ભારતની લોકશાહીને ‘ચૂંટાયેલી તાનાશાહી’ કેમ ગણાવાઈ રહી છે?
ભારતની લોકશાહીનું રૅન્કિંગ આજકાલ સતત ઘટી રહ્યું છે.
પોતાને વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે ઓળખાવતા દેશ માટે આ ચિંતાજનક સમાચાર છે.
ચાલુ મહિનાના પ્રારંભે અમેરિકા સ્થિત બિન-સરકારી સંગઠન 'ફ્રીડમ હાઉસે' વૈશ્વિક રાજકીય અધિકારો અને સ્વતંત્રતા અંગે એક વાર્ષિક અહેવાલ બહાર પાડ્યો હતો. તેમાં તેણે ભારતને 'મુક્ત લોકશાહી'થી ડાઉનગ્રેડ કરીને 'આંશિક મુક્ત લોકશાહી'નો દરજ્જો આપ્યો હતો.
ગયા સપ્તાહમાં સ્વિડન સ્થિત વી-ડેમ ઇન્સ્ટિટ્યૂટે પણ લોકશાહી અંગે તાજો અહેવાલ પ્રકાશિત કર્યો હતો જે વધારે આકરો હતો. તેમાં જણાવાયું હતું કે, ભારત 'ઇલેક્ટોરલ ઓટોક્રેસી' એટલે કે 'ચૂંટણીલક્ષી આપખુદશાહી' બની ગયું છે. ગયા મહિને ધ ઇકૉનૉમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ દ્વારા પ્રકાશિત લેટેસ્ટ ડેમૉક્રેસી ઇન્ડેક્સમાં ભારતને "દોષપૂર્ણ લોકશાહી" તરીકે ઓળખાવાયું હતું અને તે બે સ્થાન નીચે ઉતરીને 53મા સ્થાને પહોંચી ગયું હતું.
આ રૅન્કિંગમાં લોકશાહીને નબળી પાડવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની હિંદુ રાષ્ટ્રવાદી ભાજપ સરકારને જવાબદાર ગણાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે, મોદીની દેખરેખ હેઠળ માનવ અધિકાર જૂથો પર દબાણ વધ્યું છે, પત્રકારો અને ચળવળકર્તાઓને ડરાવવામાં આવે છે અને હુમલાઓનું પ્રમાણ વધ્યું છે, ખાસ કરીને મુસ્લિમો પર હુમલા વધ્યાં છે. તેમણે કહ્યું કે આના કારણે દેશમાં રાજકીય અને નાગરિક સ્વતંત્રતાની સ્થિતિ કથળી છે.
ફ્રીડમ હાઉસે જણાવ્યું કે 2014માં મોદી સત્તા પર આવ્યા ત્યારથી ભારતમાં નાગરિક સ્વતંત્રતા ઘટી રહી છે. "મુક્ત રાષ્ટ્રોમાં ભારતનું ઉપલા સ્થાનેથી પતન થાય" તેનાથી વિશ્વના લોકશાહી ધોરણો પર વધારે માઠી અસર પડશે.
વી-ડેમે જણાવ્યું કે, મોદીના શાસન દરમિયાન "વાણી સ્વાતંત્ર્ય, મીડિયા અને સિવિલ સોસાયટીનું ગળું રુંધવાનું કામ બહુ આગળ વધ્યું છે". સેન્સરશિપની વાત આવે ત્યારે ભારતની હાલત "પાકિસ્તાન જેટલી જ ખરાબ છે. ભારતની તુલનામાં બાંગ્લાદેશ અને નેપાળની સ્થિતિ પણ સારી છે."
ડેમૉક્રેટિક ઇન્ડેક્સમાં જણાવાયું હતું કે સરકાર દ્વારા "લોકશાહીને કરાયેલું નુકસાન" તથા નાગરિક સ્વતંત્રતા પર "તરાપ"ના કારણે ભારતનું રૅન્કિંગ કથળ્યું છે. તેમાં જણાવાયું હતું કે મોદીની નીતિઓથી "મુસ્લિમ વિરોધી લાગણી તથા ધાર્મિક ઉશ્કેરાટ ફેલાવાયો છે તથા દેશના રાજકીય માળખાને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે."
- મોદી સરકારના રાજમાં ભારતનું લોકતંત્ર નબળું થયું?
- ભારતમાં પત્રકારો પર હુમલા કેમ થઈ રહ્યા છે?
- પત્રકારોની સામે આટલી એફઆઈઆર ઉત્તર પ્રદેશમાં કેમ?
ભારત સરકારે કેવો પ્રતિભાવ આપ્યો?

દેખીતી રીતે જ લોકશાહીના મામલે એક પછી એક ડાઉનગ્રેડના કારણે મોદી સરકાર નારાજ છે. તેના કારણે ભારતીય લોકશાહીની વૈશ્વિક છબિને અસર પડે છે.
ફ્રીડમ હાઉસના રિપોર્ટ અંગે પ્રતિક્રિયા આપતા વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ભારત "મજબૂત સંસ્થાઓ અને સુદૃઢ લોકશાહી પ્રણાલી" ધરાવે છે. ભારતને "એવા દેશોના ઉપદેશની કોઈ જરૂર નથી જેઓ પોતે અનેક ખામીઓ ધરાવે છે." ભારતે કહ્યું કે આ રિપોર્ટમાં જે રાજકીય અંદાજ કાઢવામાં આવ્યો છે તે "ખામીયુક્ત અને પક્ષપાતી" છે.
વી-ડેમના રિપોર્ટ અંગે વિપક્ષના સાંસદો સવાલ ઉઠાવવા માંગતા હતા ત્યારે સંસદના ઉપલા ગૃહના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ તેમને સવાલ ઉઠાવવાની મંજૂરી આપી ન હતી. તેમણે કહ્યું કે "જે દેશો ભારત સામે આંગળી ચિંધી રહ્યા છે તેમણે સૌથી પહેલા પોતાની સ્થિતિ જોવી જોઈએ અને પછી ભારત અંગે ટિપ્પણી કરવી જોઈએ."
સપ્તાહાંતમાં ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે આ અહેવાલોની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.
જયશંકરે એક ન્યૂઝ નેટવર્કને જણાવ્યું કે, "તમે ડેમૉક્રેસી અને ઓટોક્રેસી (આપખુદશાહી) જેવા શબ્દો દ્વારા વર્ગીકરણ કરો છો. તમારે સાચો જવાબ જોઈએ છે...આ હાઇપોક્રેસી (દંભ) કહેવાય. કારણ કે તે વિશ્વના જાતે બની બેસેલા હિતરક્ષકો છો. ભારત જેવા દેશને તમારી પ્રશંસાની જરૂર નથી તે વાત પચાવવી તેમના માટે બહુ મુશ્કેલ છે. ભારત એ રમત રમવા નથી માંગતું જે તેઓ ઇચ્છે છે."
"તેથી તેમણે પોતાના નિયમો શોધ્યા, માપદંડ વિકસાવ્યા અને પોતાનો ચુકાદો આપી દીધો અને પછી એવું દેખાડવા પ્રયાસ કરે છે જાણે આ કોઈ વૈશ્વિક કવાયત હોય".
આ રૅન્કિંગ કેટલા વિશ્વસનીય હોય છે?
ખરું કહેવામાં આવે તો આ રૅન્કિંગ વૈશ્વિક સ્તરની કવાયત હોય છે.
ફ્રીડમ હાઉસનો રાજકીય અધિકારો અને નાગરિક સ્વતંત્રતા અંગેનો તાજેતરનો રિપોર્ટ 195 દેશો અને 15 પ્રદેશોમાં બનતી ઘટનાઓને આવરી લે છે.
વી-ડેમનો દાવો છે કે તે 1789થી 2020 દરમિયાન 202 દેશોને આવરી લેતો લોકશાહી અંગેનો સૌથી મોટો ડેટાસેટ તૈયાર કરે છે.
ધ ઇકૉનૉમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટનો ડેમૉક્રેસી ઇન્ડેક્સ 165 દેશો અને બે પ્રદેશોમાં લોકશાહીની સ્થિતિ અંગે અંદાજ આપે છે.
આ ઉપરાંત આ રૅન્કિંગ ચોક્કસ "નિયમો અને માપદંડો"ના આધારે કરવામાં આવે છે.
વી-ડેમ કહે છે કે તે "લોકશાહીની સેંકડો જુદી જુદી લાક્ષણિકતાઓને" ચકાસે છે અને લગભગ 30 મિલિયન ડેટા પૉઇન્ટના આધારે રિપોર્ટ બનાવે છે. તેમાં 3500થી વધુ સ્કૉલર્સ અને જુદા જુદા દેશોના નિષ્ણાતો સામેલ હોય છે.
ઇકૉનૉમિસ્ટનો ડેમૉક્રેસી ઇન્ડેક્સ ચૂંટણીની પ્રક્રિયા અને વૈવિધ્યનું આકલન કરે છે, તે સરકારની કામગીરી, રાજકીય હિસ્સેદારી, રાજકીય સંસ્કૃતિ અને નાગરિક સ્વતંત્રતા પર આધારિત હોય છે. ફ્રીડમ હાઉસ કહે છે કે તે દ્વિ-સ્તરીય સિસ્ટમનો ઉપયોગ કરે છે જેમાં સ્કૉર અને સ્ટેટસ બંને જોવામાં આવે છે. કોઈ પણ દેશને ત્યાંના રાજકીય અધિકારો અને નાગરિક સ્વતંત્રતાના સૂચકાંકોના આધારે પૉઇન્ટ અપાય છે.
યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા મુજબ આવા રૅન્કિંગ જથ્થાત્મક મૂલ્યાંકન (ક્વોન્ટિટેટિવ એસેસમેન્ટ) અને ગુણાત્મક મૂલ્યાંકન પર આધારિત હોય છે. તેમાં રાષ્ટ્રીય સંસદમાં રાજકીય પક્ષોની બેઠકોની વહેચણી તથા ભ્રષ્ટાચાર વિરોધી વ્યવસ્થા અસરકારક છે કે નહીં તે જોવામાં આવે છે.
આ સૂચકાંકોના આધારે ઇન્ડેક્સ બનાવવો એ સબ્જેક્ટિવ કામગીરી હોય છે. તેનો આધાર નિષ્ણાતો દરેક માપદંડને કઈ રીતે જુએ છે અને તેને કેટલું વેઈટેજ આપે છે તેના પર રહેલો છે.
યુનિવર્સિટી ઓફ કનેક્ટિકટ ખાતે પોલિટિકલ સાયન્સના આસિસ્ટન્ટ પ્રોફેસર અને વી-ડેમના કન્ટ્રી ઍક્સપર્ટ યોનાતન એલ મોર્સ સ્વીકારે છે કે લોકશાહીનું મૂલ્યાંકન કરવામાં 'અમુક પ્રમાણમાં વ્યક્તિગત મત' ભૂમિકા ભજવે છે.
પરંતુ પ્રોફેસર મોર્સ જણાવે છે કે વી-ડેમ આ બાબતના ઉકેલ માટે કેટલીક ચીજો "બહુ સારી રીતે" કરે છેઃ તેઓ પ્રશ્નોની એક વિસ્તૃત યાદી બનાવે છે જેથી ચૂંટણી આધારિત લોકશાહીના મહત્ત્વના તત્ત્વો સમાવી લેવાય (નિષ્પક્ષ ચૂંટણી અને બીજી કેટલીક બાબતો). વિવિધ પરિબળોની આકારણી કરીને સ્વચ્છ ચૂંટણીને રૅટિંગ અપાય છે. દરેક દેશને વિવિધ નિષ્ણાતો દ્વારા રૅટિંગ આપવામાં આવે છે. નિષ્ણાતોના અભિપ્રાયમાં મતભેદ હોય તો તેને આંકડાકીય મૉડેલનો ઉપયોગ કરીને એક સિંગલ પગલાંમાં રૂપાંતરિત કરાય છે જેનાથી પરિણામોની વધુ વિશ્વસનીય રીતે આગાહી કરી શકાય છે.
આ ઉપરાંત મોટા ભાગના રૅન્કિંગમાં લોકશાહીની એક સ્થાપિત વ્યાખ્યા લાદવામાં નથી આવતી. નિષ્ણાતો માને છે કે 'ચૂંટણી આધારિત લોકશાહી' એ સૌથી પાયાની ચીજ છે.
શું ભારતનું ડાઉનગ્રેડિંગ અસામાન્ય બાબત છે?
રૅન્કિંગને ધ્યાનમાં લેવામાં આવે તો અત્યારે સમગ્ર વિશ્વમાં લોકશાહી સંકટમાં છે.
વી-ડેમ જણાવે છે કે અત્યારે 87 દેશ એવા છે જ્યાં ઇલેક્ટોરલ ઓટોક્રેસી (આપખુદશાહી) હાજર છે અને વિશ્વના 67 ટકા લોકો આ દેશોમાં રહે છે. તેઓ કહે છે કે ઉદારવાદી લોકશાહી ઘટી રહી છે અને માત્ર 14 ટકા લોકો ઉદારવાદી લોકશાહીમાં જીવે છે.
ફ્રીડમ હાઉસના અહેવાલ પ્રમાણે અત્યારે વિશ્વની 20 ટકાથી ઓછી વસતી મુક્ત દેશોમાં જીવે છે. 1995 પછી આ આંકડો સૌથી ઓછો છે. 2020 લોકશાહી ઇન્ડેક્સમાં આ મોડેલ હેઠળ આવરી લેવાયેલા 167 દેશો અને પ્રદેશોમાંથી માત્ર 75 દેશોને લોકશાહી કહી શકાય તેવા હતા. એટલે કે માત્ર 44.5 ટકા દેશોને લોકશાહી ગણી શકાય તેમ છે.
પ્રોફેસર મોર્સ જણાવે છે કે, "મોટા ભાગના લોકોને એ વાતની ચિંતા છે કે સ્થાપિત લોકશાહી હોય તેવા દેશોમાં લોકશાહી તૂટી રહી છે. હંગેરી અને તુર્કી પછી ભારત તેનું તાજું ઉદાહરણ છે. ભારતનો કેસ વિશિષ્ટ છે કારણ કે ત્યાં બહુ મોટી વસતી છે અને ભૂતકાળમાં તે વિવિધ જાતિની લોકશાહીનું સફળ મૉડેલ રહી ચૂક્યું છે."
તેઓ કહે છે કે તાજેતરમાં જ્યાં લોકશાહીઓ નબળી પડી તેની પેટર્ન ભારતમાં પણ જોવા મળે છે.
પ્રોફેસર મોર્સ જણાવે છે કે, "લોકપ્રિય નેતાઓ સૌથી પહેલા તો દેશની કાળજી રાખતા સ્થાનો પર કબજો જમાવે છે (ઉદા. તરીકે તેઓ સિવિલ સર્વિસમાં પોતાના માણસોની નિમણૂકો કરે છે અથવા ન્યાયતંત્રમાં નિમણૂકોમાં હસ્તક્ષેપ કરે છે).
ઘણી વખત તેઓ મીડિયાને સેન્સર કરીને વાણી સ્વતંત્રતાનું ગળું દબાવે છે, એકેડેમિક સ્વતંત્રતાને મર્યાદિત કરે છે અથવા સિવિલ સોસાયટી પર અંકુશ મૂકે છે. લોકપ્રિય નેતાઓ ઘણી વખત સમાજનું ધ્રુવીકરણ કરે છે અને રાજકીય વિપક્ષને ખતમ કરે છે.
ઘણી વખત તેઓ વિપક્ષને દેશ અથવા લોકોના દુશ્મન તરીકે રજુ કરે છે. ત્યાર બાદ ઘણી વખત તેમાં લોકતાંત્રિક વિશ્વસનીયતાનો છેદ ઉડી જાય છે અને છેડેચોક છેતરપિંડી આચરવામાં આવે છે."
શું આ રૅન્કિંગમાં જમણેરી સરકારો વિરુદ્ધ કોઈ પૂર્વગ્રહ હોય છે?
યુનિવર્સિટી ઑફ શિકાગો ખાતે પોલિટિકલ સાયન્સના ઍસોસિયેટ પ્રોફેસર પૌલ સ્ટેનિલેન્ડે વી-ડેમે પોતાના ડેમૉક્રેસી ઇન્ડેક્સમાં ભારતની લોકશાહીનું 1947થી અત્યાર સુધીનું જે આકલન કર્યું તેનો અભ્યાસ કર્યો છે.
તેમણે જોયું કે 1970ના દાયકામાં વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ કટોકટી લાદી અને નાગરિકોની સ્વતંત્રતા આંચકી લીધી તે સમયે ભારતનું રૅન્કિંગ નીચું હતું.
કોંગ્રેસના પ્રભાવ હેઠળના 1950થી 1960ના દાયકાની તુલનામાં 1990ના દાયકામાં ભારતમાં લોકશાહી વધુ મજબૂત હતી.
1998થી 2004 દરમિયાન ભાજપની ગઠબંધન સરકાર હતી ત્યારે ભારતના લોકશાહી રૅન્કિંગમાં ખાસ ઘટાડો થયો ન હતો.
"તેથી તેમાં જમણેરી પક્ષ વિરુદ્ધ કોઈ પૂર્વગ્રહ નથી. હકીકતમાં 2005થી 2013 દરમિયાન કોંગ્રેસની આગેવાની હેઠળ યુપીએ સરકાર હતી ત્યારે રૅન્કિંગમાં સહેજ ઘટાડો થયો હતો. એવું પણ નથી કે વી-ડેમ 1970 કે 1980ના દાયકામાં ઇંદિરા ગાંધીના શાસનના મોટા હિમાયતી હતા."
પ્રોફેસર સ્ટેનિલેન્ડ કહે છે, "કોઈ કોઇને આ બાબતે 'સહમત' થવાની ફરજ પાડતું નથી. આ બાબતોનું આકલન કરવાના વૈકલ્પિક રસ્તા પણ છે. આ બાબતો કેટલી સચોટ હોઈ શકે તે અંગે ઘણી શરતો પણ છે. પરંતુ તેના પરથી એક સર્વાંગી ચિત્ર અને ટ્રૅન્ડ જાણી શકાય છે તેવું માનવાના પૂરતા કારણો છે."
આ રૅન્કિંગ આખરે કેટલા ઉપયોગી હોય છે?
યેલ-એનયુએસ કૉલેજ ખાતે પોલિટિકલ સાયન્સના આસિસ્ટન્ટ પ્રોફેસર રોહન મુખરજી કહે છે કે રિસર્ચ માટે અને શિક્ષણવિદોને જેમાં રસ હોય છે તે ટ્રૅન્ડ ઓળખવા માટે આવા રિસર્ચ બહુ ઉપયોગી હોય છે.
તેમણે મને જણાવ્યું કે, "જુદા જુદા વર્ષો વચ્ચે માત્ર સ્કોરના તફાવતની સરખામણી કરવી હોય કે સમાન સ્કોર ધરાવતા દેશો વચ્ચે તુલના કરવી હોય તો આવા સંશોધન ઉપયોગ નથી."
આપણે લોકશાહીને કઇ રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ અને લોકશાહીની વ્યાખ્યા કોના દ્વારા થાય છે તેના માટે પણ તે મહત્ત્વના છે.
પ્રોફેસર મુખરજી કહે છે કે મોટા ભાગના નોન-એકૅડેમિક્સને એ વાત માનવામાં નહીં આવે કે કોઇ દેશના કરોડો નાગરિકો આ તારણો સાથે સહમત ન હોવા છતાં મુઠ્ઠીભર રિસર્ચ નિષ્ણાતો કોઇ પણ દેશને "ઇલેક્ટોરલ ઓટોક્રેસી" જાહેર કરી દે.
"તેથી ખરેખર તો આ વાસ્તવિકતાથી જોજનો દૂર થતી એકૅડેમિક ચર્ચા અને વિચારોનો વિષય છે. બંને ક્ષેત્રમાં સંચાલકીય વિચારો એકબીજાથી સાવ અલગ હોય છે."
પ્રોફેસર મુખરજી કહે છે કે વી-ડેમના ડેટાસેટમાં લોકશાહીની એક ચોક્કસ અને બહુઆયામી વ્યાખ્યા છે. મોટી સંખ્યામાં ભારતીયો જે રીતે જીવે છે અને પોતાની રાજકીય વ્યવસ્થા અંગે જે વિચારે છે તેમાં લોકશાહીના ઘણા પાસાનો વિચાર કરતા નથી.
તેઓ કહે છે કે, "તેનો અર્થ એવો નથી કે તેમનો અનુભવ અપૂરતો છે, પરંતુ તે વૈચારિક ખાઈ દર્શાવે છે."
- કોરોના વાઇરસની દવા મળી, જે બચાવી રહી છે લોકોના જીવ
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચી શકાય?
- કોરોના વાઇરસ દૂધની થેલી અને શાકભાજી પર કેટલું જીવે છે?
- કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુમાંથી ફેલાયો?
https://www.youtube.com/watch?v=ZRQzTI1XTk4
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો