• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુજરાતને GST વળતરના બાકી કરોડો રૂપિયા આપવામાં મોદી સરકાર દ્વારા મોડું કેમ થઈ રહ્યું છે?

By BBC News ગુજરાતી
|
Google Oneindia Gujarati News

કોરોના અને લૉકડાઉનના કપરા સમયમાં ગુજરાત જેવાં રાજ્યોએ આવકમાં ભારે ફટકો સહન કર્યો છે. બીજી તરફ કેન્દ્ર સરકારે પણ જીએસટીનું સંપૂર્ણ વળતર આપ્યું નથી.

લૉકડાઉન અને આર્થિક નરમાઈના કારણે રાજ્યમાં કરની વસુલાત ઘટી હતી.

તાજેતરમાં રાજ્યના કૉમર્શિયલ ટૅક્સ ડિપાર્ટમેન્ટે આપેલા ડેટા મુજબ ગુજરાતે હજુ કેન્દ્ર સરકાર પાસેથી રૂપિયા 8400 કરોડનું જીએસટી વળતર મેળવવાનું બાકી છે. રાજ્ય સરકારના અંદાજ મુજબ ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં ગુજરાત કેન્દ્ર પાસેથી રૂપિયા 23,200 કરોડનું વળતર મેળવવાને પાત્ર હશે.

1 જુલાઈ, 2017થી દેશમાં જીએસટી અમલમાં આવ્યો તે સમયે જ ઘણાં રાજ્યોને ચિંતા હતી કે જીએસટીના કારણે તેમની આવક પહેલાં કરતાં ઘટી જશે. ખાસ કરીને ગુજરાત જેવાં મૅન્યુફૅક્ચરિંગ આધારિત રાજ્યોને આવો ભય હતો.

સૅન્ટ્રલ જીએસટી ઍક્ટ મુજબ જીએસટીના અમલીકરણ પછી પ્રથમ પાંચ વર્ષમાં રાજ્યોને જે નુકસાન જાય તેની કેન્દ્ર દ્વારા ભરપાઈ કરવામાં આવશે.

હાલમાં કેન્દ્ર સરકારની સેસની આવક પણ ઘટી હોવાથી તે ચૂકવણી કરી શકી નથી.

જીએસટી લાગુ થયો ત્યારથી દરેક રાજ્ય ટૅક્સ વસુલાતમાં ઘટ પડે તો વાર્ષિક ધોરણે 14 ટકાના દરે વળતર મેળવવાને પાત્ર છે.

ફેબ્રુઆરીના આંકડા પ્રમાણે કેન્દ્ર સરકાર પાસેથી સૌથી વધુ જીએસટી વળતરની માગણી પૅન્ડિંગ હોય તેવાં રાજ્યોમાં ગુજરાત ત્રીજા સ્થાને હતું.

ટોચના બે રાજ્યોમાં મહારાષ્ટ્ર (રૂપિયા 31,892 કરોડ) અને કર્ણાટક (રૂપિયા 19504 કરોડ) સામેલ હતા. જેમણે કેન્દ્ર પાસેથી જંગી જીએસટી વળતરની માગણી કરી છે. ઉત્પાદન આધારિત રાજ્યોએ કેન્દ્ર સરકાર પાસે જીએસટીનું સૌથી વધારે વળતર માગ્યું છે.

ગુજરાતને લોન અને સેસ ફંડ તરીકે કેટલા કરોડ મળ્યા?

સંસદ

નાણામંત્રાલયના આંકડા પ્રમાણે દેશમાં જીએસટી લાગુ કરવામાં આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં ગુજરાતે કેન્દ્ર પાસેથી રૂપિયા 29,243 કરોડનું વળતર મેળવ્યું છે.

બીબીસી સાથે વાત કરતા રાજ્યના કૉમર્શિયલ ટૅક્સ કમિશનર જે. પી. ગુપ્તાએ જણાવ્યું, "2016-17ની આવકના આધારે રાજ્યોનો પાંચ વર્ષ સુધી દર વર્ષે 14 ટકાના દરે વૃદ્ધિ સાથે વળતર આપવાનું નક્કી થયું હતું. આ એક અંદાજિત આવક હતી અને વાસ્તવિક આવક વચ્ચે જે ગેપ હોય તેના આધારે જીએસટી વળતર ચૂકવાય છે. ગુજરાતને ત્રણ વર્ષથી વળતર મળે જ છે."

તેમણે કહ્યું કે, "આ વર્ષે સ્થિતિ એવી પેદા થઈ કે રૅવન્યુ ગ્રૉથ નૅગેટિવ થઈ ગયો. તેના કારણે રાજ્યો દ્વારા માગવામાં આવતી વળતરની રકમ વધી ગઈ."

"તેથી સરકારે એક સેસ ફંડની રચના કરી જેમાંથી રાજ્યોને વળતર ચૂકવવામાં આવે પરંતુ કોરોનાના કારણે સેસ ફંડની આવક કરતાં પણ વળતરની રકમ વધી ગઈ. ત્યાર બાદ સરકારે લોન દ્વારા રાજ્યોને નાણાં આપવાનું નક્કી કર્યું હતું."

જીએસટીનું વળતર સામાન્ય રીતે કેન્દ્ર સરકાર દ્વારા તેના સેસ ફંડમાંથી ક્લિયર કરવામાં આવતું હોય છે. તાજેતરમાં ગુજરાતના બજેટ પછી રાજ્યના કૉમર્શિયલ ટૅક્સ કમિશનર જે. પી. ગુપ્તાએ જણાવ્યું હતું કે સેસની વસુલાત પણ ઘટી હોવાથી કેન્દ્ર સરકારે તેના સેસ ફંડમાંથી ગુજરાતને માત્ર રૂપિયા 6,000 કરોડ રિલિઝ કર્યા છે.

આ ઉપરાંત રાજ્યને એક લોન મારફત રૂપિયા 9,200 કરોડની ફાળવણી કરવામાં આવી છે. તેમાંથી અમને રૂપિયા 8,800 કરોડ મળ્યા છે અને બાકીના રૂપિયા 400 કરોડ ટૂંક સમયમાં રિલિઝ થવાની શક્યતા છે.

ગુજરાતે અત્યાર સુધીમાં લોન અને સેસ ફંડ તરીકે રૂપિયા 14,800 કરોડ મેળવ્યા છે.


ઉત્પાદન આધારિત રાજ્યોને જીએસટીથી નુકસાન

આઈઆઈએમ અમદાવાદના ઇકૉનોમિક્સના પ્રોફેસર સૅબેસ્ટિયન મૉરિસે જણાવ્યું કે ગુજરાતે જીએસટીની ફૉર્મ્યુલા માટે આટલી આસાનીથી સહમત થવાની જરૂર ન હતી. કારણ એ તેમાં મૅન્યુફૅક્ચરિંગ આધારિત રાજ્યોને નુકસાન જવાનું જ હતું.

તેમણે કહ્યું કે "ગુજરાત એક ઉત્પાદક રાજ્ય છે અને જીએસટીની અગાઉ તેને મૅન્યુફૅક્ચરિંગ પરના ટેક્સમાંથી ઘણી સારી આવક થતી હતી. જીએસટી લાગુ થયા પછી ગુજરાતે આ લાભ ગુમાવ્યો છે કારણ કે જીએસટી ડૅસ્ટિનેશન બૅઝ્ડ ટૅક્સ હોવાથી ગુજરાતને જીએસટીનો દર ઊંચો પડે છે જ્યારે બિહાર જેવા રાજ્યને તેમાં ફાયદો છે."

"અત્યારે ગુજરાતમાં ટૅક્સ વસુલવામાં આવે છે અને તે ટૅક્સ કેન્દ્ર સરકાર પાસે જાય છે. ગુજરાતની જેમ આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, ઓડિશાને પણ જીએસટીના કારણે નુકસાન છે."

"જીએસટીના હાલના માળખાની તકલીફ એ છે કે ગુજરાતમાં ઉદ્યોગો સ્થાપવાનું પ્રોત્સાહન ઘટશે. ઉદ્યોગો સ્થાપવાથી પ્રદૂષણ જેવી નકારાત્મક અસર થાય તે ગુજરાતે ભોગવવી પડશે જ્યારે તેનાં નાણાં કેન્દ્રના હાથમાં જશે."

"જીએસટી લાગુ કરતી વખતે કેન્દ્રે રાજ્યોને જે દરે વળતર આપવાનું કહ્યું હતું તે દર નૉમિનલ જીડીપી કરતાં ઊંચો હતો. તેથી આટલા પ્રમાણમાં વળતર આપવું પહેલેથી અશક્ય હતું."

પ્રોફેસર સૅબેસ્ટિયન મૉરિસ મુજબ ભારતનો જીએસટી દર જોવામાં આવે તો દેશના ઉદ્યોગોને તે વધારે પરેશાન કરી શકે છે જ્યારે ચીનમાં ઉદ્યોગોને એવી તકલીફ નથી. જીએસટી નવા ટૅક્સ તરીકે લાગુ થયો હોય ત્યારે શરૂઆતના સમયમાં ઊંચા દર ટાળવાની જરૂર હતી.

તેમણે કહ્યું કે કેન્દ્ર દ્વારા વળતરની યોજના પૂરી થાય ત્યાર પછી રોકાણ આકર્ષવા માટે મૅન્યુફૅક્ચરિંગ આધારિત રાજ્યોને પ્રોત્સાહન મળી રહે તેવું કંઈક કરવું જોઈએ જેથી તેઓ રોકાણ આકર્ષવાનું જારી રાખી શકે.


જીએસટી મામલે પહેલેથી ટકરાવ

કેન્દ્ર અને રાજ્યો વચ્ચે જીએસટીના મુદ્દે સતત ખેંચતાણ થતી રહે છે. જીએસટી લાગુ કરવા માટે રાજ્યોને તૈયાર કરવા સરકારે પહેલાંથી વળતરના બહુ ઊંચા દરનું વચન આપ્યું હતું, પરંતુ અત્યારની સ્થિતિમાં આ રકમ ચુકવવી મુશ્કેલ જણાય છે.

જીએસટી લાગુ થયો ત્યારે 'વન નેશન વન ટૅક્સ'ના નામે ભારતની ટૅક્સ સિસ્ટમનું સરળીકરણ થશે તેવી આશા હતી, પરંતુ હવે તે વધારે જટિલ જણાય છે અને કેટલાક લોકો અગાઉની જૂની ટૅક્સ સિસ્ટમની માગ કરી રહ્યા છે.

2021માં અંદાજિત ટૅક્સ આવક અને તમામ રાજ્યોની જીએસટી વસુલાત વચ્ચેનો તફાવત ત્રણ લાખ કરોડ રૂપિયાનો હતો. તેની સામે આ ગેપની ભરપાઈ કરવા માટે રચવામાં આવેલા જીએસટી વળતર સેસથી માત્ર રૂપિયા 65,000 કરોડ એકત્ર થવાનો અંદાજ છે. તેના કારણે જીએસટીના વળતરની માગ અને સેસની રકમ વચ્ચે રૂપિયા 2.35 લાખ કરોડની જંગી ખાઈ રચાય છે.

કેન્દ્ર સરકાર આ બાબતમાં નાણાંની વ્યવસ્થા કરવાના બદલે પોતાની જવાબદારીથી હાથ ધોઈ રહી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારે જીએસટીમાં ઘટની રકમ સામે આરબીઆઈ પાસેથી ઋણ લેવાની ભલામણ કરી હતી. 'સ્ક્રોલ ડોટ ઇન'ના અહેવાલ પ્રમાણે કેરળના નાણામંત્રીએ ફરિયાદ કરી હતી કે સરકારની સ્કિમ હેઠળ અસલમાં રાજ્યોએ જીએસટી ઘટની આખી રકમની લોન લેવી પડે તેમ છે.

દેશમાં કોરોનાના કેસ નોંધાવા લાગ્યા તે પહેલાંથી જ એ બાબતનો અણસાર આવી ગયો હતો કે જીએસટી વળતરમાં ઘટ પડશે. જીએસટી કાઉન્સિલે સપ્ટેમ્બર 2019માં જ એક બેઠકમાં આ અંગે ચર્ચા કરી હતી. હકીકતમાં જૂની ટૅક્સ સિસ્ટમની જગ્યાએ નવી પ્રણાલી લાગુ થઈ ત્યારથી જ જીએસટીમાં કોઈને કોઈ સમસ્યા રહી છે.

કેન્દ્રમાં મનમોહન સિંહની યુપીએ સરકાર હતી ત્યારે જીએસટીનો ઉગ્ર વિરોધ કરવામાં ગુજરાત અગ્રેસર હતું. પરંતુ જ્યારે જીએસટીના વળતર તરીકે 14 ટકાના વૃદ્ધિદરે મોટી રકમ આપવાની ખાતરી આપવામાં આવી ત્યારે રાજ્યો જીએસટી અપનાવવા તૈયાર થઈ ગયા.

જીએસટી લાગુ થયો તેની સરકાર દ્વારા ખાસ ઉજવણી કરવામાં આવી હતી અને સંસદમાં મધરાતે ખાસ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યાર બાદ અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને પુડુચેરી જેવાં રાજ્યો જીએસટીની જગ્યાએ જૂની ટૅક્સ સિસ્ટમ લાવવાની માગણી કરી ચૂક્યાં છે.


હવે કેમ અન્યાયની બૂમ નથી પડતી?

ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા ડૉક્ટર મનીશ દોશીએ જણાવ્યું કે, "કેન્દ્ર અને રાજ્ય સરકારના અણધડ વહીવટના કારણે આ સ્થિતિ પેદા થઈ છે. જીએસટી લાવતી વખતે વન નેશન વન ટૅક્સની વાત હતી પરંતુ અત્યારે મલ્ટિપલ ટૅક્સ જેવી સ્થિતિ છે. ડૉક્ટર મનમોહનસિંહની યુપીએ સરકાર વખતે જીએસટીની જે યોજના હતી તેના કરતાં અત્યારનું સ્ટ્રક્ચર સાવ અલગ છે."

"અમે મહત્તમ 18 ટકા ટૅક્સની હિમાયત કરતા હતા જ્યારે આ સરકારમાં 21થી 24 ટકા સુધી ટૅક્સ પહોંચે છે. તેના કારણે ઉદ્યોગોને અને નાના વેપારને ભારે નુકસાન થયું છે."

તેમણે કહ્યું કે, "સર્વિસ સેક્ટર પર આધારિત રાજ્યો કરતાં મૅન્યુફૅક્ચરિંગલક્ષી રાજ્યોને વધુ નુકસાન થાય છે. તેનું કારણ એ છે કે લૉકડાઉન વખતે મૅન્યુફૅક્ચરિંગનું કામ સદંતર ઠપ થઈ ગયું હતું. મનમોહનસિંહ સરકાર વખતે જેઓ ગુજરાતને અન્યાયની બૂમો પાડતા હતા તેઓ અત્યારે કેન્દ્ર સામે અવાજ કાઢી શકતા નથી."


https://www.youtube.com/watch?v=ZOVhiEB47jQ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Why is Modi government delaying in paying crores of rupees of GST compensation to Gujarat?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X