• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કચ્છના શીખ ખેડૂતો ગુજરાત સરકાર સામે 10 વર્ષથી જંગે કેમ ચઢ્યા છે?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

કચ્છને ગુજરાતનો ભાતીગળ પ્રદેશ એટલા માટે પણ કહેવામાં આવે છે કે ત્યાં સાંસ્કૃતિક સમન્વય ખૂબ સારો જોવા મળે છે. ત્યાં કચ્છી ઉપરાંત, ગુજરાતી, સિંધી અને પંજાબી બોલનારા લોકો વસે છે.

પંજાબી વાંચીને તમને આશ્ચર્ય થયું હોય તો જાણી લો ત્યાં નોંધપાત્ર સંખ્યામાં પંજાબ અને હરિયાણાથી ખેડૂતો પાંચ દાયકા અગાઉ આવીને વસ્યા છે.

કચ્છના અબડાસા તાલુકાના કોઠરા, બાંકુ વગેરે ગામોમાં શીખોની વસતી છે. ગાંધીધામમાં શીખો વસે છે.

ભુજ પાસેના સુમરાસર, હાજીપીર પાસે નરાગામ વગેરેમાં આ ખેડૂતો વસે છે. લખપત અને ગાંધીધામમાં શીખોનાં ગુરુદ્વારા છે.

કેન્દ્ર સરકારના નવા કૃષિકાયદા સામે પંજાબના ખેડૂતો લગભગ એક મહિનાથી દિલ્હીની સરહદે આંદોલન કરી રહ્યા છે.

ભારત ઉપરાંત દુનિયાના લોકોનું તેમના તરફ ધ્યાન ખેચાયું છે.

જોકે કચ્છના શીખો છેલ્લાં 10 વર્ષથી સરકારની સામે અદાલતી જંગે ચઢ્યા છે. કચ્છના શીખ લોકોના જમીન વિવાદની વાત માંડીએ તે પહેલાં સમજીએ કઈ રીતે કચ્છમાં શીખ લોકો પંજાબ-હરિયાણાથી આવીને વસવાટ કર્યો?


કચ્છમાં વસે છે 'નાનું પંજાબ'

કચ્છમાં પંજાબ અને હરિયાણાથી શીખો આવીને વસ્યા એનું આયોજન ભૂતપૂર્વ વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનું હતું.

1965માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું એ પછી તત્કાલીન વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ શીખ ખેડૂતોને સરહદી વિસ્તાર કચ્છમાં વસવાટ માટે બોલાવ્યા હતા.

આની પાછળ બે તર્ક હતા. કચ્છના સૂકા પ્રદેશને હરિયાળો બનાવવો તેમજ સરહદી વિસ્તારની રખેવાળી થાય અને ઘૂસણખોરી અટકાવવી.

આ હેતુસર પંજાબ અને હરિયાણાના શીખ ખેડૂત પરિવારો ઉપરાંત રાજસ્થાની ખેડૂત પરિવારોને પણ કચ્છમાં વસાવવામાં આવ્યા હતા. 1965 પછી ત્યાં તે લોકો રહેવા-આવવાના શરૂ થયા હતા.

1965થી 1984 સુધી પંજાબ, હરિયાણા અને રાજસ્થાનથી 550 લોકો કચ્છમાં આવીને વસ્યા હતા.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના 5 જાન્યુઆરી, 2014ના અહેવાલ અનુસાર 550 લોકોમાંથી 390 લોકો શીખ હતા. કચ્છની ધરતી પર આ રીતે નાનેરું પંજાબ વિકસ્યું હતું. તેઓ ખેતી કરીને કચ્છમાં હરિયાળી લાવ્યા હતા.

પાંચ દાયકા સુધી બધું સુખરૂપ ચાલ્યું પણ 2010માં કચ્છમાં વસતા શીખોના કપાળે ચિંતાની રેખાઓ ઊપસવા માંડી હતી. 2010માં ત્યાં જમીનને લઈને વિવાદ ઊભો થયો, જેનું આજ સુધી નિરાકરણ આવ્યું નથી.

થયું એવું કે ઑક્ટોબર 2010માં કચ્છના કલેક્ટર એમ. થેન્નારસને 784 લોકોને નોટિસ પાઠવી હતી. જેને પગલે તેમની જમીન 'ફ્રીઝ' કરી દેવામાં આવી હતી. જેમાંના 245 લોકો મૂળ પંજાબના હતા.

'બૉમ્બે ટેનેન્સી ઍન્ડ ઍગ્રિકલ્ચર લૅન્ડ ઍક્ટ 1948' અનુસાર, 1973માં એક અધિનિયમ પાસ કરવામાં આવ્યો હતો. એ મુજબ જે લોકો રાજ્યમાં વારસાની એટલે કે બાપદાદાના વખતથી ખેતી સાથે જોડાયેલા નથી તેઓ ખેતીલાયક જમીન ખરીદી કે વેચી નહીં શકે.

2010માં કચ્છના શીખ ખેડૂતોને એ અંતર્ગત નોટિસ આપવામાં આવી હતી.

2011માં આ કાયદાની સામે કચ્છમાં વસતા શીખ સમુદાયના લોકો ગુજરાત હાઈકોર્ટમાં ગયા હતા. હાઈકોર્ટમાં ડબલ જજ ડિવિઝન બેચમાં તેમની તરફેણમાં ચુકાદો આવતા રાજ્ય સરકાર સુપ્રીમમાં ગઈ હતી.

એ વખતે ગુજરાતમાં મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી હતા. સુપ્રીમમાં મામલો હાલ ચાલી રહ્યો છે.

કચ્છના શીખ લોકોએ સરકારના સુપ્રીમ કોર્ટમાં જવાના નિર્ણય સામે આંદોલન કર્યું હતું. તેમનું માનવું હતું કે તે જમીન પર વૈધાનિક રીતે તેમનો અધિકાર બને છે. હાલ આ મામલો સુપ્રીમમાં છે.


કાયદામાં ખેડૂત શબ્દ છે, ગુજરાતી ખેડૂત નહીં - વકીલ

સુપ્રીમ કોર્ટમાં પંજાબી ખેડૂતોના વકીલ હિમ્મતસિંહ શેરગીલ છે. તેમનો મત છે કે ગુજરાત સરકારે ખેડૂત શબ્દનું અર્થઘટન ખોટું કર્યું છે.

બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, "સુપ્રીમમાં 2013માં તેમજ 2014-15માં સુનાવણી થઈ હતી. હાલ મામલો સુપ્રીમમાં પૅન્ડિંગ છે. જે ઍક્ટનો હવાલો આપવામાં આવ્યો છે તે બૉમ્બે સ્ટેટનો ઍક્ટ હતો."

તેઓ કહે છે, "ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ નહોતાં થયાં ત્યારનો એ ઍક્ટ હતો. આ ઍક્ટ કહે છે કે જે ખેડૂત નથી તે જમીન ન લઈ શકે. એ વખતે એ ઍક્ટ બનવા પાછળનો ઉદ્દેશ એ હતો કે જે બિનખેડૂત છે એ ખેતીલાયક જમીન લે તો યોગ્ય રીતે ખેતી અને ઉત્પાદન ન કરી શકે. તેથી માત્ર ખેડૂતો જ જમીન લઈ શકે."

હિમ્મતસિંહના મતે મહારાષ્ટ્ર તેમજ ગુજરાત બંને રાજ્યો અલગ થયાં છતાં એ કાયદો આજે પણ બંને રાજ્યોમાં લાગુ છે.

તેઓ કહે છે, "ગુજરાતમાં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે તેમની સરકારે 2010માં કહ્યું કે ત્યાં ફક્ત ખેડૂતો જ જમીન લઈ શકે અને તે પણ ફક્ત ગુજરાતી ખેડૂતો. મુદ્દો એ છે કે જે ઍક્ટનો હવાલો આપવામાં આવે છે તેમાં માત્ર 'ખેડૂત' લખ્યું છે, 'ગુજરાતી ખેડૂત' નથી લખ્યું."

"ગુજરાતી ખેડૂત લખ્યું નથી છતાં તેમણે ખેડૂત શબ્દનું એવું અર્થઘટન કર્યું કે ખેડૂત મતલબ ગુજરાતી ખેડૂત. તેથી તેમણે કહ્યું કે જે પંજાબી ખેડૂતો છે એ ગુજરાતી નથી અને તેમની જમીન કાયદેસર ન ગણાય."

"ખેડૂતો તો દાયકાઓથી કચ્છમાં વસ્યા હતા. રજિસ્ટ્રી તેમના નામે હતી. આ ઍક્ટ દ્વારા તેમને ત્યાંથી ખસેડવાના પ્રયાસ કરવામાં આવ્યા."


અભિનેતા ધર્મેન્દ્રનું ઉદાહરણ

https://www.youtube.com/watch?v=fQi4xI91MPg&t=4s

હિમ્મતસિંહ શેરગીલ અભિનેતા ધર્મેન્દ્રનો દાખલો આપતાં કહે છે કે અભિનેતા ધર્મેન્દ્ર પંજાબના હોવા છતાં તેમણે મહારાષ્ટ્રમાં ખેતીની જમીન લીધી છે, કારણ કે ધર્મેન્દ્ર મૂળે ખેડૂત છે.

"અમારું કહેવું છે કે ખેડૂત છે તે ખેડૂત હોવો જોઈએ. પછી તે ગુજરાતનો હોય, પંજાબનો હોય, મધ્યપ્રદેશનો હોય કે ઉત્તર પ્રદેશનો. એ ભારતીય ખેડૂત હોવો જોઈએ."

"ગુજરાત સરકારનું આ વલણ બિનગુજરાતી ખેડૂતોને જમીનમાંથી બેદખલ કરવાનું પગલું હતું. કાયદો એવું નથી કહેતો. હિમાચલ પ્રદેશમાં ત્યાંના લોકોના હક માટે એવો કાયદો બનેલો છે, ગુજરાતમાં એવો કાયદો નથી."

"ગુજરાત હાઈકોર્ટમાં સીંગલ જજ બેચમાં જ્યારે આ મુકદમો ચાલ્યો ત્યારે ખેડૂતો હારી ગયા હતા. એ પછી ડબલ જજ ડિવિઝન બેચમાં મુકદમો ગયો ત્યારે ગુજરાત હાઈકોર્ટે ખેડૂતોની તરફેણમાં ચુકાદો સંભળાવ્યો હતો."

"એ વખતે એમાં કહેવામાં આવ્યું હતું કે ખેડૂત જે હોય છે એ સમગ્ર દેશનો ખેડૂત હોય છે. ત્યારપછી મોદી સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી."


જ્યારે મોદીએ શીખ ખેડૂતોને વિશ્વાસ અપાવ્યો હતો

આ મામલે રાજકારણ પણ ગરમાયું હતું. ખેડૂતો એ વખતે પોતાની સમસ્યા લઈને પંજાબના તત્કાલીન મુખ્ય મંત્રી પ્રકાશસિંહ બાદલને મળ્યા હતા અને ઉકેલ માટે આજીજી કરી હતી.

23 ફેબ્રુઆરી, 2014ના રોજ નરેન્દ્ર મોદીએ પંજાબના લુધિયાણામાં સભા સંબોધતાં કહ્યું હતું કે, "હું વિશ્વાસ અપાવવા માગું છે કે કચ્છ અને ગુજરાતની ધરતી પર ખેતીવાડી કરી રહેલા મારા કોઈ પણ શીખ ખેડૂતને ક્યારેય પણ ગુજરાત છોડવાની નોબત નહીં આવે. જો કોઈ અફસર ભૂલ કરશે તો તે અફસર જશે પણ મારા શીખ ખેડૂતો નહીં જાય."

હિમ્મતસિંહ શેરગીલનું કહેવું છે કે, "નરેન્દ્ર મોદીએ જે વાત કહી છે તે સભામાં કહી છે. તે વાત પર ભરોસો કઈ રીતે મૂકવો? એ વાતની અધિકૃતતા કેટલી? એમ તો તેમણે એમ પણ કહ્યું હતું કે દરેકનાં ખાતાંમાં પંદર લાખ આવશે."

કચ્છમાં જન્મીને મોટા થયેલા મૂળ પંજાબના મોહિન્દરસિંહ ધનોઆ કહે છે કે "અમારો પરિવાર અહીં પિતાના વખતથી આવીને વસ્યો છે. અમે ખેતી તેમજ વાહનવ્યવહારના વ્યવસાય સાથે સંકળાયેલા છીએ."

મોહિન્દરસિંહ ધનોઆ કહે છે કે અમે પંજાબીઓ અને કચ્છીઓ એકબીજાનાં લગ્ન વગેરે પ્રસંગમાં જઈએ છીએ. સાથે તહેવારો ઊજવીએ છીએ.

"કોરોના થયો ત્યારે ગાંધીધામમાં અમે લંગર લગાવ્યાં હતાં અને જરૂરિયાતમંદોને ભોજન પહોંચાડ્યાં હતાં. મારું એટલું જ કહેવું છે કે જે શીખ લોકો વર્ષોથી કચ્છને કર્મભૂમિ બનાવીને ખેતી વગેરે વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેઓ જમીનથી બેદખલ ન થવા જોઈએ."


શીખ ખેડૂતોની રાવ

https://www.youtube.com/watch?v=XUoIdbh1BfQ&t=115s

ગુરમિલ સિંહ કચ્છના કોઠારામાં રહે છે અને ખેતીવાડી કરે છે.

બીબીસીને તેઓ કહે છે, "અમારી એટલી અરજ છે કે અમને કચ્છમાંથી ખસેડવામાં ન આવે. જે લોકો પંજાબથી કચ્છ આવ્યા હતા તેઓ ત્યાં પોતાની જમીન વેચીને અહીં વસ્યા હતા."

તેઓ વધુમાં કહે છે, "હવે સ્થિતિ એવી ઊભી થઈ છે કે આ વિવાદને લીધે અમારી જમીનના ભાવ મળતા નથી. કોઈ શીખ પાસે કચ્છમાં જમીન હોય અને તેને વેચવી હોય તો એનો સરખો ભાવ મળતો નથી. જો કોર્ટમાં ચુકાદો આવે તો કંઈક નીવેડો આવે."

ગુરમિલ સિંહ કહે છે કે મેં 2009માં કચ્છના કોઠારામાં જમીન ખરીદી હતી. અમે પણ પંજાબમાં જમીન વેચીને કચ્છમાં જમીન ખરીદી હતી.

"2010 પહેલાં દસ્તાવેજ અને ઍન્ટ્રી થઈ જતી હતી. 2010 પછી એ નથી થઈ રહ્યું. 2010 પછી જે લોકો પંજાબ-હરિયાણાથી કચ્છ આવતા હતા તે બંધ થઈ ગયા છે."

વકીલ હિમ્મતસિંહ શેરગીલ વધુમાં કહે છે, "પંજાબના જે લોકો કચ્છમાં વસે છે તેઓ ખેડૂત છે. લાલબહાદુર શાસ્ત્રીના આગ્રહથી તેઓ કચ્છ આવ્યા હતા."

"પંજાબમાં પોતાની જમીન વેચીને આવ્યા હતા. 1965થી તેઓ કચ્છ આવતા રહ્યા છે અને ત્યાંની બિનઉપજાઉ જમીન પર ખેતી કરીને જમીનને હરિયાળી બનાવી છે."


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

https://www.youtube.com/watch?v=XPUEE7Ea9D4&t=5s

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Why Sikh farmers of Kutch have been fighting against Gujarat government for 10 years?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X