજો બંધ કરવામાં આવી અને દિલ્હીના તમામ વકીલો પણ ખેડૂતોના ટેકામાં હડતાળ પર ઊતરી ગયા. નૈનિતાલના કેટલાક ધનાઢ્ય ખેડૂતોએ દિલ્હીમાં ધરણાં કરી રહેલા ખેડૂતો માટે સફરજન ભરેલાં ટ્રૅક્ટર અને ગાજરનો હલવો મોકલ્યો.

તે સમયે હરિયાણાના મુખ્ય મંત્રી અને કદાવર જાટ નેતા દેવી લાલને મહેન્દ્રસિંહ ટિકૈતનું આ પ્રદર્શન ગમ્યું નહીં. તેમનું માનવું હતું કે ટિકૈતે રાજકીય સત્તા હાંસલ કરતા પહેલાં લડત આપવાની જરૂર હતી.

તે મોબાઇલ ફોન, ઇન્ટરનેટ કે ટીવી ચેનલ વગરનો જમાનો હતો. આમ છતાં ટિકૈતનું આદોલન કૃષિનિષ્ણાતો અને સરકારનું ધ્યાન પોતાના તરફ ખેંચવામાં સફળ રહ્યું હતું.


અચાનક ધરણાં સમાપ્ત કરવાની જાહેરાત

રાજીવ ગાંધી તે સમયે બોફોર્સ કૌભાંડના આરોપોમાં ઘેરાયેલા હતા અને તેમના સલાહકારોએ તેમને ટિકૈત સાથે ટક્કર ન લેવાની સલાહ આપી હતી.

સરકાર તરફથી રામનિવાસ મિર્ધા અને શ્યામલાલ યાદવ ટિકૈત સાથે વાતચીત કરતા હતા. 31 ઑક્ટોબર પહેલાં આ મામલાનો ઉકેલ આવે તેવા પ્રયાસ ચાલતા હતા, કારણ કે 31મીએ આ જગ્યા પર ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ ઉજવવાની હતી.

આખરે સરકારે ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિના કાર્યક્રમનું સ્થળ બદલ્યું અને શક્તિસ્થળે કાર્યક્રમ યોજવાનો નિર્ણય લીધો. સરકારને મુશ્કેલીમાં જોઈને ટિકૈતને મજા આવતી હતી.

તેઓ વારંવાર કહેતા હતા, 'અમારે અહીં કેટલો સમય રોકાવું પડે તે નક્કી નથી. અમે ખેડૂતોને ભાડે નથી લાવ્યા.'

પરંતુ 30 ઑક્ટોબરે સાંજે ચાર વાગ્યે ટિકૈતે અચાનક જાહેરાત કરી કે, "ભાઈઓ, ઘણા દિવસો થઈ ગયા. આપણે હવે ઘરે કામકાજ કરવાનું છે. આપણે આ ધરણાં સમાપ્ત કરીએ છીએ અને પોતપોતાનાં ગામ પરત જઈએ છીએ."

રાજકીય વિવેચકો માટે આ જાહેરાત આશ્ચર્યજનક હતી, કારણ કે ત્યાં સુધીમાં સરકારે સત્તાવાર રીતે ટિકૈતની 35 માગણીમાંથી એક પણ માગણી સ્વીકારી ન હતી.

તેમની માગણીઓ અંગે સહાનુભૂતિપૂર્વક વિચારણા કરવામાં આવશે તેવું આશ્વાસન ચોક્કસ અપાયું હતું.

ટિકૈતની આ જાહેરાત પછી ખેડૂતોએ રાજપથ પરથી પોતાનો સામાન ભેગો કરવાનું શરૂ કર્યું. ખેડૂતોના આ શક્તિપ્રદર્શન પછી બોટ ક્લબમાં રેલીઓનું આયોજન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.https://www.youtube.com/watch?v=AOx-6HJq5GQ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
When millions of farmers camped in Delhi at the sound of Mahendra Singh Tikait
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X