દિલ્હી હિંસા પાછળ કોણ? હાઈકોર્ટે દિલ્હી અને કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો
નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે ઉત્તર-પૂર્વી દિલ્હીમાં ભડકેલી હિંસા મામલે દાખલ એક અરજી પર આજે સુનાવણી કરતા કેન્દ્ર અને દિલ્હી સરકાર પાસે જવાબ માંગ્યો છે. હાઈકોર્ટમાં દાખલ આ અરજીમાં દિલ્હી હિંસાની બિન-કાનૂની ગતિવિધિઓ (અવરોધ) અધિનિયમ (યુએપીએ) અંતર્ગત તપાસની માંગ કરી છે. આ અરજી પર સુનાવણી કરતા ચીફ જસ્ટિસ ડીએન પટેલ અને જસ્ટિસ હરિશંકરની બેંચે ગૃહ મંત્રાલય અને દિલ્હી સરકારને નોટિસ પાઠવી છે. આ મામલે આગલી સુનાવણી 30 એપ્રિલે થશે.
અગાઉ નોર્થ ઈસ્ટ દિલ્હીમાં થયેલી હિંસા સાથે જોડાયેલ અરજી પર ગુરુવારે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. સૉલિસિટર જનરલ તુષાર મેહતાએ કેન્દ્રને પણ આ મામલે એક પક્ષ બનાવવાની માંગ કરી હતી જેને કોર્ટે સ્વીકારી. કોર્ટે આ મામલાની સુનાવણી 13 એપ્રિલ સુધી ટાળી દીધી છે. કોર્ટે સમગ્ર મામલે કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો છે. જસ્ટિસ ડીએન પટેલ અને જસ્ટિસ હરશંકરની બેંચે આ મામલાની સુનાવણી કરી.
અગાઉ જસ્ટિસ મુરલીધર અને જસ્ટિસ તલવંત સિંહની અદાલતે સુનાવણી કરી હતી. આ મામલાની સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસ તરફથી પોતાનો જવાબ દાખળ કરવા માટે સમય માંગવામાં આવ્યો હતો. સૉલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે કોર્ટે ભડકાઉ નિવેદનના મામલે કાર્યવાહી કરવાને લઈ જવાબ માંગ્યો હતો, જ્યારે આ નિવેદન 1-2 મહિના પહેલાના છે. તુષાર મેહતાએ દિલ્હી હિંસા અને વિધાનસભા ચૂંટણી દરમિયાન ભડકાઉ નિવેદનબાજી પર એફઆઈઆર નોંધવાનો વિરોધ કરતા કહ્યું કે આના માટે હજી માહોલ અનુકૂળ નથી.
જણાવી દઈએ કે સોમવારે નાગરિકતા સંશોધન કાનૂનની વિરુદ્ધમાં અને સમર્થનમાં ઉથરેલા લોકોના ટોળાં હિંસક બની ગયાં હતાં, જે બાદ ઉત્તર-પૂર્વી દિલ્હીના કેટલાય વિસ્તારોમાં આની આગ ફેલાઈ ગઈ. આ હિંસામાં અત્યાર સુધીમાં 39 લોકોના મોત થયા છે જ્યારે 250થી વધુ લોકો ઘાયલ થયા છે. દિલ્હી પોલીસે હિંસાની આ ઘટનાઓમાં અત્યાર સુધીમાં 48 એફઆઈઆર નોંધી છે.
દિલ્હી હિંસાની દર્દભરી કહાની, કોઈ દૂધ લેવા નિકળ્યું હતું તો કોઈના 11 દિવસ પહેલા જ થયાં હતાં લગ્ન