• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ખેડૂત આંદોલનમાં સામેલ સ્ત્રીઓ પર સવાલ કેમ ઉઠાવવામાં આવે છે?

By BBC News ગુજરાતી
|

ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં મહિલાઓ પણ ખભાથી ખભો મળાવીને પ્રદર્શન કરી રહી છે.

મહિલાવાદી કાર્યકર્તા લાંબા સમયથી કહેતા આવ્યા છે કે સમગ્ર વિશ્વમાં સામાજિક અને પર્યાવરણ કે જળવાયુ સંબંધી ન્યાયની લડત મહિલાઓ જ લડશે. 'દિલ્હી ચલો આંદોલન’માં મહિલાઓની હાજર આ વાતનું પ્રતીક છે. પરંતુ આ લડત અત્યંત મુશ્કેલ અને દુ:ખદાયક રહેવાની છે.

તેનું કારણે એ છે કે આપણા સમાજમાં પુરુષવાદી માનસિકતા અત્યંત ઊંડો છે. પિતૃસત્તાત્મક માનસિકતા એવું માનતી જ નથી કે મહિલાઓનું પણ પોતાનું અસ્તિત્વ છે. ખેડૂત આંદોલનમાં હાજર મહિલાઓને લઈને આવી રહેલાં નિવેદનો અને ટિપ્પણીઓ આ વાતના પુરાવા છે.

મંગળવારની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સરકારના ત્રણ વિવાદાસ્પદ કૃષિકાયદાને લાગુ કરવા પર રોક લગાવી દીધી. પરંતુ કૃષિકાયદા સાથે જોડાયેલા મામલાની સુનાવણી દરમિયાન, ભારતના મુખ્ય ન્યાયાધીશ શરદ અરવિંદ બોબડેએ કહ્યું, “તેમને એ જાણીને સારું લાગ્યું કે વૃદ્ધો, મહિલાઓ અને બાળકો આ વિરોધપ્રદર્શનમાં સામેલ નહી થાય..”

આ પહેલાં 11 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટ કહ્યું હતું કે તેઓ એ આદેશ જારી નહીં કરે કે, “નાગરિકોએ વિરોધપ્રદર્શન ન કરવું જોઈએ.” જોકે ચીફ જસ્ટિસ બોબડેએ ત્યારે પણ પ્રશ્ન કર્યો હતો કે, 'આ વિરોધપ્રદર્શનમા મહિલાઓ અને વૃદ્ધોને કેમ સામેલ કરવામાં આવ્યાં છે?’

જસ્ટિસ બોબડેએ વરિષ્ઠ વકીલ એચ. એસ ફુલ્ડાને કહ્યું કે, 'તેઓ આંદોલનમાં સામેલ મહિલાઓ અને વૃદ્ધોને પ્રદર્શનસ્થળેથી ઘરે પાછા લઈ જવા માટે રાજી કરે.’


મહિલાઓના હકની વાત

ભારતના ચીફ જસ્ટિસના આ વિચાર દેશના સૉલિસિટર જનરલ તુષાર મહેતાના એ વિચારો સાથે ઘણા મળતા આવે છે, જે તેમણે ગયા વર્ષે શાહીન બાગના વિરોધ પ્રદર્શનના હવાલાથી, સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યા હતા.

ત્યારે તુષાર મહેતાએ કહ્યું હતું કે, 'પ્રદર્શનકારીએ પોતાના આંદોલનમાં મહિલાઓ અને બાળકોને સુરક્ષા કવચ બનાવી લીધાં છે.’

ત્યારે સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ વકીલ સંજય હેગડેની આગેવાનીમાં પ્રદર્શનકારીઓ સાથે વાત કરવા માટે એક કમિટી બનાવવામાં આવી હતી.

ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે “વિરોધ કરવો નાગરિકોનો મૂળભૂત હક છે અને લોકો વિરોધપ્રદર્શન કરી શકે છે.”

પરંતુ, આ વાતોથી જે મોટો સવાલ પેદા થાય છે, એ ચિંતા ઉપજાવે તેવો છે.

સવાલ એ છે કે આખરે દેશના નાગરિકોમાં કોની કોની ગણતરી થાય છે? અને જો વિરોધપ્રદર્શનમાં મહિલાઓને પણ 'રાખવામાં’ આવે છે, તો શું જજ સાહેબ એવું વિચારે છે કે મહિલાઓનું કોઈ અસ્તિત્વ નથી?

ખેડૂત આંદોલનમાં સામેલ મહિલાઓ સવાલ ઉઠાવે છે કે શું તેમને પોતાની મરજીથી કંઈ પણ કરવાનો હક નથી?

ચીફ જસ્ટિસ બોબડેની આ ટિપ્પણીઓને લઈને પ્રદર્શનકારીઓમાં નારાજગી જરૂર છે, પરંતુ મહિલા આંદોલનકારીઓને જસ્ટિસ બોબડેની વાતોને લઈને કોઈ આશ્ચર્ચ નથી.

તેનું કારણ એ છે કે મોટા ભાગનાં સંસ્થાનોમાં પુરુષોનું પ્રભુત્વ છે. સુપ્રીમ કોર્ટની હાલ પણ કંઈક આવી જ છે. આવી પરિસ્થિતિમાં મહિલાઓની એકતા અને પોતાનો અવાજ ઉઠાવે, એ તેમને ખટકે છે.

શાહીન બાગનાં ધરણાંથી ચર્ચામાં આવેલાં 82 વર્ષનાં બિલ્કીસ દાદી કહે છ કે મહિલાઓ દરેક કામમાં ભાગ લે છે અને તેમણે આવું કરવું પણ જોઈએ.

તેઓ કહે છે કે, “જ્યારે પ્રશ્ન દેશ અને તેનાં મૂલ્યોને બચાવવાનો આવશે, ત્યારે વિશ્વાસ માનો તેની આગેવાની મહિલાઓ જ કરશે. અમે તેમની સાથે છીએ. તેનો સંબંધ ના ઉંમરથી છે, અને ના એ વાત સાથે કે કોઈ મહિલા છે કે પુરુષ. આપણે બધા સમાન છીએ.”


મહિલાઓને લઈને પૂર્વાગ્રહી માનસિકતા

હરિયાણાનાં મહિલા ખેડૂત નેતા સુદેશ ગોયલ જણાવે છે કે ખેડૂત આંદોલનમાં સામેલ મહિલાઓ બિલકુલ પોતાની મરજીથી અહીં આવી છે.

તેઓ કહે છે, “દરેક પસાર થતા દિવસ સાથે વિરોધપ્રદર્શનમાં મહિલાઓની સંખ્યા વધી રહી છે, ખાસ કરીને હરિયાણાથી મોટી સંખ્યામાં મહિલાઓ આવી રહી છે. અમે ત્યાં સુધી ઘરે પાછા નહીં ફરીએ જ્યાં સુધી કૃષિકાયદા ખતમ ન કરવામાં આવે. અમે અહીં એટલા માટે છે કારણ કે એક મહિલા તરીકે અમને પોતાના અધિકારોની સારી રીતે ખબર છે.”

ખેડૂત આંદોલનમાં સામેલ મહિલાઓ કહે છે કે ચીફ જસ્ટિસના નિવેદનથી મહિલાઓને લઈને તેમની માનસિકતાની બાળબુદ્ધિ ઝળકે છે. એ મહિલાઓ પ્રત્યે તેમની જ નહીં, પરંતુ સમગ્ર સમાજની પૂર્વાગ્રહયુક્ત માનસિકતા છે. ત્યારે તો ચીફ જસ્ટિસ બોબડે એવું કહે છે કે વિરોધપ્રદર્સનમાં મહિલાઓને સામેલ ન થવું જોઈએ.

વિરોધપ્રદર્શનમાં સામેલ મહિલાઓ, ચીફ જસ્ટિસના નિવેદનને સમાજની પુરુષવાદી માનસિકતાના પ્રદર્શન તરીકે જુએ છે.

તેમનું કહેવું આપણો સમાજ દરેક વાતને પુરુષોની નજરથી જ જુએ છે.

શાહીન બાગનાં હિના અહમદ કહે છે, “તેમને કદાચ એ અહેસાસ નથી કે સમગ્ર દુનિયામાં થનારાં આંદોલનોમાં મહિલાઓ સામેલ થતી રહી છે. આ મહિલા આંદોલનકારીઓ જ છે જેઓ વિરોધપ્રદર્શનને શાંતિપૂર્ણ બનાવી રાખે છે.”


શાંતિપૂર્ણ વિરોધપ્રદર્શનનું કારણ

હાર્વર્ડનાં પ્રોફેસર એરિકા ચેનોવેથ પ્રમાણે, આંદોલનોની સફળતાનો સીધો સંબંધ, તેમાં મહિલાઓની ભાગીદારી સાથે જોવા મળ્યો છે. અહીં સુધી કે સંયુક્ત રાષ્ટ્રનો એક રિપોર્ટ કહે છે કે જ્યારે કોઈ આંદોલનમાં મહિલાઓ સામેલ હોય છે, તો તે આંદોલન શાંતિપૂર્ણ જળવાઈ રહેવાની સંભાવનાઓ વધી જાય છે.

સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે વિરોધપ્રદર્શનોમાં મહિલાઓ ઘણા પ્રકારની ભૂમિકાઓ ભજવે છે. તેઓ આંદોલનનાં આયોજક હોય છે. પ્રદર્શનોમાં સામેલ લોકોનું ધ્યાન રાખે છે અને તેમની સુરક્ષા કરે છે.

પરંતુ જ્યારે વાત રાજકીય પ્રક્રિયા, સત્તાના પરિવર્તન અને વાતચીતની આવે છે, ત્યારે મહિલાઓને હાંસિયામાં ધકેલી દેવામાં આવે છે. વાતચીતની ટેબલ પર ઘણી ઓછી મહિલાઓ જોવા મળે છે.

હરિયાણામાં રહેનારા દેવિકા સિવાચ, ખેડૂત આંદોલના પહેલા દિવસથી જ ટીકરી બૉર્ડર પર અડગ છે. હવે તેઓ ગુરુગ્રામમાં મહિલાઓને એકઠાં કરી રહ્યાં છે. દેવિકા સત્ય સાથે સંમત છે કે મહિલાઓની ભાગીદારીના કારણે જ આંદોલન શાંતિપૂર્ણ જળવાઈ રહે છે.

દેવિકા કહે છે, “હરિયાણા અને પંજાબમાં અમારા આંદોલનની આગેવાની મહિલાઓ જ કરી રહ્યાં છે. અમે કોઈ નબળી મહિલાઓ નથી. અમે દરેક ક્ષેત્રમાં સફળતા હાંસલ કરી છે. તેઓ એવું કેમ વિચારી લે છે કે અમે કમજોર છીએ? જો અમે પુરુષોને જન્મ આપી શકીએ છીએ, તો અમે પોતાની લડત જાતે પણ લડી શકીએ છીએ. માતૃશક્તિ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. આંદોલનોમાં શાંતિ અમારા કારણે જ છે.”


બરાબરનાં ભાગીદાર

હજારો મહિલા ખેડૂત દેશના પાટનગરની સીમાઓ પર આવીને અડગ છે.

તેઓ માત્ર દિલ્હી ચલો આંદોલનનાં સમર્થક જ નથી, તેમાં બરાબરનાં ભાગીદાર પણ છે. ઘણાં મહિલાઓએ તો નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ શાહીન બાગના આંદોલનનો હવાલો આપીને કહ્યું કે તેમને તો વિરોધ જાહેર કરવાની તાકાત શાહીન બાગની મહિલાઓ પાસેથી જ મળી.

શાહીન બાગમાં મહિલાઓએ દિલ્હીની ભયંકર ઠંડીમાં પણ સો કરતાં વધારે દિવસો સુધી પોતાનું આંદોલન ચલાવ્યું હતું. ત્યારબાદ સરકારે એવું કહીને તેમનું પ્રદર્શન પરાણે ખતમ કરાવી દીધું કે મહામારી દરમિયાન તેઓ મહિલાઓને એક સાથે એક જ જગ્યા પર ન બેસવા દઈ શકે.

શાહીન બાગના આંદોલનમાં સામેલ રહેલાં હિના અહમદે આ ધરણાને સફળ બનાવવા માટે ઘણી મહેનત કરી હતી. તેમણે મોટી સંખ્યામાં મહિલાઓને તેની સાથે જોડ્યાં હતાં. હિના કહે છે કે એમાં કોઈ આશ્ચર્યની વાત નથી કે પુરુષો મહિલાઓને કમજોર સમજે છે.

47 વર્ષનાં હિના કહે છે, “હવે તેમણે આવું વિચારવાનું છોડી દેવું જોઈએ કે સ્ત્રીઓ કમજોર હોય છે. જ્યારે અમે ધરણાંમાં બેસીએ છીએ ત્યારે બાળકોને આશાનું કિરણ દેખાય છે. શાહીન બાગમાં માતાઓ કેમ ધરણાં પર બેઠાં હતાં? કારણ કે તેમને પોતાનાં બાળકોનાં ભવિષ્યની ચિંતા હતી."

"તેમણે અમારી પર તમામ પ્રકારના આરોપ મૂક્યા. તેમણે અમારી ઓકાત બિરયાની સુધી સમેટી દીધી હતી. હવે તેઓ ખેડૂતોને શું કહેશે? મહિલાઓએ હંમેશાંથી વિરોધપ્રદર્શન કર્યાં છે. તેઓ અધિકારોની લડત લડતાં આવ્યાં છે.”


મૂળભૂત અધિકાર

ભારતનું બંધારણ કહે છે કે વિરોધનો અધિકાર, મહિલાઓનો પણ મૂળભૂત અધિકાર છે. દિલ્હીનાં રહેવાસી માનવાધિકાર મામલાઓનાં વકીલ શ્રુતિ પાંડેય કહે છે કે મહિલાઓએ હંમેશાં સંવિધાનને પોતાનાં દિલમાં વસાવી રાખવો જોઈએ.

નૅશનલ કાઉન્સિલ ઑફ એપ્લાઇડ ઇકૉનૉમિક રિસર્ચ પ્રમાણે, વર્ષ 2018માં દેશના કૃષિક્ષેત્રમાં કુલ કામદારોમાં મહિલાઓની ભાગીદારી 42 ટકા હતી.

આ આંકડા એ વાત જાહેર કરવા માટે પૂરતા છે કે ખેતીમાં મહિલાઓની ભાગીદારી કેવી રીતે સતત વધી રહી છે. તેમ છતાં આજે મહિલાઓ, ખેતીને લાયક માત્ર બે ટકા જમીનનાં જ માલિક છે.

ખેડૂત આંદોલનોમાં ભાગીદારી, આ મહિલાઓને એ વાતની તક આપે છે કે તેઓ કૃષિ ક્ષેત્રમાં પોતાના અદૃશ્ય યોગદાન પરથી પડદો ઉઠાવીને દેશને એ વાતનો અહેસાસ કરાવે કે ખેતીમાં તેમની ભૂમિકા કેટલી મોટી અને મહત્ત્વપૂર્ણ છે.

વિરોધપ્રદર્શન દ્વારા મહિલાઓ, કૃષિ કાયદા પર પોતાનો મત અભિવ્યક્ત કરી રહ્યાં છે. જે તેમના હિસાબે મહિલાવિરોધી છે.


ફરી શરૂ થઈ જૂની ચર્ચા

આ આંદોલન થકી ફરીથી એ જૂની ચર્ચા શરૂ થઈ ગઈ છ કે શું મૂડીવાદ, મહિલાઓ વિરુદ્ધ છે?

બની શકે કે એ વાત સત્ય હોય કે મૂડીવાદે મહિલાઓને કામ કરવાની અને પ્રગતિની તમામ તકો આપી. પરંતુ મૂડીવાદે પુરુષવાદી માનસિકતાથી મહિલાઓમાં પેદા થયેલી અસુરક્ષાઓનો પણ ઉપયોગ કર્યો છે. મહિલાઓએ રાજકીય પ્રક્રિયામાં પોતાની ભાગીદારીના અધિકાર માટે સદીઓથી સંઘર્ષ કર્યો છે.

વીસમી સદીમાં અમેરિકાનું મહિલાઓ માટે મતાધિકારનું આંદોલન હોય, કે 2020માં ભારતના શાહીન બાગમાં ધરણું, મહિલાએ હંમેશાં વિરોધપ્રદર્શનોની આગેવાની કરી છે. અને પાછલા દાયકા દરમિયાન મહિલાઓએ બરાબરીનો હક હાંસલ કરવા આવાં ઘણાં આંદોલનો ચલાવ્યાં છે.

શ્રુતિ પાંડેય કહે છે કે આ આંદોલનોમાં મહિલાઓની હાજરી એ માત્ર સંજોગ નથી.

તેઓ કહે છે, “સુપ્રીમ કોર્ટે મહિલાઓને લઈને જેવી ટિપ્પણીઓ કરી છે તે સંવેદનહીન છે. બલકે સત્ય તો એ છે કે આ વિચાર રૂઢિવાદી છે. જોકે આવી વાતોથી મહિલાઓને ઓછું અને એક લોકતાંત્રિક સંસ્થા તરીકે સુપ્રીમ કોર્ટને જ વધુ નુકસાન થશે.”

“આવી ટિપ્પણીઓથી દેશની સૌથી મોટી અદાલત અપ્રાસંગિક કે અત્યંત પુરાતનપંથી વિચારવાળી જણાય છે. કોઈ સંજોગમાં ડાઘ તો સુપ્રીમ કોર્ટની ઇજ્જત પર જ લાગ્યો છે."

"જો સુપ્રીમ કોર્ટની જ માનસિકતા આવી હશે, તો તેઓ કયા મોઢે સમાજમાં મહિલાવિરોધી વિચારોને રોકવાનો અધિકાર વ્યક્ત કરશે? જ્યારે તેમની પોતાની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઊઠી રહ્યા હશે, તો તેઓ સામાજિક નિયમ કાયદાને મજબૂત બનાવવાનું કામ કેવી રીતે કરી શકશે?”

શ્રુતિ પાંડેયનું માનવું છે કે વિરોધની એક હકીકત એ છે કે તે ભવિષ્યની બોલી બોલે છે. આજે મહિલાઓની પરીક્ષ લેવાઈ રહી છે. હવે સમાજનાં મૂલ્યોને નવીન રીતે પરિભાષિત કરવાં પડશે.

શ્રુતિ કહે છે, “અમને સુપ્રીમ કોર્ટની વાતો ખરાબ લાગવી જોઈએ. આપણે એવું માનવું પડશે કે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ દુનિયામાં અમે આજે એવા વળાંકે ઊભા છીએ જ્યાં જૂના અને નવા વિચારો વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે. આજે ધર્મ હોય, જાતિ હોય, પરિવાર હોય, કે બજાર તમામ જગ્યાએ પુરુષવાદી માનસિકતા છવાયેલી છે. પરિસ્થિતિને આવી જ જાળવી રાખવામાં પુરુષોનો જ ફાયદો છે.”

“પરંતુ મહિલાઓ આ દૃશ્ય બદલવા માગે છે. આ લડત, અમર્યાદિત પુરુષ માનસિકતાને કાબૂમાં કરવા માટેની છે. આ સંઘર્ષથી પુરુષ અને મહિલાઓ વચ્ચે ભેદભાવની જગ્યાએ, આવનારા સમયમાં બરોબરીવાળા સમાજની જમીન તૈયાર થઈ રહી છે.”

“સારસંભાળનો વિચાર પણ આવો જ છે. લોકોને લાગે છે કે પુરુષોની સારસંભાળ રાખવાની જવાબદારી મહિલાઓની છે. આ મહિલાઓ ખાસ લૈંગિક ભૂમિકામાં જોનારી માનસિકતાનું જ પરિણામ છે.”

આ જ કારણ છે કે ખેડૂત આંદોલનમાં સામેલ મહિલાઓને આવી ભૂમિકામાં જોવામાં આવી રહ્યાં છે કે તેઓ આંદોલનકારીઓનું ધ્યાન રાખી રહ્યાં છે.

ભારતમાં હાલના દિવસોમાં થયેલાં ઘણાં આંદોલનોમાં જોવા મળ્યું છે કે મહિલાઓએ આંદોલન માટે ભોજન અને રહેવાની વ્યવસ્થા કરી. તેના દ્વારા તેઓ અહિંસકપણે પોતાના રાજકીય અધિકારી માટે સંઘર્ષ કરી રહ્યાં છે.


પુરુષોનું હિત

મહિલાઓનો આ તિરસ્કાર અને તેમને ખલનાયિકા બનાવીને રજૂ કરવાં એ કોઈ નવી વાત નથી.

પરંતુ, મહિલા આંદોલનકારીઓની આવી ટીકા જરૂર નવી છે અને તેની સમીક્ષા કરવું જરૂરી છે.

મહિલાઓને વિલન બનાવનારી આવી ટિપ્પણીઓ એ વાતનો સંકેત છે કે મહિલાઓને હાલની પિતૃસત્તાત્મક વ્યવસ્થા માટે ખતરા તરીકે જોવામાં આવે છે.

શ્રુતિ પાંડેય કહે છે, “દેશની સરકાર પુરુષવાદી છે. ન્યાયપાલિકા પર પુરુષોનો દબદબો છે, બજાર પુરુષવાદી છે. બલકે માનવ સભ્યતા પર જ પુરુષવાદ હાવી રહ્યો છે. તેની સામે વિદ્રોહ તો મહિલાઓ જ કરશે. આ તમામ વાતો એકબીજા સાથે જોડાયેલી છે. મહિલાઓનો વિરોધ એ લોકો કરે છે, જેમનાં હિત પુરુષોના પ્રભુત્વવાળી હાલની વ્યવસ્થા સાથે જોડાયેલાં છે.”

જ્યાં સુધી સંવિધાનની વાત છે, તો એ મહિલા અને પુરુષોમાં ભેદ નથી કરતું. મહિલાઓને પણ બરાબરીનો કાયદાકીય હક મળેલા છે. સંવિધાનમાં કોઈ ફેરફાર નથી કરાયો અને સંવિધાન પ્રમાણે સ્ત્રીઓ એ બીજા દરજ્જાની નાગરિક નથી.

ખેડૂત આંદોલનનું સમર્થન કરનાર અભિનેત્રી ગુલ પનાગ કહે છે કે મહિલાઓના વિરોધના અધિકારને ઓછો કરીને આંકવું, એ નાઇન્સાફી છે. તેનાથી એવું લાગે છે કે મહિલાઓને તેમની ઇચ્છા વિરુદ્ધ વિરોધપ્રદર્શનોમાં લાવવામાં આવ્યાં અને હવે 'બંધક બનાવીને’ રાખવામાં આવી રહ્યાં છે.

ગુલ પનાગ કહે છે, “દરેક ખેડૂત પરિવારમાં મહિલાઓ, પુરુષો સાથે ખભાથી ખભો મિલાવીને કામ કરે છે અને ખેતીમાં પણ બરાબરના ભાગીદાર છે. બલકે, સત્ય તો એ છે કે કોઈ અન્ય વ્યવસાયની સરખામણીએ ખેતીમાં મહિલાઓ, પુરુષો સાથે બરોબર ભાગીદાર છે.”

મહિલાઓને દબાવીને રાખવાનો સિલસિલો ખૂબ જૂનો છે. આ વિચાર અમારી ભાષા, સામાજિક સંબંધોના તાણાવાણા, ઘસાઈ ગયેલા દૃષ્ટિકોણ, ધર્મ અને સંસ્કૃતિ દ્વારા વ્યક્ત થાય છે. મૂડીવાદે સમાજ પર પુરુષોના દબદબાને ઘણી રીતે પ્રોત્સાહન આપ્યું છે.

ઉપભોક્તાવાદી સંસ્કૃતિ જ સુંદરતાના માપદંડ નક્કી કરે છે અને તે એવું પણ જણાવે છે કે મહિલાઓ શું અને કેવું બનવાનું સ્વપ્ન જુએ. મૂડીવાદ, અસુરક્ષાના બોધ પર જ વૃદ્ધિ પામે છે. પુરુષવાદ આ આધારે જ પોતાનો ફંદો વધુ કસતો જાય છે.


મૂડિવાદી સાજિશ

દિલ્હી ચલો આંદોલનમાં સામેલ મહિલાઓ નવા કૃષિકાયદાઓને મૂડીવાદની એક સાજિશ તરીકે જુએ છે.

મૂડીવાદ જ ક્લાઇમેટ ચૅન્જના સંકટનું પણ એક કારણ છે. પુરુષવાદી સમાજ, આજે પણ મહિલાઓને કમજોર બનાવે છે. તે વૃદ્ધો અને બાળકો સાથે મહિલાઓ વિશે પણ એવું જ કહે છે કે તે ઠંડી અને કોરોના વાઇરસના શિકાર જલદી બની જશે. મહિલાઓ આવી વાતોને ધરમૂળથી ખારિજ કરે છે.

ભારતના મુખ્ય ન્યાયાધીશની આ ટિપ્પણીઓ એક રૂઠિવાદી માનસિકતા ઉજાગર કરે છે. તે મહિલા વિરોધીઓને વધુ એક હથિયાર ઉપલબ્ધ કરાવે છે, જેનાથી તે મહિલાઓને નિશાન બનાવી શકે.

પરંતુ આ ટિપ્પણીઓથી એ સ્પષ્ટ થાય છે કે દેશના મુખ્ય ન્યાયાધીશને એ જાણકારી નથી કે ભારતમાં મહિલાઓએ 'ચિપકો આંદોલન’ જેવાં ઘણાં વિરોધપ્રદર્શનોનું નેતૃત્વ કર્યું છે.

ટીકરી બૉર્ડર પર એક ટ્ર્રૅક્ટરની ટ્રૉલીમાં બેઠેલાં જે નવ મહિલાઓને ડિસેમ્બર માસમાં હું મળી હતી, તેમનું કહેવું હતું કે તેઓ આ આંદોલનમાં એટલા માટે સામેલ છે, કારણ કે આવું કરવું તેમનો અધિકાર છે. તેઓ પોતાની મરજીથી ત્યાં આવ્યાં છે.

તેઓ પૈકી સૌથી વૃદ્ધ મહિલાની ઉંમર 72 વર્ષની હતી. તો સૌથી ઓછી ઉંમરનાં આંદોલનકારી 20 વર્ષનાં હતાં. તેમની સાથે એક નાનું બાળક પણ હતું. તેઓ પંજાબના બઠિંડા જિલ્લાના ચકરામસિંહ વાલાથી આવ્યાં હતાં.

એ ટ્રૉલીમાં સિત્તેર વર્ષ કરતાં વધુ ઉંમરનાં ચાર મહિલાઓ હતાં. તે પૈકી એક હતાં જસબીર કૌર. તેમણે મને કહ્યું કે, “અમે પોતાની મરજીથી અહીં આવીને વિરોધપ્રદર્શનોમાં સામેલ થવાનો નિર્ણય કર્યો. અમે પણ ખેડૂત છીએ. તેઓ અમને કાંઈ સમજતા જ નથી.”

જસબીર કૌર, ભારતીય કિસાન યુનિયન (એકતા ઉગ્રહણ) સાથે સંબંધ ધરાવે છે. તેમનું કહેવું હતું કે જ્યાં સુધી સરકાર કાયદા પાછા નહીં ખેંચે, તેઓ ઘરે પાછાં નહીં ફરે.

ઠંડી અને ગમે તેવાં નિવેદનો છતાં પણ, જસબીર કૌર હજુ પણ ધરણા પર અડગ છે. તેઓ કહે છે, “અમને આ વિરોધપ્રદર્શનથી અલગ ન રાખી શકાય. અમે પણ સમાન નાગરિક છીએ.”

આ આંદોલનમાં મહિલાઓની ભાગીદારીનો અસલ હેતુ આ જ છે. બરાબરીનો અધિકાર હાંસલ કરવાની આ લડત સદીઓથી ચાલી રહી છે. મતાધિકાર માટેનો સંઘર્ષ આ જ જંગનો એક ભાગ હતો.

બિલ્કીસ બાનો કહે છે, “અમે બધા માટે લડાઈ લડી રહ્યા છીએ. મહિલાઓ તો આવું કરતી આવી છે. તેઓ બધાને બરોબરીનો અધિકાર અપાવવા માટે સંઘર્ષ કરે છે.”


https://www.youtube.com/watch?v=YRc7yWov2KI

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Why are women involved in the farmer protest being questioned?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X