For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદી, અમિત શાહને સતાવતો યક્ષપ્રશ્ન : તાલિબાનને ગણવું, અવગણવું કે વિરોધ કરવો?

નરેન્દ્ર મોદી, અમિત શાહને સતાવતો યક્ષપ્રશ્ન : તાલિબાનને ગણવું, અવગણવું કે વિરોધ કરવો?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

https://www.youtube.com/watch?v=4vkglL_5FLY

અફઘાનિસ્તાનમાં ઝડપથી બદલાતો ઘટનાક્રમ અને વર્તમાન પરિસ્થિતિથી એવું લાગે છે કે તાલિબાન લાંબા સમય માટે સત્તા પર આવ્યું છે. તેથી મધ્ય અને દક્ષિણ એશિયાના દેશોની સલામતી સંબંધી ચિંતા પણ વધી રહી છે. આ બધું ભારત માટે પણ પડકારરૂપ છે.

વ્યૂહાત્મક બાબતોના જાણકારો માને છે કે ભારત સમક્ષ સૌથી મોટો પડકાર, તાલિબાન સરકારને સ્વીકૃતિ આપવી કે નહીં, એ છે. જોકે, આ મામલે પણ ભિન્નમત પ્રવર્તી રહ્યો છે.

કેટલાક નિષ્ણાતો કહે છે કે ભારતે અત્યારે કોઈ ઉતાવળ કરવી ન જોઈએ, કારણ કે તાલિબાનની વિચારધારામાં ખાસ કોઈ ફરક પડ્યો નથી. તાલિબાન અગાઉ પણ લોકશાહીના અમલના વિરોધી હતું અને અત્યારે પણ લોકશાહીની વિરુદ્ધમાં છે.

તાલિબાન અફઘાનિસ્તાનનું સંચાલન શરિયાના કાયદા મુજબ જ કરવા ઇચ્છે છે.

આ સંજોગોમાં લોકોના અને ખાસ કરીને મહિલાઓ તથા લઘુમતીના અધિકાર શું હશે તેનો ફેંસલો મૌલવીઓ જ કરશે.

અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના નેતૃત્વ હેઠળનું નેટો દેશોનું સૈન્ય જે રીતે અફઘાનિસ્તાનમાંથી હઠી ગયું અને જે રીતે સમગ્ર દેશમાં અરાજકતા ફેલાઈ તેને કારણે રાજદ્વારી સંબંધોને પણ અચાનક ઝટકો લાગ્યો છે.

આ ઘટનાક્રમમાં એક નવા ધ્રુવનો ઉદય પણ થયો છે અને તેમાં ચીન, રશિયા તથા પાકિસ્તાન સામેલ છે.

ઈરાનને અમેરિકા સાથે સારો સંબંધ નથી એટલે તે તાલિબાનને સ્વીકૃતિ આપવાની તરફેણમાં હોય એવું લાગે છે. ભારત માટે એ પણ મોટી ચિંતાની વાત છે.


"ભારત હાલ ધીરજ રાખે"

રશિયા, પાકિસ્તાન, ચીન ટેકો આપે છે ત્યારે ભારતે તાલિબાન મામલે શું કરવું એ ગંભીર સવાલ છે.

ભારતના ભૂતપૂર્વ નાયબ રાષ્ટ્રીય સલામતી સલાહકાર અરવિંદ ગુપ્તા માને છે કે પાણી સ્થિર થાય ત્યાં સુધી ભારતે ધીરજપૂર્વક આગળ વધવું જોઈએ. તાલિબાનથી ભારતને કશું મળવાનું નથી.

બીબીસી સાથેની વાતચીતમાં ગુપ્તા કહે છે, "તાલિબાનના અસલી ચહેરાથી બધા પરિચિત છે. તાલિબાન અત્યારે પણ એક 'ઉગ્રવાદી જૂથ' જ છે. ઉગ્રવાદ અને રૂઢિવાદ એક મોટી સમસ્યા બની રહેવાના છે, કારણ કે એ વિચારધારાનો ક્યારેય અંત આવવાનો નથી. તાલિબાન સત્તા પર આવવાથી જેહાદી વિચારધારા વધુ બળવતર બનશે. તેનું પરિણામ સમગ્ર દુનિયા અગાઉ જોઈ ચૂકી છે. બીજી તરફ ઇસ્લામિક સ્ટેટ એટલે કે આઈએસની વિચારધારા પણ હજુ જીવંત છે."


તાલિબાનની કથની અને કરણીમાં ફરક

https://www.youtube.com/watch?v=cJ9j3eIfs2w&t=4s

સત્તા કબજે કર્યા બાદ તાલિબાને અનેક જાહેરાતો પણ કરી છે અને પોતાનો ઉદારમતવાદી ચહેરો દેખાડવાનો પ્રયાસ પણ કર્યો છે. તેમ છતાં અફઘાનિસ્તાનના વિવિધ પ્રાંતોમાં તાલિબાન લડવૈયાઓ દ્વારા સતામણીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે.

સમાચારોમાં જણાવ્યા અનુસાર, તાલિબાનના લડવૈયાઓ પ્રત્યેક ઘરની તલાશી લઈ રહ્યા છે અને અગાઉની સરકારમાં કામ કરી ચૂકેલા અધિકારીઓ તથા રાજકીય નેતાઓને શોધી રહ્યા છે.

ફરી સત્તામાં આવ્યા પછી તાલિબાને કહ્યું કે તે બદલાની કાર્યવાહી નહીં કરે, પરંતુ જે લોકો અગાઉ તાલિબાન સામે લડ્યા હતા એ લોકો હવે તાલિબાનના સીધા નિશાન પર આવી ગયા છે. આ ઘટનાક્રમમાં, અગાઉ તાલિબાનની સામે પડેલાં બલ્ખ પ્રાંતનાં ગવર્નર સલીમા મઝારીની તાલિબાને ધરપકડ કરી છે.

ગુપ્તા સવાલ કરે છે, "આ સંજોગોમાં તાલિબાન પર કઈ રીતે ભરોસો કરી શકાય? એમના લડવૈયાઓ લોકોને ઍરપૉર્ટ પણ જવા દેતા નથી અને આતંક ફેલાવી રહ્યા છે ત્યારે તાલિબાન સરકાર કઈ રીતે ચલાવશે?"

ગુપ્તાના જણાવ્યા મુજબ, ચીન અને પાકિસ્તાન સાથેના ભારતના સંબંધના સંદર્ભમાં અફઘાનિસ્તાનના ઘટનાક્રમને મૂલવીએ તો એ અત્યંત ચિંતાજનક છે.

ચીન, રશિયા અને પાકિસ્તાનના નવા ધ્રુવમાં ઈરાન તથા મધ્ય એશિયાના ઘણા દેશો સામેલ થઈ શકે છે અને તે કારણે ચિંતા વધે તે સ્વાભાવિક છે.

ગુપ્તા કહે છે, "અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ બીજા કોઈ દેશ પર હુમલા માટે થવા દઈશું નહીં, એવો દાવો તાલિબાન ભલે લાખ વખત કરે, પરંતુ સચ્ચાઈ એ છે કે ચીન તથા પાકિસ્તાન તેનો ભારત વિરુદ્ધ લાભ લેવાના પ્રયાસ વારંવાર કરતાં રહેશે."


કંદહાર વિમાન અપહરણથી અત્યાર સુધી ભારત અને તાલિબાનનો સંબંધ

અફઘાનિસ્તાનના ઇતિહાસમાં કંદહારનું મહત્ત્વ કાબૂલ જેટલું જ છે. 90ના દાયકામાં બે મોટી ઘટનાઓ બની જેના કારણે આ શહેર આંતરરાષ્ટ્રીય ચર્ચાનો વિષય બની ગયું. પ્રથમ ઘટના, તાલિબાનના ઉદય પછી કંદહાર પર તેમનો કબજો. બીજી ઘટના એટલે ઇન્ડિયન ઍરલાઇન્સના વિમાન અપહરણ બાદ તેને કંદહાર લઈ જવું.

ભારતે તાલિબાનને ક્યારેય સ્વીકૃતિ આપી નથી. અફઘાનિસ્તાનમાં અગાઉ તાલિબાન સત્તા પર હતા ત્યારે પણ ભારતે તેની સાથે કોઈ સંબંધ રાખ્યો ન હતો. ઇન્ડિયન ઍરલાઇન્સના વિમાનનું ઉગ્રવાદીઓએ અપહરણ કર્યું અને તે વિમાનને કંદહાર લઈ ગયા ત્યારે ભારતે તાલિબાનના કમાન્ડરો સાથે પહેલી અને છેલ્લી વખત ઔપચારિક વાત કરી હતી. એ પછી ભારતે પોતાને તાલિબાનથી કાયમ દૂર રાખ્યું છે. ક

અમેરિકન સૈન્ય અફઘાનિસ્તાનમાંથી હઠાવવાની પ્રક્રિયા પહેલાં દોહામાં તાલિબાનના નેતાઓ સાથે મંત્રણા કરવામાં આવી ત્યારે પણ ભારતે તેની સાથે નહીં સંકળાવાનો નિર્ણય કર્યો હતો. તાલિબાનના નેતૃત્વ સાથે પાછલા બારણે વાતચીત કરી હોવાના સમાચારનું પણ ભારતે ખંડન જ કર્યું છે.

ગુપ્તા માને છે કે તાલિબાનના સત્તા પર આવવાથી જમ્મુ-કાશ્મીરના માર્ગે ચરમપંથીઓના ભારતમાં ઘૂસવાની ઘટનાઓમાં વધારો થઈ શકે છે, કારણ કે પાકિસ્તાન એવું કરવાના પ્રયાસ કરતું રહેશે.


"સમગ્ર વિશ્વ માટે ચિંતાજનક"

પ્રોફેસર સચદેવા માને છે કે અફઘાનિસ્તાનમાં હાલ જે થઈ રહ્યું છે તેમાં અમેરિકા, અફઘાનિસ્તાનમાંનું અશરફ ગનીનું નેતૃત્વ અને તાલિબાનની મિલીભગત હોય એવું લાગે છે. તસવીરમાં તાલિબાન લડાકુઓ.

અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયમાં વર્ષો સુધી કામ કરી ચૂકેલા અને દિલ્હીસ્થિત જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીની સ્કૂલ ફૉર ઇન્ટરનેશનલ સ્ટડીઝમાં પ્રોફેસર તરીકે કાર્યરત ગુલશન સચદેવાના જણાવ્યા મુજબ, પાકિસ્તાનનું તાલિબાન સાથે હોવું ભારત માટે એક મોટો પડકાર બની રહેશે.

બીબીસી સાથેની વાતચીતમાં પ્રોફેસર સચદેવા કહે છે, "તાલિબાન કોણ છે? આ સંગઠનની શરૂઆત થઈ ત્યારે પાકિસ્તાનના એબટાબાદની મદરેસાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમાં સૌથી પહેલાં મોકલવામાં આવ્યા હતા. તેમને શસ્ત્રો આપવામાં આવ્યાં હતાં. એ શરૂઆત હતી, પણ તેના મૂળ ત્યાં જ છે. એ માત્ર ભારત માટે જ નહીં, પણ સમગ્ર વિશ્વ માટે ચિંતાજનક બાબત છે."

પ્રોફેસર સચદેવાના જણાવ્યા મુજબ, પાકિસ્તાનના સૈન્ય અને ગુપ્તચર એજન્સીઓ જેવી વિવિધ સંસ્થાઓનો પણ તાલિબાન સાથે હંમેશા ગાઢ સંબંધ રહ્યો છે, પરંતુ 2001માં અમેરિકાના સૈન્યએ તાલિબાનના ઠેકાણાંઓ પર હુમલો કરીને તેને ધ્વસ્ત કરી નાખ્યાં તથા અફઘાનિસ્તાનમાં લોકશાહી સરકારે સત્તા સંભાળી ત્યારે એવું લાગતું હતું કે હવે તાલિબાન ક્યારેય મજબૂત નહીં થઈ શકે.

પ્રોફેસર સચદેવા માને છે કે અફઘાનિસ્તાનમાં હાલ જે થઈ રહ્યું છે તેમાં અમેરિકા, અફઘાનિસ્તાનમાંનું અશરફ ગનીનું નેતૃત્વ અને તાલિબાનની મિલીભગત હોય એવું લાગે છે.

પ્રોફેસર સચદેવ કહે છે, "જો એવું ન હોય તો અશરફ ગનીની સરકાર જરાય પ્રતિરોધ કર્યા વિના તાલિબાનના ઘૂંટણીયે કેમ પડી ગઈ? આ એક મોટો સવાલ છે, કારણ કે તાલિબાનને કાબુલ સુધી પહોંચવામાં ત્રણ મહિનાથી વધુનો સમય લાગશે એવું અમેરિકા પણ કહેતું રહ્યું હતું, પરંતુ તાલિબાન તો ચાર દિવસમાં કાબુલ પહોંચી ગયું હતું."

પ્રોફેસર સચદેવ ઉમેરે છે, "તાલિબાનના અગાઉના શાસનકાળમાં અને હાલના શાસનકાળમાં ફરક એટલો જ છે કે અગાઉના શાસનકાળમાં તેને સ્વીકૃતિ મળી ન હતી, જ્યારે આજે ચીન તથા રશિયા જેવા વિશ્વના બે શક્તિશાળી દેશો તેને સ્વીકૃતિ આપી રહ્યા છે. યુરોપના દેશો પણ એવું જ કરશે, કારણ કે તેમને કોઈ ફરક પડતો નથી. તેથી તેઓ માને છે કે આ વખતે પોતાની સલામતી અને સાર્વભૌમત્વને ધ્યાનમાં રાખીને ભારત માટે તાલિબાન સાથે તડજોડ કરવાનું જરૂરી બનશે."

https://twitter.com/bbcnewsgujarati/status/1429087160796393479

પ્રોફેસર સચદેવાના જણાવ્યા મુજબ, ભારતે વિલંબ ન કરવો જોઈએ, કારણ કે ભારત તાલિબાન સાથે સંબંધ વિકસાવવામાં વિલંબ કરશે તો પાકિસ્તાન તેનો સીધો લાભ ઉઠાવવાના પ્રયાસ કરશે.

આ સંજોગોમાં ભારતે તેના રાજદૂતને અફઘાનિસ્તાન પાછા મોકલવા જોઈએ?

ભારતે અફઘાનિસ્તાનમાંની પોતાની દૂતાવાસ ઑફિસનું કામકાજ ફરી ઝડપથી શરૂ કરવું જોઈએ કે કેમ એ બાબતે રાજદ્વારી વર્તુળોમાં પણ ચર્ચા ચાલી રહી છે.

વ્યૂહાત્મક બાબતોના જાણકાર અને વરિષ્ઠ પત્રકાર અભિજિત અય્યર મિત્રા પણ આવું જ માને છે.

તેઓ કહે છે, "ભારતે તેના રાજદૂતને પાછા મોકલવા જોઈએ એટલું જ નહીં, પણ પોતાના તમામ સલાહકારોને પણ દૂતાવાસમાં તહેનાત કરવા જોઈએ. રશિયા, ચીન, ઈરાન અને પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં તેમના દૂતાવાસ બંધ કર્યા નથી. તાલિબાનને સાંકળવાનું ભારતના હિતમાં ઉઠાવવામાં આવેલું પગલું હશે."


પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનું સમીકરણ

તાલિબાનને બનાવવામાં અને મજબૂત કરવાના આરોપોનો પાકિસ્તાન સતત ઇનકાર કરતું રહ્યું છે, પણ તેમાં કોઈ શંકા નથી કે શરૂઆતમાં તાલિબાની આંદોલન સાથે જોડાયેલા પાકિસ્તાનની મદરેસાઓમાં શિક્ષિત થનારા લોકો હતા. અફઘાનિસ્તાન પર જ્યારે તાલિબાનનું નિયંત્રણ હતું ત્યારે પાકિસ્તાન દુનિયાના એ ત્રણ દેશોમાં સામેલ હતો, જેણે તાલિબાન સરકારને માન્યતા આપી હતી. તસવીરમાં તાલિબાને 2012 જેમને ગોળી મારી હતી તે મલાલા યુસૂફઝઈ.

મિત્રા માને છે કે ભારતે અત્યાર સુધી અપનાવેલું વલણ એકદમ યોગ્ય છે, પરંતુ બદલાયેલી પરિસ્થિતિમાં ભારતે તેની નીતિમાં પણ ફેરફાર કરવો જોઈએ. અગાઉના તાલિબાન અને અત્યારના તાલિબાનમાં ફરક એટલો જ છે કે અત્યારે તાલિબાનનું "વૈશ્વિકરણ" થઈ ચૂક્યું છે.

મિત્રા કહે છે, "અગાઉનું તાલિબાન સંપૂર્ણપણે પાકિસ્તાનના નિયંત્રણમાં હતું, પરંતુ તાલિબાનના બીજા ક્રમના સૌથી મોટા નેતા મુલ્લા અબ્દુલ ગની બરાદર અખુંદે પોતે આઠ વર્ષ સુધી પાકિસ્તાનની જેલમાં યાતના સહેવી પડી હતી. એ પછી તાલિબાનનો પાકિસ્તાન પ્રત્યેનો અભિગમ પહેલાં જેવો જ હોય એ જરૂરી નથી. તાલિબાને અફઘાનિસ્તાનમાં ઝડપભેર સત્તા કબજે કરી ત્યારથી તેના સંકેત મળવા લાગ્યા હતા."


ભરોસાનો મુદ્દો મોટો

https://www.youtube.com/watch?v=24ZiD2sggzQ

સત્તા પ્રાપ્ત કરતાંની સાથે જ તાલિબાને આપેલા સંકેતોને વ્યૂહાત્મક બાબતોના નિષ્ણાતો ગંભીરતાપૂર્વક મૂલવી રહ્યા છે.

દાખલા તરીકે, મહિલાઓને બુરખાને બદલે હિજાબ પહેરીને કામ કરવાની છૂટ, અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ કોઈ પણ દેશ વિરુદ્ધ નહીં થવા દેવાની જાહેરાત, ગુરુદ્વારામાં શીખ તથા હિન્દુઓને આશ્વાસન, ભારતે અફઘાનિસ્તાનમાં શરૂ કરેલી યોજનાઓને પૂર્ણ કરવાનો આગ્રહ અને શિયા સમુદાય સાથે બહેતર સંબંધ બાંધવાની ખાતરી આવી તમામ બાબતોનું ગંભીરતાથી આકલન કરવામાં આવી રહ્યું છે.

અફઘાનિસ્તાનમાં શરિયત કાનૂન અમલી બનાવવાના સંદર્ભમાં અભિજિત અય્યર મિત્રા જણાવે છે કે કાબુલ અને કેટલાંક પ્રાંતીય શહેરોને બાદ કરતાં અફઘાનિસ્તાનમાં એકેય કાયદાનો અમલ કડકાઈપૂર્વક કરવામાં આવતો નથી.

મિત્રા કહે છે, "પ્રાંતો અને સુદૂર વિસ્તારોમાં પરિવારમાં વડીલ હોય કે જ્ઞાતિનો મુખિયા હોય તે કહે એ જ કાયદો છે. શરિયત અમલી બનવાથી કોઈ વ્યવસ્થા બનશે અને વ્યવસ્થા હેઠળ વિવાદોનું નિરાકરણ કરવામાં આવશે. એ વ્યવસ્થા કાબુલ માટે અયોગ્ય હોઈ શકે, પરંતુ અફઘાનિસ્તાનના મોટાભાગના વિસ્તારોમાં એ નિમિત્તે કમ સે કમ કોઈ કાયદાનો અમલ થશે."

મિત્રાના જણાવ્યા મુજબ, પાકિસ્તાનના સંરક્ષણને કારણે જ તાલિબાન મજબૂત થયું છે એ સાચી વાત છે, પરંતુ સામાન્ય અફઘાન નાગરિકોની લાગણી તો પાકિસ્તાનવિરોધી જ છે. ભારતે તેનો લાભ લેવો જોઈએ, કારણ કે તાલિબાન પણ વ્યાપક લોકલાગણી વિરુદ્ધ જવાનું જોખમ લઈ નહીં શકે.


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

https://www.youtube.com/watch?v=dpTQyl0_-4w

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Yakshaprasad persecuting Narendra Modi, Amit Shah: To count, ignore or oppose the Taliban?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X