શું વરુણ ગાંધી કોંગ્રેસમાં જોડાશે?
પ્રયાગરાજ : 2022માં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલા ખેડૂતોના મુદ્દે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સાંસદ વરુણ ગાંધીનો બળવાનો સૂર જોવા મળી રહ્યો છે. આ દરમિયાન વરુણ ગાંધી અને તેમની માતા મેનકા ગાંધીને ભાજપની રાષ્ટ્રીય કારોબારીની યાદીમાંથી બહાર કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય કારોબારીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી ત્યારથી, અટકળોનું બજાર ગરમ છે કે, શું વરુણ ગાંધી ભાજપથી મોહભંગ થયો છે?
શું વરૂણ ગાંધી કોંગ્રેસમાં જોડાશે?
પ્રયાગરાજ જિલ્લાના કોંગ્રેસી નેતાએ વરુણ ગાંધી અંગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ જાહેર કરી, ત્યારે આ ચર્ચાઓને વધુ વેગ મળ્યો હતો. વરુણ ગાંધીના સ્વાગત માટે આ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે. વરુણ ગાંધીના સ્વાગત પોસ્ટર પર લખ્યું છે, 'દુઃખ ભરે દિન બીતે રે ભૈયા અબ સુખ આયો રે'. તેમાં વરુણ ગાંધી સાથે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો ફોટો છે. નીચે ઇર્શાદ ઉલ્લા અને બાબા અભય અવસ્થીનો ફોટો છે. બંનેને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ તરીકે વર્ણવવામાં આવ્યા છે.
આ સાથે પ્રયાગરાજ જિલ્લામાં આ પોસ્ટર બહાર પાડ્યા બાદ વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે. જ્યારે વિરોધ પક્ષના નેતાઓએ આ પોસ્ટર પર કટાક્ષ કરવાનું શરૂ કર્યું હતું, કોંગ્રેસના નેતૃત્વએ તેને ગંભીરતાથી લીધું છે. પ્રદેશ સમિતિએ શહેર કોંગ્રેસ પ્રમુખ નફીસ અનવર પાસેથી આ સમગ્ર મામલે માહિતી લીધી હતી. નફીસે આ કેસમાં પોસ્ટર જાહેર કરનારા ઇર્શાદ ઉલ્લાને કારણદર્શક નોટિસ પાઠવી છે અને 24 કલાકમાં જવાબ માટે બોલાવ્યા છે. આ દરમિયાન કોંગ્રેસમાં જોડાવા અંગે વરૂણ ગાંધીનું નિવેદન સામે આવ્યું છે.
વરુણ ગાંધીએ માત્ર ત્રણ શબ્દોમાં સમગ્ર મુદ્દાનો સારાંશ આપીને પોતાની વાત પૂરી કરી હતી. વરૂણ ગાંધીએ માત્ર એટલું જ કહ્યું કે, 'આ બધી અફવા છે'. ઉલ્લેખનીય છે કે, ખેડૂતોના પ્રદર્શન અને લખીમપુર ઘેરીની ઘટના બાદ વરુણ ગાંધીનો બળવો કરતા જોવા મળી રહ્યા હતા.
વરુણના બળવાને ધ્યાનમાં રાખીને એવી અટકળો છે કે, તેઓ ભાજપ છોડી શકે છે. તાજેતરમાં તેમની ટ્વિટર પ્રોફાઇલનો એક સ્ક્રીનશોટ પણ વાયરલ થયો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, તેમણે BJP શબ્દ તેમના ટ્વિટર બાયોમાંથી હટાવી દીધા છે. જો કે, વરુણ ગાંધીના નજીકના મિત્રોએ આ વાતને રદિયો આપ્યો અને સ્પષ્ટ કર્યું કે, વરુણે ક્યારેય બાયોમાં પાર્ટીનું નામ લખ્યું જ નથી.