ગુજરાત સરકારે આદિવાસીઓને અયોધ્યામાં રામમંદિરની યાત્રા કરાવવાની યોજના કેમ શરૂ કરવી પડી?
ગુજરાત સરકારે રામમંદિરની મુલાકાત લેનાર આદિવાસીને સહાય કરવાની જાહેરાત કરી છે.
રામમંદિરની યાત્રા કરનાર આદિવાસીને સરકાર દ્વારા પાંચ હજાર રૂપિયાની સહાય અપાશે.
પ્રવાસનમંત્રી પૂર્ણેશ મોદીએ અયોધ્યામાં રામમંદિરની યાત્રા કરનાર આદિવાસીઓને પાંચ હજાર રૂપિયાની પ્રોત્સાહન રાશિ આપવાની જાહેરાત ડાંગ જિલ્લાના શબરીધામ ખાતેથી કરી હતી.
જોકે આ અંગે કેટલાક લોકો પૂર્ણેશ મોદીએ કરેલી જાહેરાતને બિરદાવી રહ્યા છે, તો કેટલાક લોકો આ નિર્ણયની ટીકા કરી રહ્યા છે.
શબરીધામ ગુજરાતના ડાંગમાં આવેલું છે અને માન્યતા છે કે હિંદુ દેવતા અહીં શબરીને મળ્યા હતા. આ જગ્યા ડાંગ જિલ્લાના સુબીર બ્લૉક ખાતે આવેલી છે અને અહીં એક મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આદિવાસીઓને રિઝવવાનો પ્રયત્ન?
આમ તો આદિવાસીઓ પરંપરાગત રીતે કૉંગ્રેસના મતદાર ગણાતા આવ્યા છે, પરંતુ ધીમેધીમે ભાજપે આદિવાસીઓમાં સારી એવી પક્કડ જમાવી છે.
ગુજરાતમાં આગામી વર્ષમાં વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે.
આ વિશે વાત કરતા આદિવાસી વિષયોના અભ્યાસુ હસમુખ પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે આ બાબતને હું બે રીતે જોઉં છું, એક તો આદિવાસીઓની પર હિંદુ લેબલ લગાડવું અને પછી તેને વોટમાં પરિવર્તિત કરવું.
તેઓ માને છે કે 2019ની લોકસભા ચૂંટણી પછી ભાજપનો આદિવાસીઓમાં આધાર વધ્યો છે, જુદાજુદા કાર્યક્રમો કરીને આદિવાસીઓમાં તેમની હાજરી વધી છે.
ગુજરાતમાં આગામી વિધાનસભામાં પણ ભાજપ આદિવાસીઓની બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.
તો બીજી તરફ બિનસરકારી સંસ્થા લોકસંઘર્ષ મોરચાના સભ્ય અને આદિવાસી કાર્યકર ઇનેશ વસાવાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે "આદિવાસીઓને અયોધ્યા જવા માટે પાંચ હજાર રૂપિયા આપવા એ તો ધર્મપરિવર્તનની વાત છે. આદિવાસી મૂળ રીતે પ્રકૃતિને પૂજે છે, જેમ કે વાઘદેવ છે. આ પ્રકારની જાહેરાત કરીને સરકારે આદિવાસીઓનું અપમાન કર્યું છે."
તેમનું કહેવું છે કે "આદિવાસીઓને સશક્ત કરવા અને તેમના વિકાસ માટે કાર્યો કરવાને બદલે સરકાર ધર્મની વાત કરી રહી છે. ધર્મથી જો વિકાસ થઈ જતો હોય તો અમે સરકારને આ મુદ્દે સમર્થન આપીએ."
- કોણ છે ગુજરાતના એ સતિપતિ આદિવાસી જે ભારતની સરકારને નથી માનતા?
- આદિવાસીઓના એ ભગવાન જેમણે ભારતમાં અલગ ધર્મ સ્થાપ્યો
ચૂંટણીમાં આદિવાસી બેઠકોનું ગણિત
ગુજરાતની વિધાનસભાની 182 બેઠકોમાંથી 27 બેઠકો આદિવાસીઓ માટે અનામત છે. તેમાંથી 2017ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસે 15 બેઠકો જીતી હતી અને બીટીપીએ બે, ભાજપે નવ અને એક અપક્ષ ઉમેદવારે જીતી હતી.
જોકે ત્યાર બાદ ડાંગ અને કપરાડાના કૉંગ્રેસ ધારાસભ્યો પક્ષપલટો કરીને ભાજપ સાથે જોડાઈ ગયા છે. 2021માં યોજાયેલી પેટાચૂંટણી પછી મોરવાહડફની બેઠક પણ ભાજપના ખાતામાં આવી ગઈ હતી.
ત્યારે 182 વિધાનસભા બેઠકોમાં 14 અન્ય બેઠકો પર આદિવાસી મતો પ્રભાવશાળી રહે છે. છોટાઉદેપુર, દાહોદ બારડોલી અને વલસાડ ચાર લોકસભા બેઠકો આદિવાસીઓ માટે અનામત છે.
હાલ ભાજપ પાસે 12 આદિવાસી વિધાનસભા બેઠકો છે તથા શેડ્યુલ ટ્રાઇબ માટે અનામત લોકસભા બેઠકો પણ ભાજપ પાસે જ છે.
ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત થયું હતું કે કૉંગ્રેસ 2019ની ચૂંટણીમાં એક પણ આદિવાસી બેઠક જીતી શકી નહોતી.
ઑગસ્ટમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વિજય રૂપાણીની ભાજપ સરકારે વનબંધુ કલ્યાણ યોજના-2ની જાહેરાત કરી હતી.
આની પહેલાં 2007માં તત્કાલીન મુખ્ય મંત્રી અને વર્તમાનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરી હતી. તેને પણ ગુજરાતમાં આદિવાસીઓના 14 ટકા વોટ આકર્ષવા માટે લાવવામાં આવેલી યોજના તરીકે જોવાઈ હતી.
સાબરકાંઠાથી કૉંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલે પણ ભાજપ પર આવનારી ચૂંટણીને જોતા આદિવાસીઓને ભરમાવવાનો આરોપ લગાવ્યો.
તેમણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે "આમ તો રામ બધા જ સમુદાયોના ભગવાન છે ખાલી આદિવાસીઓના જ નથી. આદિવાસીઓને ચૂંટણી પહેલાં ગુમરાહ કરવાનો પ્રયત્ન આ સરકાર કરી રહી છે. ગુજરાત વિધાનસભાની 45 બેઠકો પર પોતાનું ગણિત ફિટ બેસાડવા માટે ભાજપ આવી જાહેરાત કરી રહી છે."
ભાજપનો આદિવાસીઓના ભગવાકરણનો એજન્ડા
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો આદિવાસીઓને રાષ્ટ્રની મુખ્ય ધારામાં ભેળવવા તથા તેમને હિંદુ ધર્મમાં આવરી લઈને ખ્રિસ્તી ધર્માધિકારીઓ દ્વારા તેમનું ધર્માંતરણ રોકવાનો જૂનો અજેન્ડા છે.
આદિવાસીઓને રિઝવવાના હિંદુત્વવાદી સંગઠનોના અનેક પ્રયોગોનો ફાયદો ભાજપને થયો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સિવાય વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળે ગુજરાતમાં આદિવાસીઓ ક્ષેત્રોમાં કામ કર્યું છે.
2007ના મક્કા મસ્જિદ બ્લાસ્ટના આરોપમાંથી મુક્ત થયેલા અસીમાનંદ વર્ષ 1990મથી 2007 સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલી સંસ્થા 'વનવાસી કલ્યાણ આશ્રમ'ના પ્રાંતપ્રચારક હતા.
અસીમાનંદ વર્ષ 1995માં ગુજરાતના ડાંગ જિલ્લાના વડામથક આહવા આવ્યા હતા અને હિંદુ સંગઠનો સાથે 'હિંદુ ધર્મ જાગરણ અને શુદ્ધિકરણ' નામનો કાર્યક્રમ શરૂ કર્યો હતો. અહીં જ તેમણે શબરીનું મંદિર બાંધ્યું અને શબરીધામની સ્થાપના પણ કરી.
તેમણે 1990 થી વનવાસી કલ્યાણ કેન્દ્ર હેઠળ અનેક શાળાઓ ખોલી હતી. 1995માં ભાજપે પ્રથમ પૂર્ણ બહુમતીવાળી સરકાર બનાવી ત્યારબાદ વનવાસી કલ્યાણકેન્દ્રો મજબૂત બન્યાં.
એટલું જ નહીં ભાજપે ગુજરાતમાં આદિવાસી ક્ષેત્રોમાં ધર્માંતરણ રોકવાના હેતુસર ખ્રિસ્તી સંગઠનો અને ચર્ચને નુકસાન પહોંચાડ્યું છે એવો રિપોર્ટ ન્યૂયૉર્ક ખાતે સ્થિત હ્યૂમન રાઇટ્સ વૉચે બહાર પાડ્યો હતો.
આ રિપોર્ટ મુજબ 25 ડિસેમ્બર 1988થી 1 જાન્યુઆરી 1999 સુધીમાં ડાંગ તથા આજુબાજુના જિલ્લાઓમાં 20 ખ્રિસ્તી તથા પ્રાર્થનાસ્થળોને આગ ચાંપવામાં આવી હતી. આવી ઘટનાઓ કમસે કમ 25 ગામોમાં નોંધાઈ હતી.
https://www.youtube.com/watch?v=RbX3LiXteZM
હસમુખ પટેલ કહે છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભાજપ અને આરએસએસના કાર્યકરો કેટલીય રીતે આદિવાસીઓ માટે કામ કરતા રહ્યા છે, જેમ કે આદિવાસી યુવાન અને યુવતીઓનાં સમૂહલગ્ન.
તેઓ જણાવે છે કે ભાજપ અને સંઘના કાર્યકરો દર વર્ષે આદિવાસી યુવાનો અને યુવતીઓનાં મોટા પાયે સમૂહલગ્ન યોજે છે. તેઓ દંપતીઓને ઘરવખરીનો સામાન, જેમ કે ટીવી વગેરે ગિફ્ટમાં પણ આપતા હોય છે. આવા પ્રયોજનો ઊભા કરીને આદિવાસીઓમાં પક્કડ વધારવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
તેમનું કહેવું છે કે ધર્માંતરણનો મુદ્દો ગુજરાતમાં એટલો મોટો નથી, ખાસ કરીને આદિવાસીઓમાં. ખ્રિસ્તી મિશનરીઓ આદિવાસીઓને સારું શિક્ષણ આપવા, તેમને રહેવાસી શાળામાં દાખલ કરાવીને ભણાવવા, વિકાસલક્ષી કાર્યો કરીને તેમને આકર્ષિત કરતા હોય એવું હવે ગુજરાતમાં ખૂબ જ ઓછું થઈ ગયું છે. એટલે આદિવાસીઓમાં ધર્માંતરણને લઈને ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું કામ એ દિશામાં નહીં પરંતુ આદિવાસીઓ માટે અન્ય કાર્યો કરીને થઈ રહ્યું હોય એવું દેખાય છે.
બીબીસીએ આ મામલે ભાજપની પ્રતિક્રિયા જાણવા માટે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે સાથે વાત કરવાની કોશિશ કરી હતી, પણ તેમણે આ મામલે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.
કૉંગ્રેસની વોટબૅન્ક ખસકી રહી છે?
https://www.youtube.com/watch?v=p2cOYG3NQvk&t=3s
ગુજરાતમાં આદિવાસીના મતો કૉંગ્રેસની વોટબૅન્ક હતી પરંતુ હવે તેમાં ગાબડું પડ્યું છે.
હસમુખ પટેલ કહે છે કે પહેલાં કૉંગ્રેસની પરિસ્થિતિ એવી હતી કે જો તે એક બાવળના ઝાડને પણ ઉમેદવાર બનાવે તો તેને આદિવાસીઓના વોટ મળે, કારણ કે તે કૉંગ્રેસના ઉમેદવાર છે, પરંતુ સમય જતા કૉંગ્રેસથી નિરાશા મળતા આદિવાસીઓ હવે એટલી હદે કૉંગ્રેસના નિષ્ઠાવાન મતદાર નથી રહ્યા.
આનું કારણ સમજવાતા તેઓ કહે છે કે કૉંગ્રેસ તરફથી નવી પેઢીના મહત્ત્વાકાંક્ષી નેતાઓને તકો નથી મળતી. જૂના નેતાઓએ આ જગ્યા નવા નેતાઓ માટે કરવી જોઈએ, પણ એમ ન થતા નવા નેતાઓ બીજા રાજકીય પક્ષ તરફ વળ્યા છે. ભાજપ તરફ પણ કેટલાક આદિવાસીઓ વળ્યા છે.
હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની ઍન્ટ્રી પણ થઈ છે.
હસમુખ પટેલનું કહેવું છે કે આમ આદમી પાર્ટીએ પણ આદિવાસી વિસ્તારોમાં કામ શરૂ કર્યું છે, પરંતુ તે ખૂબ જ નાના પાયે થઈ રહ્યું છે અને તે ભાજપને ટક્કર આપી શકે તેટલું નથી થતું.
- ગુજરાતની સરહદે થયેલો એ નરસંહાર જેને 'જલિયાંવાલા બાગ'થી પણ મોટો ગણાવાયો હતો
- 'મારા દીકરાને નિર્દયતાથી માર્યો તેના બદલે ગોળી મારી દેવી હતી'
આદિવાસીઓના મોટા મુદ્દા
https://www.youtube.com/watch?v=j1OGB70iKqg&t=2s
આદિવાસીઓના અનેક પ્રશ્નો છે ગુજરાતમાં. ગુજરાતમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી તથા નર્મદા ડૅમની આસપાસ આદિવાસીઓના વિસ્થાપનનો મુદ્દો હોય કે જમીનના અધિકારનો મુદ્દો.
પરંતુ હસમુખ પટેલ કહે છે કે ગુજરાતમાં વિસ્થાપનનો મુદ્દો એક સીમિત વિસ્તારમાં હોઈ શકે છે.
તેમનું કહેવું છે કે જ્યાં વિસ્થાપન એક મુદ્દો પણ છે ત્યાં પણ આમ જોઈએ તો એવું નથી કે ભાજપને વોટ નથી મળ્યા. ત્યાં પણ ભાજપના જ નેતાઓ ચૂંટાય છે.
"એક મુદ્દા પર જ્યાં ગુજરાતના આદિવાસીઓ એક થઈ જતા હોય છે તે છે જમીનના અધિકારનો મુદ્દો, જંગલમાં ખેતીના અધિકારનો મુદ્દો."
ત્યારે ગુજરાતમાં આદિવાસીઓમાં રોજગારીની સમસ્યાને કારણે પલાયન પણ એક મુદ્દો છે. આદિવાસીઓ રોજગારીની શોધમાં શહેરો તરફ પલાયન કરી રહ્યા હોવાનું ચલણ વધ્યું છે.
નિષ્ણાતોનું કહેવું છે કે આદિવાસીમાં શિક્ષણનો અભાવ અને રોજગારની તકો ન હોવાને કારણે તેઓ ખૂબ દયનીય પરિસ્થિતિમાં શહેરોમાં મજૂરી કરતા થયા છે.
ઇનેશ વસાવા કહે છે કે ડાંગ, તાપી અને સુરતમાંથી કેટલાય આદિવાસી પુરુષો અને મહિલાઓ હવે અનેક સ્થળોએ સડકનિર્માણમાં મજૂરી કરે છે. કોડવાળિયા આદિવાસીઓના પરિવારો શેરડીનાં ખેતરોમાં ખેતમજૂર તરીકે કામ કરે છે. તેમની પરિસ્થિતિ બહુ ખરાબ છે.
તેઓ કહે છે કે શિક્ષણમાં પણ સરકાર શાળાઓનું મર્જર કરી રહી છે અને શાળાઓની સંખ્યા ઘટી રહી છે. જે આદિવાસીઓ શિક્ષણ, સુવિધાઓ અને રોજગારની અછતને કારણે ગામ છોડીને શહેર જાય છે, તેમના માટે સરકારે સુવિધાઓ ઊભી કરવાની જરૂર છે.
ઇનેશ વસાવા કહે છે કે પલાયન કરતા આદિવાસીઓની સાથે તેમની સંસ્કૃતિ, ભાષા તથા પ્રકૃતિ સાથેનો તેમનો સંબંધ પણ નાશ પામે છે. સરકારે વોટબૅન્કની રાજનીતિ છોડીને ખરેખરે જરૂરી એવા કામ કરવાની જરૂર છે.
ત્યારે કૉંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ કહે છે કે આદિવાસીઓને જંગલની જમીનનો જે અધિકાર છે એ આપવામાં આવ્યો નથી. કોઈ આદિવાસી ત્રણ એકરનો દાવો કરે તો તેને એક એકર મળે, એ રીતે આદિવાસીઓનો હક મારવામાં આવ્યો છે.
હસમુખ પટેલ કહે છે કે સરકારો જંગલમાં ખેતી માટે થોડા ઘણા પટ્ટા આપી દે અને મુદ્દો શાંત પાડવાનો પ્રયત્ન કરે. જોકે એ પણ ખરું કે આ સંવેદનશીલ મુદ્દો પૂર્ણ રૂપથી ભાજપના હાથમાં પણ નથી. પરંતુ એ જરૂરથી કહી શકાય કે આદિવાસીઓ રાજકારણમાં બીજી સ્પેસ શોધી રહ્યા છે.
જોકે આ પ્રથમ વખત નથી કે અયોધ્યાના રામમંદિરની મુલાકાતે જનારાઓ માટે કોઈ વિશેષ જાહેરાત કરવામાં આવી હોય.
આની પહેલાં દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારે પણ અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ પૂરું થાય પછી વૃદ્ધજનો માટે રામમંદિરની મફત મુલાકાતની સુવિધા આપવાની જાહેરાત કરી હતી.
જોકે ત્યારે કૉંગ્રેસ તેને ક્યારેય પૂરું ન થઈ શકે તેવું સ્વપ્ન ગણાવ્યું હતું તો ભાજપે પણ આમ આદમી પાર્ટીની ટીકા કરી હતી.
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=UlkuLX-EXBg
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો